સર્જરી વિભાગે વર્ષમાં ૪૬૮૭ ઓપરેશન કર્યા
બ્રેઈન ડેડ વ્યક્તિના અંગદાનથી ત્રણને મળ્યા જીવનદાન
કોરોના ગ્રસ્તદર્દીઓની સારવાર તબીબો પેરા મેડિકલ સ્ટાફ દ્વારા પીપીઇ કિટ પહેરીની કરવામાં આવતી હોય છે. પરંતુ કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓ એવા છે કે જેમના ઉપર કેટલાક ઓપરેશનો કરવાની પણ જરૂર પડે છે. આવા ૨૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. સામાન્ય સારવારમા કે આઈ.સી.યુ.માં દર્દીની સાવ બાજુમાં વધુ સમય રહેવાનુ હોતું નથી. જ્યારે ઓપરેશનોમાં કોરોનાગ્રસ્ત દર્દીની અત્યંત નજીક રહી તેનાં ખુલ્લા પડેલા અવયવો પર તબીબો અને નર્સોએ કામ કરવાનુ હોય છે. દર્દીના શરીરના અંગો ખોલીને સર્જરી થતી હોય છે. આંતરડા-પેટ સહિતના અંગોમાં કોરોના વાયરસનો કાફલો હોય છે. જેથી સર્જન-નર્સોને ચેપ લાગવાની સંભાવના મહતમ રહે છે. આ વાત કરે છે જામનગર જી.જી. હોસ્પિટલના સર્જરી વિભાગના સિનિયર મોસ્ટ પ્રોફેસર અને વિભાગના વડા ડો.સુધીર મહેતા. ડો. સુધીર મહેતા વધુમાં જણાવે છે કે, કોરોનાના સમયગાળામાં કુલ ૩૫ કોરોનાના દર્દીઓની સર્જરી કોવિડ હોસ્પિટલમાં કરાઇ છે. જેમાં ૨૦ જેટલી સર્જરી સર્જરી વિભાગ દ્વારા કરવામાં આવી છે. સર્જરી વિભાગના ૧૮ જેટલા ડોકટર્સ-રેસીડન્ટ ડોકટર્સ કોરોનાની ઝપટમાં આવી ગયા હતા. જોકે કોરોનાને હરાવી આ તમામ કોરોના વોરિયર્સ ફરી દર્દીનારાયણોની સેવામાં લાગી ગયા હતા. કોરોનાગ્રસ્ત દર્દીઓમાં થયેલા ઓપરેશનોમાં હોજરીમાં કાણુ, આંતરડામાં કાણુ, આંતરડામાં સડો, આંતરડામાં અટકાવ, એપેન્ડિક્સમાં ચેપ કે તેનુ ફાટી જવુ, પ્રસુતિ બાદ પેટમાં રસીનો ભરાવો, પગમાં સડો કે ગેંગરીન વિગેરેના ઓપરેશનો મુખ્ય છે. કોરોનાગ્રસ્ત થવાના જોખમ વચ્ચે પણ આવા જટીલ ઓપરેશનો સર્જરીના સર્જનો સાવચેતીપૂર્વક તથા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા હતા. તેમ પ્રોફેસર- સર્જન ડો. ધર્મેશ વસાવડા જણાવે છે. સર્જરી વિભાગના ડો. સુધીર મહેતા, ડો. ધર્મેશ વસાવડા, ડો.અમરીશ મહેતા કોવિડની ડયુટીમાં શરૂઆતથી જ જોડાયેલા છે જ. આ ઉપરાંત બીજા સર્જરીના તબીબોએ પણ ૪૦ દિવસથી લઇ ૧૧૫ દિવસ સુધી ફરજ બજાવી છે. કોવિડ હોસ્પિટલમાં અતિ મહત્વના કંટ્રોલ રૂમમાં તથા વિવિધ માળ ઉપર ફ્લોર મેનેજર તરીકે પણ સર્જરી વિભાગના તબીબો અને રેસિડન્ટ ડોકટર્સ ફરજ બજાવી રહયા છે. તેમ સર્જરી વિભાગના વડા ડો. સુધીર મહેતાએ જણાવ્યું હતું.વર્ષ ૨૦૧૯ માં કુલ ૩૧૩૬ અને વર્ષ ૨૦૨૦માં ૧૫૫૧ જેટલા નાના અને મોટા ઓપરેશનો સર્જરી વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે. તેમ જણાવી ડો.સુધીર મહેતા વધુમાં કહે છે કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલના માર્ગદર્શન અને સહયોગથી રાજય સરકાર દ્વારા અમને શસ્ત્રક્રિયા માટે લાખોના સાધનો પ્રાપ્ત થાય છે. આ સાધનો વિદેશથી મંગાવવામાં આવે છે. ઓપરેશનમાં વપરાતી આ સાધન સામગ્રીઓ દ્વારા દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી રહી છે.