કપાસની કમાણી લૂંટાઈ જતા જગતના તાંતની દયનિય સ્થિતિ
અબતક-રાજકોટ
ગઢડા(સ્વામીના) તાલુકાના ચિરોડા ગામે પાંચ શખ્સોએ મોડી રાત્રે ખેડૂતના મકાનમાં ઘુસી ખેડૂતને બંધક બનાવી રૂ.૧૧ લાખની લૂંટ ચલાવતા ચકચાર મચી ગયો છે. ખેડૂતને થોડા સમય પહેલા જ પોતાના કપાસના પાકની આવક ઉપજી હતી. જે લૂંટાઈ જતા જગતના તાતની દયનિય સ્થિતિ સર્જાઈ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગઢડા તાલુકાના ચિરોડા ગામે રહેતા ખેડૂત રઘુભાઈ કેવડીયા (ઉ.વ ૫૫) જેઓ ખેતી કામ કરે છે અને તેઓએ આજથી બે મહિના પહેલા કપાસનું વેચાણ કરતા રૂ.૧૧થી ૧૨ લાખ જેટલી રકમ તેના રૂમમાં એક કબાટમાં સાચવી મૂકી હતી. આ દરમિયાન ગત મોડી રાત્રીના સુમારે રઘુભાઈ ઘરે રૂમમાં સુતા હતા અને બાથરૂમ જવા માટે બહાર આવતા અચાનક પાંચ જેટલા શખ્સોએ રઘુભાઈની પાછળથી આવી માથે કપડું ઓઢાડી મૂઢમાર મારી રૂમમાં બાંધી લૂંટ ચલાવી હતી.
ચોરીના ઈરાદે આયોજનબદ્ધ રીતે ઘરમાં ઘૂસેલા શખ્સોએ ઘરની તમામ વસ્તુઓ ફેંદી નાખી રૂમના કબાટમાં રહેલા રોકડ રૂ.૧૧ થી ૧૨ લાખ તથા ગળામાં પહેરેલા સોનાના ચેઈનની લૂંટ કરીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ ઘટનાના પગલે દેકારો મચી જતાં પોલીસને જાણ થતાં બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, ડી.વાય.એસ.પી.,પી.આઈ, પી.એસ.આઈ, એલ. સી.બી, એસ.ઓ.જી અને ડોગ સ્કવોર્ડ સહિતનો મોટો પોલીસ કાફલો ચિરોડા ગામે દોડી આવ્યો હતો.
જગતના તાત રઘુભાઈ કેવડીયાની મરણ મૂડી લૂંટી જતા તેઓની હાલ દયનિય હાલત થઈ છે. પોલીસે ખેડૂતની ફરિયાદ પરથી પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. તો આ લૂંટમાં કોઈ જાણભેદુ હોવાની શંકા પણ સેવાઇ રહી છે.