દૈનિક ૫૦ થી ૭૦ દર્દીઓનો તેમના પરિજનો સાથે વિડીયોકોલ મારફત કરાવાય છે મેળાપ
હાલ જામનગરમાં ફેલાઈ રહેલા સંક્રમણને પરિણામે જામનગરની ૭૦૦ બેડની ડેડીકેટેડ કોવિડ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં અનેક દર્દીઓ દાખલ છે. કોરોના મહામારી સામે લડત આપવા તંત્ર સતત અનેક નવતર અભિગમ દાખવીને દર્દી અને તેમના પરિજનોને અનેક સુવિધાઓ પ્રાપ્ય કરાવી રહ્યું છે.
આ મહામારીમાં દર્દીના પરિવારજનો હોસ્પિટલમાં રહી તેમની સારસંભાળ કરી શકે તેમ ન હોવાથી દર્દીઓને પરિજનોથી દૂર થવાનો ભય સતાવી રહ્યો હોય છે. આ સમયે દાખલ થયેલ દર્દીની પરિસ્થિતિ વિશે પરિવારને પણ અનેક મૂંઝવણ અનુભવાતી હોય છે.ત્યારે આ રોગમાં દર્દી અને પરિજનોની વચ્ચે સેતુ રૂપ બન્યું છે, જામનગરની જી.જી.હોસ્પિટલનું સહાયક કેન્દ્ર. હું તમારી શું મદદ કરી શકું? આ વાક્ય સાથે જ દર્દીના પરિજનોને અનુભવાતી અનેક મૂંઝવણના જવાબ મળી જાય છે. જામનગર જી.જી હોસ્પિટલ ખાતે કાર્યરત હેલ્પ ડેસ્ક દ્વારા દર્દીઓને તેમના પરિજનો સાથે વિડીયોકોલ મારફતે વાત કરાવાય છે. આ વિડીયોકોલ સમયે પરિજનો તેમના દાખલ થયેલ પરિવારજનની તબિયત વિષે અને તેમની આરોગ્યની સ્થિતિ વિશે રૂબરૂની જેમ જ પૃચ્છા કરી શકે છે. જે દર્દી બાયપેપ કે વેન્ટીલેટર પર હોય અને પોતે બોલી શકે તેમ ન હોય તેવા દર્દીને તેમના પરિજનોની સાથે વિડીયોકોલ મારફતે તેમની સ્થિતિદેખાડવામાં આવે છે. સાથે જ દર્દી સહાયક મારફત પરિવારજન તેમની સ્થિતિ વિશે વાત-ચીત કરી વધુ જાણકારી મેળવી શકે છે.
જામનગરની જી.જી. હોસ્પિટલ દ્વારા અનેક દર્દીઓને તેમના પરિવાર સાથે વાત કરીને તેમને માનસિક સધિયારો પણ આપવામાં આવે છે. આ હેલ્પ ડેસ્ક દ્વારા પ્રારંભના સમયમાં કાઉન્સિલર દ્વારા માત્ર ઓડિયો કોલ અને વિડીયોકોલ મારફત કાઉન્સેલિંગ કરવામાં આવતું હતું.હાલમાં દર્દીઓની મનોસ્થિતિને લક્ષમાં લઇ હવે કાઉન્સેલરો દ્વારા તેમને રૂબરૂ મળીને પણ કાઉન્સેલીંગ કરવામાં આવી રહ્યું છે. જી. જી. હોસ્પિટલમાં દસ દિવસથી દાખલ વૃદ્ધ પિતા સાથે વાત કરી હેલ્પ ડેસ્કની સુવિધાથી સંતોષ દર્શાવતા રમેશભાઈ કહે છે કે, હેલ્પ ડેસ્ક દ્વારા દિવસમાં બે વખત સવારે ૧૦ થી ૧ અને બપોરે ૪ થી ૭ દરમિયાન અમને અમારા પિતા સાથે વિડિયો કોલ મારફત વાત કરાવવામાં આવે છે. મારા પિતા હાલ બાયપેપ પર છે તેથી તેઓ બોલી શકતા નથી પરંતુ દર્દી સહાયકો મારફત તેમની સ્થિતિ અંગે અમને પૂરતી જાણકારી આપવામાં આવે છે. તેઓવ્યવસ્થિત જમી શકે છે, રહી શકે છે તે બાબતની નાની નાની બાબતની પણ કાળજી લઇ અમને જણાવવામાં આવે છે. હાલ મારા પિતાની તબિયત સારી છે. આ હેલ્પ ડેસ્ક દ્વારા અમને ખૂબ સારી રીતે અમારા પિતા સાથે સંપર્ક કરાવી આપવામાં આવે છે.
