પ્રેરણાદાયી વ્યક્તિત્વથી શાળા બની પ્રગતિશીલ
શાળામાં ૨૧ વર્ષથી ફરજ બજાવે છે ડો. કચ્છલા
દર વર્ષે ગુજરાત રાજ્યના અલગ-અલગ કેટેગરીમાં કાર્યરત શિક્ષકો, આચાર્ય સી.આર.સી. કેળવણી નિરીક્ષકો, ખાસ શિક્ષકો વગેરેની રાજ્યકક્ષાએ તેઓએ કરેલી શ્રેષ્ઠ કામગીરી બદલ પારિતોષિક અને એવોર્ડ માટે રાજ્ય સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવે છે. ચાલુ વર્ષ ૨૦૨૦માટે રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી આચાર્યના વિભાગમાં જામનગરથી જી.ડી.શાહ હાયર સેકેન્ડરી સ્કૂલના ડો. સતીશ ડી. કચ્છલાની પસંદગી કરવામાં આવી છે.
શ્રીયુત જી.ડી.શાહ હાયર સેક્ધડરી સ્કૂલ ૫૧ વર્ષથી શિક્ષણક્ષેત્રે કાર્યરત ખ્યાતનામ શાાળા છે. ડો. કચ્છલા આ શાળામાં છેલ્લા ૨૧ વર્ષથી આચાર્ય તરીકે કાર્ય કરે છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અને સંસ્થાની નામના માટે કાર્યદક્ષ કચ્છલા દીર્ઘદૃષ્ટા, પ્રતિભાશાળી અને શિક્ષણના ભેખધારી નેતા છે. તેઓ પોતાની કાર્યપ્રણાલીમાં ત્વરીત નિર્ણયશક્તિ, પ્રત્યેક પડકારનો ઉકેલ, કાર્યપ્રત્યે સભાન અને સંસ્થા પ્રત્યે સમર્પિત ભાવના ધરાવે છે. તેઓ દ્વારા શાળાની સમગ્ર ટીમનું વ્યવસ્થાપન અને સુચારા સંચાલનથી શાળાનું ધો. ૧૦ અને ધો. ૧૨નું પરિણામ હંમેશાં ૯૦ ટકા ઉપર આવે છે. તેઓના પ્રેરણાદાયી વ્યક્તિત્વથી શાળા વિકાસ કરી પ્રગતિશીલ બની છે. વિદ્યાર્થીઓની પ્રગતિ અને ઉજ્જવળ ભવિષ્ય માટે તેઓ હંમેશાં સકારાત્મક અભિગમ ધરાવે છે. તેઓએ તેમની ડોક્ટરેટ ડિગ્રીમાં તૈયાર કરેલ શોધ, નિબંધનું વિદ્યાર્થીઓના હિતાર્થ સાનુકૂળ ઉપયોજન થાય છે. તેઓ સમાજની વિવિધ સંસ્થાઓ જેવી કે રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, રેડક્રોસ સોસાયટી, ભારત વિકાસ પરિષદ, વિદ્યુત બોર્ડ વગેરે સંસ્થા દ્વારા સન્માનિત થયા છે.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પણ તેઓના કાર્યને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવેલ છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ સહઅભ્યાસ પ્રવૃત્તિ દ્વારા ભણતરની સાથે ગણતર પર ધ્યાન અપાય છે. ગત વર્ષ રસ્સાખેંચ સ્પર્ધામાં શાળાની ટીમ રાજ્ય કક્ષાએ પ્રથમ ગણત્તર પર ધ્યાન અપાય છે. ગત વર્ષ રસ્સાખેંચ સ્પર્ધામાં શાળાની ટીમ રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન મેળવેલ છે. શાળામાં ત્રણ વર્ષ બહેનોનું બોર્ડનું પરિણામ ૧૦૦ ટકા આવતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા તેઓને સન્માનિત કરવામાં આવેલ છે. હાલની શાળાના નિર્માણમાં ભૂમિદાન માટે વર્ષ ૨૦૦૭માં સંસ્થાને તેઓના પ્રયત્નથી ૩૦ લાખનું માતબર દાન મળેલ છે. શાળાને તમામ ક્ષેત્રે નામના આપવામાં તેઓનું આગવું યોગદાન રહ્યું છે. વિદ્યાર્થીઓના વિકાસ માટે કાર્યરત અને ઉત્સુક એવા કચ્છલા શ્રેષ્ઠ આચાર્ય એવોર્ડ માટે રાજ્ય સરકાર દ્વારા પસંદગી થતા તેઓને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી જતીનભાઈ શાહ, મંત્રી ભરતભાઈ શાહ, ટ્રેઝરર રાજુભાઈ શાહ તથા તમામ ટ્રસ્ટી, શાળાનો સ્ટાફ, તથા સમાજ શ્રેષ્ઠીઓએ શુભેચ્છા અને અભિનંદન આપ્યા છે.