ભુજમાં ત્રણ અને ગાંધીધામ પોલીસે બે જુગારધામ પર ત્રાટકી: કુલ રૂ.૨.૦૩ લાખનો મુદ્દામાલ કબ્જે
કચ્છ પંથકમાં જાણે શ્રાવણીયા જુગારની મોસમ ખીલી હોય તેમ જુદા-જુદા પાંચ સ્થળોએ પોલીસે જુગારધામ પર દરોડા પાડ્યા છે. જેમાં ભુજ પોલીસે ત્રણ અને ગાંધીધામ પોલીસ બે જુગારધામ પર ત્રાટકી હતી. જેમાં પત્તા ટીચતા કુલ ૩૬ પત્તા પ્રેમીઓને પોલોસે દબોચી કુલ રૂ.૨.૦૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભુજ એ ડિવિઝન પોલીસે મીરઝાપર ગામે શાંતિ હાસમ કોલીના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી શાંતિ હાસમ કોલી અને સ્વજી વિશ્રામ કોલી સહિત કુલ ૯ શકુનિઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે દરોડામાંથી રોકડા રૂ.૪૬,૦૧૦ સહિત કુલ અડધા લાખ ઉપરની મત્તા કબ્જે કરી છે.
તો અન્ય દરોડામાં ભુજ એ ડિવિઝન પોલીસે સંજોનગર મોટાપીર ચોકડી પાસે રહેતા મહમદઅસ્લમ અબ્દુલશકુર સૈયદના ઘરે બાતમીના આધારે દરોડો પાડી મહમદઅસ્લમ અબ્દુલશકુર સૈયદ અને મામદ હાસમ કાતીયાર સહિત કુલ સાત શકુનિઓને પોલીસે રોકડા રૂ.૪૧,૧૧૦ સહિત કુલ રૂ.૫૭,૧૧૦નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથધરી છે. વધુ એક દરોડામાં એ ડિવિઝન પોલીસે હાથીસ્થાન શાળા પાસે મછીયારા ફળિયામાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા જુબેદાબેન ઉમરભાઈ કેવર સહિત કુલ ૬ મહિલા અને ત્રણ પુરુષને પત્તા ટીચતા ઝડપી પાડ્યા છે. જેમાં પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂ.૧૧,૨૨૦ જપ્ત કરી વધુ તપાસ હાથધરી છે.
તો ગાંધીધામ પોલીસે પણ જુગારધામ પર ધોસ બોલાવી છે. જેમાં એ-ડિવિઝન પોલીસ સ્ટાફે બાતમીના આધારે મહેશ્વરી નગર ઝુંપડામાં પુના સવા ચૌહાણના ઝૂંપડામાં પત્તા ટીચતા જયેશ રામચંદ રાઠોડ રાહુલ અશોક પવૈયા સહિત કુલ સાત શકુનિઓને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડા રૂ.૧૫,૮૦૦ સહિત કુલ રૂ.૪૭,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
તો અન્ય દરોડામાં પણ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે કાર્ગો એકતાનગર પાછળ જુગારધામ પર ધોસ બોલાવી જુગાર રમતા સુરેશ ઇશ્વર બારોટ, પ્રવિણ મનું બારોટ સહિત સાત જુગારીઓને રોકડા રૂ.૧૩,૬૭૦ સાથે કુલ રૂ.૨૦, ૧૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.