- જુગાર રમવા-રમાડવા માટેની ચોક્કસ ટોળકી સક્રિય: કહો તે સ્થળે આવીને દાવ લગાડવા તૈયાર
રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં એકતરફ દારૂ અને જુગાર જેવી બદ્દીને ડામવા સ્ટેટ મોનીટરીંગ સેલ જેવી મહત્વની બ્રાન્ચો સતત દરોડા પાડી મસમોટા રેકેટનો પર્દાફાશ કરી રહી છે. રાજકોટના રજાક સમા અને મહેબૂબ ઠેબા સંચાલિત અલગ અલગ ત્રણ જુગારધામમાં એક જ મહિનામાં દરોડો પાડવામાં આવ્યો છે અને કરોડોના મુદ્દામાલ સાથે ડઝનેક જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે પણ ભેજાબાજ જુગારીઓ પોલીસ પકડથી દૂર રહેવા નવા નવા કિમીયા અજમાવતા હોય તેવા અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે. હવે પત્તા અને ઘોડી-પાસા છોડી જુગારીઓ લુડોની રમત પર લાખો રૂપિયાનો દાવ લગાવતા હોય તેવી માહિતી વિશ્વ્સનીય સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે.
પ્રાપ્ત વિગત અનુસાર હવે લુડોના રમત પર લાખેણો જુગાર ખેલાઈ રહ્યો છે અને આ જુગાર એકદમ આયોજનબદ્ધ રીતે રમવા અને રમાડવામાં આવે છે. તેમાં પણ ખાસ તો લવરમૂછીયા જેવા યુવાનો ગણતરીની મિનિટોમાં જ લાખોનો જુગાર રમી બતાવે છે.
હવે લુડોની રમતમાં જુગાર રમવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. શેરી-ગલિએ 10 રૂપિયાથી માંડી કદાચ 500 રૂપિયા સુધીનો દાવ આ રમતમાં ખેલાતો હશે પણ શહેરમાં અમુક ચોક્કસ ટોળકી સક્રિય થઇ છે. જે તમારા વિસ્તારમાં આવીને લુડોની રમતમાં જુગાર રમાડી જવાની ’ફેસેલિટી’ આપે છે. પ્રાપ્ત વિગત અનુસાર જુગાર રમવાની ટેવ ધરાવતા જુગારીઓનો પ્રથમ ફોન દ્વારા સંપર્ક કરવામાં આવે છે અને લુડોની રમત પર સરાજાહેર જુગાર રમાડવાની ઓફર આપવામાં આવે છે.
જો જુગારી હામી ભરે તો સમય નક્કી કરીને બે કે ત્રણ સભ્યોની ટોળકી જે-તે નક્કી કરેલા સ્થળ પર પહોંચી જાય છે. ઉલ્લેખનીય છે કે, આ ટોળકીમાં એક પાક્કો જુગારી અને એક જુગારના પૈસા રાખનારો શખ્સ હોય છે. લુડોની રમત શરૂ કરતા પૂર્વે જ જે રકમ નક્કી થઇ હોય તે ઉઘરાવી લઇ સાઈડમાં મૂકી દેવાય છે. ત્યારબાદ ખેલ શરૂ કરવામાં આવે છે. ઉલ્લેખનીય બાબત છે કે, આ રમત વન ટુ વન જ રમાડવામાં આવે છે. જેમાં એક ટોળકીનો સભ્ય અને તેની સામે જે તે જુગારી રમતો હોય છે.
આ ટોળકીનો રમતમાં માહેર જુગારી સામાન્ય રીતે સામાવાળાને ગણતરીની મિનિટોમાં જ મ્હાત આપી માતબર રકમ લઈને રફફુચક્કર થઇ જતો હોય છે પણ હારેલો જુગારી બમણું રમે તે માફક સામાવાળો પૈસા વસુલી લેવા ફરીવાર આ ટોળકીને નોતરું આપતો હોય અને લુડોની રમતમાં પૈસાની હાર-જીતનો જુગાર સતત ધમધમતો રહે છે.
બે નંબરના ધંધામાં પણ ઈમાનદારીની પાળ પિટાય ગઈ: લુડોની ગેમમાં પણ ‘રમત’!!
સામાન્ય રીતે બે નંબરનો ધંધો ઈમાનદારી અને ભરોસા પર ચાલતો હોય છે પણ આ બે નંબરી ધંધામાં ઈમાનદારી નામના કોઈ શબ્દની કોઈ મહત્વતા જ નથી. લુડો લની રમત રમાડવા આવેલી અમુક ટોળકી તેના મોબાઈલમાં લુડોનું ક્રેક વર્ઝન લઈને આવે છે. જે વર્ઝન ધારો તેને વિજેતા બનાવી શકો તેવા ફીચર સાથે આવે છે. આ વર્ઝનમાં રમતી વેળાએ સામાવાળાને સારા અંકો જ ન આવે તેવી સિસ્ટમ અમલી હોય છે જેથી નાછૂટકે સામાવાળાને માથે હાથ રાખી રોવાનો જ વારો આવે છે.
ભગવાન ‘ભોળાનાથ’ના નામનો વિસ્તાર લુડોમાં જુગાર રમવા-રમાડવાનું એપિસેન્ટર
શહેરમાં આવેલો એક ભગવાન ભોળાનાથના નામનો વિસ્તાર લુડોની રમતમાં જુગાર રમવા-રમાડવાનું એપિસેન્ટર હોય તેવું જાણકારો કહી રહ્યા છે.
આ વિસ્તારના યુવાનો સતત લુડોની રમત રમતા-રમાડતા હોય છે અને દિવસભર હજારો રૂપિયાની રોકડી કરી લેતા હોય તેવું જાણવા મળી રહ્યું છે. આ વિસ્તારમાં એકવાર જવા માત્રથી ભગવાન ભોળાનાથ દર્શન કરીને ધન્યતા અનુભવી શકાય છે અને સાથોસાથ લુડો પર જુગાર રમાડતા શખ્સોના પણ દર્શન થઇ જાય તેવી રીતે જાહેરમાં જ ગેમ રમાતી હોય છે. જો કે, કોઈને અંદાજ માત્ર પણ ન આવે કે આ મોબાઈલમાં રમાતી સામાન્ય રમત ફકત મનોરંજન માટે નથી.
જાહેરમાં લુડો રમતા લવરમૂછીયાઓના ખિસ્સા તપાસો તો લાખોની રોકડ મળી આવે : પૈસાની હાર-જીતનો મોટો પુરાવો
હવે જયારે લુડો પર લાખોનો દાવ રમવામાં આવે છે ત્યારે આ બાબતે પૈસાની હારજીત થાય છે કે કેમ તે અંગેની ખરાઈ કેમ કરવી તેવો સવાલ ઉઠે છે પરંતુ લુડો રમતા લવરમૂછીયા જેવા દેખાતા યુવાનોના ખિસ્સા માત્ર તપાસવામાં આવે તો હજારો-લાખોની રોકડ મળી આવે જે મોટો પુરાવો છે. હવે આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી થાય તો લુડોની આડમાં રમાતો જુગાર જે યુવાપેઢીને મિનિટોમાં મોટી રકમ જીતી લેવાની લાલચ આપી જુગારના રવાડે ચડાવે છે તે કારસ્તાનનો ભાંડાફોડ થઇ શકે તેમ છે.