સત્તાના મદમાં નેવીને એક પણ ઈંચ જમીન નહીં આપવાની જાહેરાત
માલબાર હિલમાં ફલોટીંગ જેટી મુદ્દે નેવીના વિરોધથી મંત્રી નીતિન ગડકરી કાળઝાળ
વાણી વિલાસ મામલે મોદી સરકારના પ્રધાનો કૌરવોની ભૂમિકામાં આવી ગયા છે. માલાબાર હિલ પર ફલોટીંગ જેટી ઉભી કરવાની પરવાનગી આપવાનો નેવી દ્વારા વાંધો ઉઠાવવામાં આવતા છંછેડાઈ ગયેલા માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નેવીને પાકિસ્તાનમાં જઈ પેટ્રોલીંગ કરવા સુધીની સલાહ આપી દીધી છે. તેમણે નેવી વિકાસકાર્યોમાં દખલ દેતી હોવાનો આક્ષેપ પણ કર્યો છે.
બોમ્બે હાઈકોર્ટે ફલોટીંગ જેટીને પરવાનગી આપવાનો ઈન્કાર કરતા નેવી પર ગિન્નાયેલા ગડકરીએ ગુમાનથી કહ્યું હતું કે, અમે સત્તામાં છીએ નેવી કે સંરક્ષણ મંત્રાલય નહીં, મારી અધ્યક્ષતામાં વડાપ્રધાને ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટને મંજૂરી આપવા માટે કમીટી બનાવી છે. અમે જેટીને પરવાનગી અપાવી દેશું. માર્ગ અને પરિવહન મંત્રી ગડકરીના આ પ્રકારના નિવેદનથી મોદી સરકારના પ્રધાનો સત્તામાં કેટલા મદ હોવાની વાત સમજાઈ જાય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નેવીના બધા અધિકારીઓ શા માટે દક્ષિણ મુંબઈમાં રહેવા માંગે છે. તેઓ મારી પાસે પ્લોટ માંગવા આવ્યા હતા. પરંતુ હું એક પણ ઈંચ જમીન આપવાનો નથી. અમે નેવીને માન આપીએ છીએ પરંતુ તેઓએ પાકિસ્તાન જઈને પેટ્રોલીંગ કરવું જોઈએ. વાંધાના પગલે ગડકરીએ નેવીની ટીકા કરી હતી. ગડકરી જયારે આવા કડવા નિવેદન આપી રહ્યાં હતા ત્યારે વેસ્ટર્ન નેવર કમાન્ડના વડા વાઈસ એડમીરલ ગીરીશ લુથરા પણ ત્યાં હાજર હતા.
માલબાર હિલ પાસે ફલોટીંગ જેટી પ્રોજેકટ પાસે ફલોટીંગ હોટલ અને સર્વિસ શરૂ કરવાની સરકારની યોજના હતી. પરંતુ નેવીએ વાંધો ઉઠાવ્યો હતો. હાઈકોર્ટની પરવાનગી છતાં નેવીએ વાંધો રજૂ કર્યો હોવાનું ગડકરીનું કહેવું છે. મુંબઈમાં વિકસાવવામાં આવી રહેલા પ્રોજેકટ સામે નેવી રોડા નાખતી હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે. તેમણેર કહ્યું છે કે, માલબાર હિલમાં નેવી ક્યાં છે ? કામકાજમાં રોડ બ્લોક ઉભો કરવાની માનસીકતા વિકસી ગઈ છે. અમે સત્તામાં છીએ નેવી કે સંરક્ષણ મંત્રાલય નહીં.