યુવાન ઘરેથી કજીયો કરીને ચાલ્યા ગયા બાદ ભિક્ષુક જેવા વ્યક્તિને મિત્રતા કરવાનું કહ્યું પરંતુ તેણે ના પાડી દેતા તેનુ કાસળ કાઢી નાખ્યું

એક અઠવાડિયા પૂર્વે જિલ્લાના ગડુ ગામ પાસેથી ક્રૂર રીતે હત્યા કરેલ પુરુષની લાશ મળી આવી હતી તથા આ અજાણ્યા પુરુષની હત્યા કોણે કરી ? તે અંગે પોલીસ દ્વારા સઘન તપાસ કરાઈ રહી હતી, ત્યારે જ જુનાગઢ પોલીસે આ હત્યાનો પર્દાફાશ કરી, ખોરાસા ગીર ગામના ૨૧ વર્ષીય યુવાનને પકડી પાડેલા છે.

ચોરવાડ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગડુ ગામ પાસે ખોરાંસા નાકા પાસેથી ગત તારીખ ૧૮ ના રોજ એક ક્રૂર રીતે હત્યા કરાયેલા અજાણ્યા પુરૂષની લાશ મળી આવતા, ચોરવાડ પોલીસમાં ગુનો નોંધાયો હતો, જોકે મારનાર અને હત્યારો બંને અજાણ્યા વ્યક્તિઓ હોવાથી આ ગુનો ઉકેલવો પોલીસ માટે પડકાર જનક હતો.

બીજી બાજુ જિલ્લા પોલીસ વડા રવિ તેજાના માર્ગદર્શન હેઠળ અને માંગરોળના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. પુરોહિતના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસની જુદી-જુદી ટીમો બનાવવામાં આવી હતી અને સીસી ટીવી ફૂટેજ, બાતમીદારો અને વિવિધ રીતે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

દરમિયાન આ ઘટનામાં એક શંકાસ્પદ વ્યક્તિ પોલીસની નજરમાં ચડ્યો હતો, ત્યારે પોલીસે ગડુ ચેક પોસ્ટ ખાતેથી ખોરાસા ગીર ગામના જય રમેશભાઈ ચુડાસમા (ઉં.વ. ૨૧) ને હસ્તક કરી પૂછપરછ કરી હતી ત્યારે આ ગુનાનો ભેદ ઉકેલાયો હતો.

પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછમાં હાથમાં આવેલ જયના જણાવ્યા અનુસાર ગત તારીખ ૧૭ ઓગસ્ટના રોજ તેમના કાકી જયાબેન હરસુખભાઈ ચુડાસમા સાથે તેને માથાકુટ થઇ હતી અને બાદમાં ઘરેથી માતા-પિતા સાથે ઝઘડો કરી, કાકી જયાબેનને  મારી નાંખવાનો પ્લાન બનાવી નીકળ્યો હતો, પરંતુ વાડીએ કુતરાની બીક લાગતાં, તે ખોરાસ ગામની વાડીએથી ચાલી ગડુ ગામે પહોંચ્યો હતો, ત્યારે એક અજાણ્યો ભિક્ષુક ત્યાં બેઠો હતો તેને જઈએ મિત્રતા કરવાનું કહેલું પરંતુ ભિક્ષુક એ ના પાડતા ગુસ્સે ભરાયેલા જય એ નજીકમાં પડેલ સોડા બોટલ તથા પથ્થર વડે ભિક્ષુક ને માર માર્યો હતો અને રબરના પટ્ટાથી તેનું ગળું દબાવી હત્યા નિપજાવી ઢીમ ઢાળી દીધું હતું.

ગડુના અને આ ખૂનના ગુનાનો એલસીબીએ ભેદ ઉકેલ્યા હતો અને હત્યા કરનાર આરોપી જય દ્વારા ગુનાનો સ્વીકાર કરી લેવામાં આવતા પોલીસે આ અંગે જય ની વધુ તપાસ અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જો કે, આ ઘટનામાં જેનું મોત કરવામાં આવ્યું છે તે અજાણ્યો ભિક્ષુક જેવો લાગતો પુરુષ કોણ છે ? તે અંગે હજુ ખુલ્લા પામેલ નથી, ત્યારે પોલીસે હજુ આ દિશામાં પણ તપાસ જારી રાખી હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.