- ચાર દિવસથી લાપતા બનેલા મહંતને નાસિકથી વડોદરા લાવી ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ કરી
- કરોડોની મિલકત પચાવી પાડવા અને બોગસ વિલ બનાવી માનસિક ત્રાસ અપાતો હોવાથી ગુમ થયા હતા
જુનાગઢ ભારતી આશ્રમનાં મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદ ચાર દિવસ પહેલા વડોદરા નજીકથી ગુમ થતા હતા જેની પોલીસને તે નાસિક નજીકથી એક કારમાંથી મળ્યા બાદ તેમને વડોદરા લાવવામાં આવ્યા છે. જ્યાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે સ્વામી હરિહરાનંદની પૂછપરછ શરૂ કરી છે. જેમાં હરિહરાનંદ સ્વામી તેમની સાથે વિશ્વાસઘાત થયો હોવાની માહિતી અને પુરાવા આપશે તો પોલીસ આ અંગે વધુ કાર્યવાહી કરશે તેવું જણાવ્યું હતું.
વિગત મૂજબ ભારતી આશ્રમના મહંતસ્વામી હરિહરાનંદ ભારતીજી વડોદરાની કપુરાઈ ચોકડીથી ગુમ થયાની અરજી વાડી પોલીસ સ્ટેશનમાં ચાર દિવસ પહેલા નોંધાઈ હતી. પોલીસે પણ તેમની શોધખોળ હાથ ધરી હતી, ગુમ થયાની રાત્રે તેઓ કપુરાઈ ચોકડી નજીક આવેલી હોટલ ક્રિષ્ના બહાર લાગેલા સીસીટીવીમાં કેદ થયા હતા. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે 5 ટીમ બનાવી હતી તેમજ તેમના અંગે માહિતી આપનારને પણ ઇનામ આપવાની જાહેરાત પણ કરી હતી.
પરમેશ્વર ભારતી (શ્રી ભારતી આશ્રમ, ગુરડેશ્નર, જિલ્લો નર્મદા)એ વડોદરાના વાડી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી કે, અમારા આશ્રમના ગાદીપતિ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજ ગત તા. 30 એપ્રિલના રોજ બપોરના આશરે 12 વાગ્યે આશ્રમ કેવડિયાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલી ડો. રવીન્દ્ર લોઢાની હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા માટે નીકળ્યા હતા. ચેકઅપ કરાવી સાંજના આશરે સાડાપાંચ વાગ્યે કેવડિયા આશ્રમ ખાતે આવવા નીકળ્યા હતા.અને વડોદરા શહેરમાં રહેતા એક સેવક રાકેશભાઇ રસિકભાઇ ડોડિયા ભોજન કરવા માટે ગયા હતા. જ્યાં રાત્રે આશરે નવ વાગ્યે તેમણે કારેલીબાગ ખાસવાડી સ્મશાન ખાતે તેમના શિષ્ય કાળુ ભારતી પાસે જવાનું કહેતાં રાકેશભાઇ ડોડિયાએ હરિહરાનંદ મહારાજને કપુરાઇ ચોકડી પાસે આવેલી પોલીસ ચેકપોસ્ટની પાછળ હનુમાન દાદાની ડેરીએ કારમાંથી ઉતાર્યા હતા. ત્યાર બાદ રાકેશભાઇ તેમના ઘરે જતા રહ્યા હતા.
બાદ તેઓ ત્યાંથી ગુમ થયા હતા જેની પોલીસને આજે ચાર દિવસ બાદ તેમની ભાળ મળી આવ્યતા તેમને પૂછતાછ માટે વડોદરા લાવવામાં આવ્યા છે.
કંટાળી આશ્રમ છોડવાનો વીડિયો વાયરલ કર્યો’તો
હરિહરાનંદ બાપુએ આશ્રમ છોડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં કર્યો હતો. જેમાં હરિહરાનંદ બાપુ કહે છે, ભારતી આશ્રમ સરખેજનો ખૂબ વિવાદ થયો. એક વર્ષ થયું, મારા ગુરુ ભારતી બાપુ બ્રહ્મલીન થયા ત્યાર પછીથી સતત વિવાદ ચાલી રહ્યો છે. મારી પાસે આશ્રમ માગે છે, વિલ મારા નામે છે. મારી સામે નકલી વિલ બનાવ્યું. મને ખૂબ દબાણ કરવામાં આવ્યું છે. મારી પર યેન કેન પ્રકારેણ કીચડ ઊડ્યો અને ઉડાડે એવા માણસો તૈયાર કર્યા. માણસો પણ કીચડ ઉડાડી મને દબાણ કરે છે. તો હું કંટાળી ગયો છું અને મેં આ નિર્ણય લીધો છે કે હું આ છોડીને નીકળી જાઉં.