આ સહાયક કેન્દ્રમાં કાર્યરત સિદ્ધાર્થ પરમાર કહે છે કે, જી. જી. હોસ્પિટલમાં દાખલ અનેક પેશન્ટ બાઈપેપકે વેન્ટિલેટર પર હોઈ શકે છે ત્યારે તેઓ પોતાના ફોન દ્વારા પોતાના પરિવારજનો સાથે સંપર્ક કરી શકતા નથી. આ સમયે અમે વોર્ડમાં હાજર રહેલ સહાયકને વિડીયો કોલ કરી સહાયક મારફત દર્દીના પરિવારજનોને વિડીયો કોલ મારફત વાત કરાવી આપીએ છીએ. દર્દીની સ્થિતિ વિશે પણ પરિવારજનોને માહિતી આપીએ છીએ. હાલ સુધીમાં રોજના ૫૦થી ૭૦ જેટલા વિડિયોકોલ હેલ્પ ડેસ્ક દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ રૂબરૂમાં અનેક ઇન્કવાયરી પણ આવતી હોય છે, જેને પણ સંતોષકારક જવાબ આપીને અમે કામગીરી બજાવી છીએ. ઘણી વાર એવું પણ બનતું હોય છે કે, વૃદ્ધ દર્દીઓ બાયપેપ કે વેન્ટિલેટરના માસ્ક વારંવાર કાઢી નાખતા હોય કે તેવી ચેષ્ટાઓ કરતા હોય ત્યારે આ હેલ્પ ડેસ્કમાં આવેલ તેમના પરિવારજન તેમને સમજાવીને, તેમની સારવાર વિશે વાત કરી કન્વિન્સ પણ કરતા હોય છે, જેનાથી ડોક્ટરોને પણ મદદ મળી રહે છે.
હેલ્પ ડેસ્ક દ્વારા જે તે પેશન્ટના સગાઓને તેમના રિપોર્ટ પણ આપવામાં આવે છે. આ સાથે જ અહીં કાર્યરત કાઉન્સેલર પ્રશાંતભાઈ નગેવાડિયા જણાવે છે કે, અત્યાર સુધી અમે જે દર્દીઓની માનસિક સ્થિતિ ભાંગી પડી હોય, ડર અને ગભરાટ અનુભવતા હોય, ઘણા દર્દી કોરોનાના ભયથી હિંમત ગુમાવી બેસતા હોય છે તેવા દર્દીઓનું કોલ મારફત કાઉન્સેલિંગ કરી રહ્યા હતા પરંતુ હવેથી આ દર્દીઓને દિવસમાં બે વખત રૂબરૂ મળીને કાઉન્સેલિંગ કરીએ છીએ. આ સાથે જ દર્દીના પરિવારજનો હેલ્પ ડેસ્ક પર આવે છે તેમના પરિવારજનોને પણ તેમની સ્થિતિ વિશે જણાવી સાથે જ માનસિક સાંત્વના આપીએ છીએ.
જી.જી.હોસ્પિટલ સહાયક કેન્દ્ર અનેક દર્દીઓ અને તેમના પરિજનોના મેળાપનું સ્થળ બન્યું છે. અનેક દર્દીઓના પરિજનો આ કેન્દ્ર દ્વારા પોતાના પરિવારજનની સ્થિતિથી વાકેફ થાય છે અને સાથે જ પરિવારજન દર્દીને પણ વિડીયોકોલ મારફત સાંત્વના અને સધિયારો આપે છે. આમ, સહાયક કેન્દ્ર દર્દી અને પરિજન વચ્ચેનો સેતુ બન્યું છે.