થાન અને ગઢડાના આઠ શખ્સોએ પી.વિજય આંગડીયા પેઢીના કર્મચારીને લૂંટવાનું કાવતરૂ ઘડયાની કબુલાત
પોલીસે ત્વરીત નાકાબંધી કરી ભીમડાદ નજીકથી ઝડપી લીધા: હીરા અને રોકડ સાથેનો પુરેપુરો મુદામાલ કબ્જે: લૂંટના ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સોની શોધખોળ
ગઢડાની પી. વિજય આંગડીયા પેઢીના કર્મચારીને આંતરી આઠ જેટલા શખ્સોએ ખૂની હુમલો કરી રૂ.૩૯.૨૮ લાખની દિલધડક લૂંટ ચલાવ્યાનું પોલીસમાં નોંધાતા સનસનાટી મચી ગઇ છે. બોટાદ પોલીસ તાકીદે નાકાબંધી કરી લૂંટ ચલાવી કાળા કલરની કારમાં ભાગી છૂટેલા પાંચ લૂંટારાઓનો પોલીસે ફિલ્મીઢબે પીછો કરી ઝડપી લેવામાં સફળતા મળી છે. પોલીસે પાંચેય શખ્સો પાસેથી રૂ. ૩૯.૨૮ લાખની રોકડ અને હીરાના પેકેટ કબ્જે કરી લૂંટના ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ શખ્સોની શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગઢડાના ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા અને બોટાદ રોડ પર આવેલી પી.વિજય આંગડીયા પેઢીમાં ડીલીવરીમેન તરીકે ફરજ બજાવતા રાકેશભાઇ ઉર્ફે આર.કે.રમણભાઇ ગોહેલ નામના ૪૯ વર્ષના પ્રૌઢ બાઇક પર ઉગામેડી ગામે હીરાના પેકેટ અને રોકડ સાથેના પાર્સલની ડીલીવરી કરવા જઇ રહ્યા હતા ત્યારે ગઢડાથી ચાર કી.મી.દુર પહોચ્યો ત્યારે કાળા કલરની કારમાં અને બાઇક પર આવેલા આઠ જેટલા શખ્સોએ કારની ઠોકર માર્યા બાદ ઢીકાપાટુ મારી રૂ.૩૯.૨૮ લાખની મત્તા સાથેના આંગડીયાપેઢીના થેલાની લૂંટ ચલાવી ભાગી ગયાની ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
રાકેશ ગોહેલને લૂંટી કાર ચાલક અને બાઇક સવાર ભાગી ગયાની ઉગામેડી ગામની આંગડીયાપેઢીને જાણ કરી કારનો પીછો કરવા જાણ કરી હતી અને ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવતા રેન્જ આઇજી સુભાષ ત્રિવેદી અને બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સહિતના સ્ટાફે બોટાદ જિલ્લાના તમામ માર્ગ પર નાકાબંધી કરી લીધી હતી અને ઉગામેડી ગામની આંગડીયા પેઢીના કર્મચારીઓ બાઇક પર લૂંટ ચલાવી ભાગેલી કારનો પીછો કરી પોલીસને લોકેશન આપતા હોવાથી પોલીસ સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી લૂંટારાની કારનો ફિલ્મીઢબે પીછો કરતા ભીમદાદની સીમમાં ઘેટા પર કાર ચડાવી એક સાથે ચાર ઘેટાના મોત થતા લૂંટારા કાર રેઢી મુકી ભાગી ગયા હતા.
પોલીસે કારમાંથી ભાગેલા ચાર લૂંટારાઓને ઝડપી લીધા હતા અને એક શખ્સને બાઇક પર ભાગતા ઝડપી લીધો હતો. પોલીસે ઝડપેલા સુરેન્દ્રનગરના થાનગઢ નજીકના અમરાપુરના ના અશોક બચુ કિહલા, થાનના સરસાણા ગામના ગણેશ ઉર્ફે ગણો મેરા નાગડુકીયા, ગઢડાના સાળંગપુરના સંજય મનજી તાવીયા, જયંતી ગોરધન ગાબુ અને વીજળીયા ગામના મહેશ નાથા ઝાલા નામના શખ્સોની ધરપકડ કરી હતી. તેની પાસેથી રૂ.૩૩ લાખની કિંમતના હીરાના ૪૨ પેકેટ, રૂ.૬.૮૮ લાખની રોકડ, કાર અને બાઇક કબ્જે કર્યા છે. પાંચેય શખ્સોની પૂછપરછ દરમિયાન સાળંગપુરના જંયતી ગાબુ અને મોટા સખપર ગામના વિપુલ મથુર મકવાણાએ પી.વિજય આંગડીયા પેઢીના કર્મચારીને આંતરી લૂંટ ચલાવવાનો પ્લાન બનાવ્યાની અને જયંતી તેમજ વિપુલે રેકી કરી લૂંટના બનાવને અંજામ આપ્યાની કબુલાત આપી છે.
આંગડીયા લૂંટના ગુનામાં સંડોવાયેલા વિપુલ મકવાણા સહિત અન્ય ત્રણ શખ્સોની સંડોવણી બહાર આવતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.
લૂંટ ચલાવી ભાગેલી કારને ભરવાડે લાકડી મારી અટકાવી
ગઢડાની પી.વિજય આંગડીયા પેઢીના કર્મચારી રાકેશભાઇ ગોહેલ પર હુમલો કરી રૂ|.૩૯.૨૮ લાખની લૂંટ ચલાવી કાળા કલરની કારમાં લૂંટારા ભાગી ગયા હતા. ત્યારે લૂંટારાઓનો પોલીસ પીછો કરી રહ્યા હોવાની જાણ થઇ જતા માર્ગમાં ઘેટાને ટોળાને કચી નાખ્યા હતા. એક સાથે ચાર ઘેટાના મોત થતાં ભરવાડ શખ્સે કારને લાકડી મારી અટકાવી દીધી હતી. પણ કારમાં બેઠેલા લૂંટારા ભાગ્યા હતા. તે દરમિયાન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે આવી ગયા ત્યારે ભરવાડ શખ્સે પોતાના ઘેટા કચડી નાખ્યા હોવાથી કાર પર લાકડી ફેકી કાચ ફોડી નાખ્યાનું જણાવ્યું હતું ત્યારે પોલીસ સ્ટાફે ભરવાડ શખ્સે અજાણતા કરેલી મદદથી લૂંટારાઓને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હોવાનું જણાવ્યું હતું.