પાર્ટનરશિપ ફોર ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઈન્વેસ્ટમેન્ટ નામની યોજના લોન્ચ, 2027 સુધીમાં આ ફંડ એકત્રિત કરી જરૂરિયાતમંદ દેશોને રોડ-રસ્તા અને પોર્ટ વિકસાવવા સહિતની મદદ કરાશે
અમેરિકાના પ્રમુખ જો બાઈડેન અને પશ્ચિમ દેશોની ત્રણ દિવસની જી-7 સમિટનો રવિવારે જર્મનીના બાવેરિયન આલ્પ્સ ખાતે આરંભ થયો હતો. આ દેશોએ ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટની સામે વૈશ્વિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાર્ટનરશિપ માટે 600 બીલીયન ડોલર એટલે કે અંદાજે 50 લાખ કરોડનું ફંડ ઊભુ કરવાની પહેલ કરી છે. આ ફંડ 2027 સુધીમાં ઊભું કરાશે. જો કે આ ફંડ ઉભું કરવાની યોજના ચીનને પાઠ ભણાવવા માટે કરવામાં આવી છે. ચીન ગરીબ દેશોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાના નામે તેને ગુલામ બનાવવાનું ષડયંત્ર ચલાવી રહ્યું છે. આ યોજનાથી તેના મનસૂબા ઉપર પાણી ફરી જશે તે નક્કી છે.
જી-7ના આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનને ચીનથી ચિંતિત જી7 દેશોએ સૌપ્રથમ ગયા વર્ષે વહેતો કર્યો હતો અને હવે તેને નવા શીર્ષક ‘પાર્ટનરશિપ ફોર ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઈન્વેસ્ટમેન્ટ’ હેઠળ લોન્ચ કરી રહ્યા છે. અગાઉ તેને બિલ્ડ બેક બેટર વર્લ્ડ નામ આપવામાં આવ્યું હતું. અમેરિકાના અધિકારીઓ સતત કહેતા આવ્યા છે કે ચીનની ઈન્ફ્રાસ્ટ્રક્ચર પહેલ વિવધ દેશોને દેવામાં ડૂબાડવા માટે છે અને તેનો સૌથી વધુ ફાયદો ચીનને જ થવાનો છે. યોગાનુયોગ સમિટ શરૂ થઈ ત્યારે જ રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર મિસાઈલ હુમલો કર્યો હતો. બાઈડેને પ્રી-સમિટ મીટિંગ દરમિયાન કહ્યું હતું કે આપણે બધાએ સંગઠિત થવું પડશે કારણ કે પુતિન શરૂઆતથી જ મોકો શોધી રહ્યા છે કે નાટો અને જી-7 દેશોમાં ભાગલા પડશે. પરંતુ આપણે એવું નહીં થવા દઈએ.
જી-7 મીટિંગના આરંભિક સત્રમાં સભ્ય દેશોએ પુતિન સામે વિવિધ પ્રકારે પ્રહાર કર્યા હતા. બોરીસ જોન્સને કહ્યું હતું કે શું આપણે હવે જેકેટ પહેરવા જોઈએ કે કેમ. આપણે બતાવવું પડશે કે આપણે પુતિન કરતાં વધુ આકરા છીએ. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પુતિન પર કટાક્ષ કરતા કહ્યું હતું કે ખુલ્લા શરીરે હોર્સબેક રાઈડ રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતીનના શર્ટ વગરના અનેક ફોટો પ્રસિદ્ધ થયા છે જે સંદર્ભમાં ટ્રુડોએ આમ કહ્યું હતું.
રશિયા-યુક્રેનના યુદ્ધ સહિત વિશ્વમાં અનેક સમસ્યાઓ અને તેના ઉકેલ અંગેની ચર્ચા માટે જી-સાત દેશોની બેઠક જર્મનીમાં મળી હતી. એ અગાઉ આ દેશોના વડાઓએ એકસાથે તસ્વીરો પડાવી હતી. જેમાં જર્મનીના ચાંસેલર ઓલાફ સ્કોલ્ઝ, ઉર્સુલા વોન ડર લેયેન (યૂરોપીય પંચના પ્રમુખ), ફ્યુમિઓ કિશિદા (જાપાનના વડાપ્રધાન), જસ્ટિન ટ્રુડો (કેનેડાના પીએમ), જો બાઇડેન (યુએસ પ્રેસીડેન્ટ), મારિઓ દ્રાઘી (ઇટાલીના પીએમ) અને ચાલ્ર્સ મિશેલ (યૂરોપીય કાઉન્સિલના પ્રમુખ)નો સમાવેશ થાય છે.
મોદીની આર્જેન્ટિનાના પ્રમુખ સાથે બેઠક: ખાદ્ય સુરક્ષાને લઈને મહ્ત્વની વાતચીત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે જી-7 શિખર સંમેલન દરમિયાન આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાન્ડીઝ સાથે બેઠક કરી અને દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન બન્ને નેતાઓએ વેપાર અને નિવેશ, રક્ષા સહયોગ, કૃષિ, જળવાયુ કાર્યવાહી અને ખાદ્ય સુરક્ષા જેવા વિભિન્ન મુદ્દા પર ચર્ચા કરી હતી. આ બન્ને નેતાઓ વચ્ચે પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. બન્ને નેતાઓએ 2019માં સ્થાપિત દ્વિપક્ષીય રણનીતિક ભાગીદારીને લાગુ કરવામાં પ્રગતિની સમીક્ષા કરી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ પણ કર્યું હતું કે મ્યૂનિખમાં રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાન્ડીઝ સાથે સાર્થક બેઠક દરમિયાન ભારત-આર્જેન્ટિના વચ્ચે મૈત્રીપૂર્ણ સબંધોની સમીક્ષા કરવામાં આવી. આપણા દેશો વચ્ચે મજબૂત સહયોગથી આપણા લોકોને ઘણો ફાયદો થશે. જ્યારે પ્રધાનમંત્રી કાર્યાલયે મોદીની બે દેશોની યાત્રા દરમિયાન પ્રથમ દ્વિપક્ષીય બેઠક પર ટ્વિટમાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મ્યૂનિખમાં રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાન્ડીઝ સાથે વાતચીત કરી. બન્ને નેતાઓએ ભારત અને આર્જેન્ટિના વચ્ચે વાણિજ્યિક અને સાંસ્કૃતિક સંબંધોને પ્રગાઢ બનાવવાની રીત પર ચર્ચા કરી હતી.