ધારી-બગસરાની ખાલી બેઠકને લઈને રાજકારણ ગરમાયું: પૂર્વ ધારાસભ્ય જે.વી.કાકડીયાની ઉપસ્થિતિમાં અનેક કાર્યકરોએ કોંગ્રેસને અલવિદા કહ્યું
અગાઉ કોંગ્રેસનો તુટવાનો સીલસીલો ચાલ્યો હતો તે હવે ફરી શરૂ થાય તેવા અણસાર મળી રહ્યા છે. કારણકે વિપક્ષી નેતાના ગઢમાં વધુ એક વખત મોટુ ગાબડુ પડયું છે. ખાંભામાં એક સાથે ૧૦૦ કોંગી કાર્યકરોએ કોંગ્રેસને અલવિદા કહીને ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે. આ ઘટનાને લઈને રાજકારણ ભારે ગરમાયું છે.
ધારી-બગસરા વિધાનસભા બેઠકનાં કોંગી ધારાસભ્ય જે.વી.કાકડીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધા બાદ આ બેઠક ખાલી થઈ છે ત્યારબાદ આ બેઠકને લઈને હાલ રાજકારણ ગરમાયું છે. કારણકે જે.વી.કાકડીયાની ઉપસ્થિતિમાં કોંગ્રેસનાં ૧૦૦ જેટલા કાર્યકરોએ કોંગ્રેસને છોડી ભાજપમાં પ્રવેશ કર્યો છે. આ કાર્યકરોનો ભાજપમાં પ્રવેશનો કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં અનેક ભાજપ અગ્રણીઓએ ઉપસ્થિત રહીને તેઓને આવકાર આપ્યો હતો.
અગાઉ કોંગ્રેસમાં તોડજોડનો સીલસીલો ખુબ જ ચાલ્યો હતો ત્યારબાદ લોકડાઉન દરમિયાન આ સીલસીલા ઉપર બ્રેક લાગી હતી પરંતુ હવે ફરી આ સીલસીલો ચાલુ થવાનો હોય તેવા એંધાણ મળી રહ્યા છે. વિપક્ષી નેતા પરેશ ધાનાણીના ગઢમાં ૧૦૦ કાર્યકરોનું મોટુ ગાબડુ પડયું હોય આ ઘટનાને લઈને રાજકારણમાં ભારે ગરમાવો ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ વિપક્ષી નેતા પરેશ ધાનાણીના ગઢમાં અનેક વખત ગાબડુ પડયું હતું ત્યારે હવે ફરી ખાંભામાં ૧૦૦ કાર્યકરોએ કોંગ્રેસ સાથે છેડો ફાડયો છે.
આગામી દિવસોમાં પેટાચુંટણીઓ યોજાવાની છે ત્યારે આ પેટાચુંટણીઓમાં જીત હાંસલ કરવા માટે બંને મુખ્ય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દીધો હોય તેમ પક્ષને વધુમાં વધુ મજબુત બનાવવા કમરકસવામાં આવી રહી છે.