આવકવેરાએ સરકારની તિજોરી છલકાવી
ગત નાણાકીય વર્ષમાં 3.7 લાખ કરોડના રિફંડ આપવામાં આવ્યા જે નાણાકીય વર્ષ 2021- 22 કરતા 37.42 ટકા વધુ
આવકવેરા વિભાગે સરકારની તિજોરી છલકાવી દીધી છે ત્યારે નાણાકીય વર્ષ 2022-23 નું નેટ કલેક્શન નિર્ધારિત બજેટ લક્ષ્યાંકથી 17 ટકા વધુ જોવા મળ્યું છે અને તે આંકડો 16.61 લાખ કરોડે પહોંચ્યો છે. બજેટ એસ્ટીમેટ 14.2 લાખ કરોડ નો નિર્ધારિત કરવામાં આવ્યું હતું જેમાં 2.41 લાખ કરોડનો વધારો નોંધાયો છે.
31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ 2022-23માં ટેક્સપેયર્સે સરકારી તિજોરી પર મહેરબાન થયા છે. આ સમયગાળા દરમિયાન નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન એક વર્ષ અગાઉની સરખામણીમાં 17.63 ટકા વધીને રૂ. 16.61 લાખ કરોડ થયું છે. આ ટેક્સ કલેક્શન સુધારેલા બજેટ અંદાજ કરતાં વધુ છે. નાણા મંત્રાલય તરફથી 2022-23 માટે ટેક્સ કલેક્શનના આંકડાઓ જાહેર કરતા, એવું કહેવામાં આવ્યું હતું કે તાજેતરમાં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 19.68 લાખ કરોડ હતું. આ ટેક્સ કલેક્શન નાણાકીય વર્ષ 2021-22માં 16.36 લાખ કરોડ રૂપિયા કરતાં 20.33 ટકા વધુ છે. નાણાકીય વર્ષ 2022-23 માટે પ્રત્યક્ષ કર વસૂલાતનો અંદાજપત્ર રૂ. 14.20 લાખ કરોડ હતો, જે પાછળથી સુધારીને રૂ. 16.50 લાખ કરોડ કરવામાં આવ્યો હતો.
નેટ ટેક્સ કલેક્શન શરૂઆતીબજેટ અંદાજ કરતાં 16.97 ટકા વધુ અને સુધારેલા અંદાજ કરતાં 0.69 ટકા વધુ હતું. નાણાકીય વર્ષ 2021-22ની સરખામણીમાં નેટ ટેક્સ કલેક્શનમાં 17.63 ટકાનો વધારો થયો છે. એક વર્ષ પહેલા તે 14.12 લાખ કરોડ રૂપિયા હતો. નાણા મંત્રાલયે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2022-23માં ગ્રોસ કોર્પોરેટ ટેક્સ કલેક્શન એક વર્ષ અગાઉની સરખામણીમાં 16.91 ટકા વધીને રૂ. 10.04 લાખ કરોડ થયું છે.
ગ્રોસ પર્સનલ ઇન્કમ ટેક્સ કલેક્શન સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં રૂ. 9.60 લાખ કરોડ હતું. આ રીતે, નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 7.73 લાખ કરોડની સરખામણીમાં 24.23 ટકાનો વધારો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 3,07,352 કરોડના રિફંડ પણ જારી કરવામાં આવ્યા હતા, જે એક વર્ષ અગાઉના રૂ. 2,23,658 કરોડ કરતાં 37.42 ટકા વધુ છે.