રશિયા-ચાઈના સાથે વધી રહેલા તણાવના પગલે ટ્રમ્પે યુ.એસ. સ્પેસ ફોર્સ બનાવવા કર્યો નિર્ણય
ઈન્ટરનેટના આ ઝડપી યુગમાં સેટેલાઈટની મહત્વની ભૂમિકા છે અને તમામ દેશો પોતાની અવકાશી તાકાત વધારવા પ્રયત્નશીલ છે ત્યારે રશિયા અને ચીનની સતત વધતી જતી ધમકીઓ અને સ્પર્ધાને ધ્યાનમાં લઈ અમેરિકાએ યુ.એસ. સ્પેસ ફોર્સ બનાવવા નિર્ણય કર્યો છે અને પોતાની છઠ્ઠી લશ્કરી તાકાત માટે વોર ફાઈટીંગ સર્વિસ નામની મહત્વકાંક્ષી યોજના જાહેર કરી અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૨૦ સુધીમાં પોતાની આ ફોર્સને સજ્જ કરી લેવાશે તેવું જાહેર કર્યું છે.
આવનારી સદીમાં અવકાશી યુદ્ધો થશે. કારણકે કોઈપણ દેશની ભોગોલિક સ્થિતિ હોય, આબોહવા હોય, ઈન્ટરનેટ કે અન્ય કોઈપણ સુવિધા હોય આ તમામ બાબતોના તાર અવકાશમાં તરતા મુકાયેલા સેટેલાઈટ સાથે જોડાયેલા છે ત્યારે જગત જમાદાર અમેરિકાએ આવનારા વર્ષોમાં પોતાની અવકાશી તાકાતને વિશ્વ સમક્ષ શ્રેષ્ઠ સાબિત કરવા માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી છે અને આગામી વર્ષ ૨૦૨૦ સુધીમાં આ અવકાશી તાકાત સંપુર્ણપણે કામ કરતી થઈ જનાર હોવાનું વ્હાઈટ હાઉસ દ્વારા સતાવાર રીતે જાહેર કરાયું છે.
વધુમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો દ્વારા આગામી ૨૦૨૦ની ચુંટણી પૂર્વે અમેરિકાની છઠ્ઠી લશ્કરી તાકાત તરીકે વોર ફાઈટીંગ સર્વિસ યુ.એસ. ફોર્સ બનાવવા લીધેલા નિર્ણય માટે લોકો પાસેથી સ્પેસ ફોર્સને લગતા લોગો પર મત આપવા માટે પણ ઓફર કરવામાં આવી છે ત્યારે અમેરિકા પોતાના પ્રભુત્વને વિશ્વ સમક્ષ મુકવા માટે જોરદાર તૈયારીમાં લાગી ગયું છે અને નવી પેઢીના જોખમોને રોકવા અને હરાવવા માટે અમેરિકાએ આ અવકાશી યુદ્ધ ભુમીની તૈયારી શરૂ કરી હોવાનું વાઈસ પ્રેસીડેન્ટ માઈક પેન્સે પેન્ટાગોનના ભાષણ દરમિયાન જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે રશિયા અને ચીન સાથે સતત વધી રહેલા અમેરિકાના તણાવ તેમજ સ્પર્ધાના કારણે ઈલેકટ્રોનિક હુમલાના જોખમો વધી ગયા છે. ખાસ કરીને નેવીગેશન ઉપરાંત અન્ય સંચાર માધ્યમો માટે ઉપગ્રહોને અક્ષમ બનાવવા તરફ દુશ્મનોની ચાલનો સામનો અગાઉથી જ કરવા માટે અમેરિકા દ્વારા યુ.એસ. સ્પેસ ફોર્સ બનાવવા આ નિર્ણય કરાયો હોવાનું પણ મનાઈ રહ્યું છે.