માળીયામાં જુગટુ ખેલતા ૬ શખ્સો ઝડપાયા
શ્રાવણ માસ અને એમાં પણ સાતમ-આઠમ હોય ત્યારે પતાપ્રેમીઓ માટે જાણે જુગારની મોસમ ખીલી હોય પરંતુ પોલીસ તંત્રની સતર્કતાના કારણે જુગારની મજામાં ભંગ પડતો હોય છે જયારે મોરબી શહેરમાં અને માળીયામિંયાણામાં પોલીસે જુગારનો દરોડો પાડી જુગાર રમતા ૧૨ શકુનીઓને રૂા.૪.૯૫ લાખની રોકડ જપ્ત કરી છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર આવેલા યુનિટી એપાર્ટમેન્ટમાં ૧૦માં માળે રહેતા જગદિશભાઈ પ્રભુભાઈ અંબાણીમાં જુગાર રમાતો હોવાની બાતમી એ ડિવિઝન પોલીસને મળતા ફલેટમાં દરોડો પાડી જુગાર ખેલતા જગદીશ અંબાણી સહિત પ્રવિણ પ્રભુભાઈ અંબાણી, શૈલેષ પ્રભુભાઈ ગામી, નિલેષ ઘનશ્યામભાઈ ભોરણીયા, વેલજી છગનભાઈ કાસુન્દ્રા અને વિશાલ નરભેરામ નામના શકુનીઓને ઝડપી રૂા.૪.૮૬ લાખની રોકડ સાથે ઝડપી લીધા છે. બીજો જુગારનો દરોડો માળીયામિંયાણાના પીપળીયા ચાર રસ્તા પર આવેલા નીરૂબેન નગરમાં પાડી જાહેરમાં જુગટુ રમતા હાસમ સુમર સંધી, જીતેશ રણછોડ કોળી, રફીક હાસમ મીયાણા, સંજય રામજી કોળી, પ્રેમજી રણછોડ કોળી અને અકબર હાસમ મીયાણા નામના શખ્સોને રૂા.૮ હજારની રોકડ સાથે માળીયા પોલીસે ધરપકડ કરી છે.