અંદાજે ર000ની વસતી ધરાવતું ગામ 1947થી વિકાસના પાયામાં સમરસતા
અમરેલીના નાનકડા ગામ અને આધુનિક એવા ઈશ્વરીયાની….! અમરેલીના નાનકડા એવા ગામ ઈશ્વરીયાએ વિકાસના સીમાડા સુધી પહોંચવા માટેના તમામ સફળ પ્રયત્નો કર્યા છે. કેવું હોય આધુનિક વિલેજ? આધુનિક વિલેજ એટલે સામાન્ય રીતે એવું ગામ જ્યાં પાયાની તમામ સુવિધા હોય, ઉપરાંત ઇન્ટરનેટના માધ્યમ થકી વિશ્વ સાથે ગામનું અને ગામલોકોનું જોડાણ હોય, સૌના સહકારથી, સહિયારા વિકાસના પથ પર આગળ વધતી વિચારધારા ધરાવતું અને આધુનિક દુનિયા સાથે કદમથી કદમ મિલાવી આગળ વધતું ગામ!
ઈશ્વરીયામાં સરકાર, સહકાર અને લોકભાગીદારીના સમન્વયથી દરેક ક્ષેત્રમાં વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. કેન્દ્રીય રાજ્યમંત્રી અને ગુજરાત સહિત ભારતનું ગૌરવ એવા પરષોત્તમભાઈ રૂપાલાનું વતન પણ આધુનિક વિલેજ ઈશ્વરીયા છે. ઈશ્વરીયામાં શિક્ષણ ક્ષેત્રે નવી અને અદ્યતન પ્રાથમિક શાળા છે, તો સ્વચ્છતા માટે કચરાના વ્યવસ્થાપન માટે ડોર ટુ ડોર કચરા માટે કચરા કલેકશન સિસ્ટમ પણ છે.
પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થાની સાથે સાથે 100 ટકા ઘરોમાં સેનિટેશનની સુવિધા પણ છે. ઈશ્વરીયા સોએ સો ટકા ઘરોમાં પીવાના શુદ્ધ પાણી માટે નળ જોડાણની કામગીરી પાંચ વર્ષ પૂર્વે પૂર્ણ કરી ચૂક્યું છે! પંચાયત કચેરી સહિત રોડ રસ્તા અને અન્ય જાહેર બાંધકામોની ઉત્તમ સુવિધા ધરાવતું ઈશ્વરીયા ગામ આરોગ્ય ક્ષેત્રે પણ પાછળ નથી! 100 ટકા પૂર્ણ રીતે કોવિડ વેક્સિનેટેડ ગામની ઓળખ ધરાવતું ગામ છે.
ઈશ્વરીયામાં છેક વર્ષ 1947ના સમયથી પંચાયતની ચૂંટણી કરવામાં નથી આવી! છે ને કમાલની વાત! ઈશ્વરીયા ગામ એ સમરસતાની મિશાલ ધરાવતું આધુનિક ગામડું છે. આ વિલેજમાં પિયતના સાધન તરીકે મહીપરીએજ યોજના, સરકારી કુવા સંખ્યા 2, ખાનગી કુવા સંખ્યા 25 અને 145થી વધુ બોર છે. સરકારી મિલકતોમાં નવી બનેલ પંચાયત કચેરી-1, આંગણવાડી-2, નવી અને આધુનિક પ્રાથમિક શાળા ધોરણ 1 થી 8, પુસ્તકાલય, નવું બનેલ કોમ્યુનિટી હોલનું બિલ્ડિંગ, (મોટા બા ની વાડી) પાણીની ટાંકી અને “ન્યુ ઇન્ડિયા”ના નિર્માણમાં “સહકારથી સમૃદ્ધિ”ની યાત્રામાં સહભાગી થવા માટે સહકારી મંડળી પણ કાર્યરત છે. ભૂગર્ભ ગટર સહિતની સુવિધાઓ પણ ઈશ્વરીયામાં છે. સમગ્ર દેશમાં ’નવી શિક્ષણ નીતિ 2020-21’ અમલી બની છે, ત્યારે ગુજરાત પણ હવે શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. હવે આંગણવાડી અને પ્રાથમિક શાળાના બિલ્ડિંગ સહિયારા પ્રયાસો થકી નવા બન્યા છે અને પ્રાથમિક શાળામાં ડિજીટલ શિક્ષા બોર્ડ, પ્રાયોગિક લેબ, કોમ્પ્યુટર ક્લાસ, પીવાના શુદ્ધ પાણી માટે આર.ઓ સિસ્ટમ સુવિધા, સેનિટેશનની સુવિધા સહિત તમામ પ્રકારની સુવિધાઓ ડેવલપ કરવામાં આવી છે.
આજે કુલ 380 બાળકો આ શાળામાં શિક્ષા પ્રાપ્ત કરી રહ્યા છે. આ પ્રાથમિક શાળા તમામ પ્રકારે સુવિધાસંપન્ન અને આધુનિક હોવાથી અમરેલી શહેરના 180 જેટલા બાળકો પણ અહીં શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે.