- બંનેનું કોર્પોરેટર પદ યથાવત રાખવાના ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને કોર્પોરેશન, ભાજપ અથવા થર્ડ પાર્ટી સુપ્રીમ કોર્ટમાં પડકારે તેવી પ્રબળ સંભાવના
રાજકોટ કોર્પોરેટર પદેથી રાજીનામું આપ્યા વિના જ આમ આદમી પાર્ટીનું ઝાડું પકડી લેનાર વોર્ડ નં.15ના નગરસેવક વશરામભાઇ સાગઠીયા અને કોમલબેન ભારાઇને રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા કોર્પોરેટર પદે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. દરમિયાન આ બંનેએ ફરી ઘરવાપસી કરી હતી અને કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. જેઓની સામે શહેરી વિભાગમાં કરવામાં આવેલી ફરિયાદ કોંગ્રેસે પરત ખેંચી લેતા ગત 16મી ફેબ્રુઆરીએ ગુજરાત હાઇકોર્ટે બંનેનું કોર્પોરેટર પદ યથાવત રાખવાનો નિર્ણય આપ્યો હતો. જેને એકાદ–બે દિવસમાં સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે.
સામાન્ય રીતે કોઇપણ પક્ષમાં સામેલ થતા પૂર્વે તમે જે હોદ્ા પર હોય તે છોડવો પડે છે. અન્યથા પ્રક્ષાંતરધારા મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. ગુજરાત વિધાનસભાની–2022માં યોજાયેલી ચૂંટણી પૂર્વે વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઇએ કોંગ્રેસના કોર્પોરેટર પદેથી રાજીનામું આપ્યા વિના જ આમ આદમી પાર્ટીમાં સામેલ થઇ ગયા હતા. જેના વિરોધમાં વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ શહેરી વિકાસ વિભાગમાં ફરિયાદ કરી હતી. જેના આધારે શહેરી વિકાસ વિભાગ દ્વારા આ બંને નગરસેવકોને કોર્પોરેટર પદે ડિસક્વોલીફાઇ કરવામાં આવ્યા હતા. દરમિયાન તેઓએ થોડા સમય બાદ ફરી કોંગ્રેસમાં વાપસી કરતા ભાનુબેને ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. ત્યારબાદ સાગઠીયા અને ભારાઇએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઇકોર્ટ દ્વારા ગત 16મી ફેબ્રુઆરીના રોજ ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં બંનેનું કોર્પોરેટર પદ યથાવત રાખવાનો ચુકાદો આપ્યો છે. ગત મંગળવારે હાઇકોર્ટના આ ચુકાદાની ફાઇલ કોર્પોરેશનને મળી ચુકી હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ જનરલ બોર્ડનો એજન્ડા પ્રસિધ્ધ થયા બાદ જ્યારે સાગઠીયા અને ભારાઇ સેક્રેટરી શાખા સમક્ષ પ્રશ્ર્નો રજૂ કરવા આવ્યા ત્યારે તેઓના પ્રશ્ર્નનો સ્વિકાર કરવામાં ન આવતા એવા સંકેતો મળી ગયા હતા કે મામલો વધુ પેચિદો બની શકે છે.
આગામી એકાદ–બે દિવસમાં ભાજપ પક્ષ, કોર્પોરેશન અથવા કોઇ ત્રાહિત વ્યક્તિ ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકારશે. સાગઠીયા અને ભારાઇને હવે કોર્પોરેશનથી દૂર રાખવા માટે તજવીજ શરૂ કરી દેવામાં આવી છે. સુપ્રિમ કોર્ટમાં મુદ્ત પડશે અને ચુકાદો આવે ત્યાં પોણા બે વર્ષનો સમય નિકળી જશે અને વર્તમાન બોડીની મુદ્ત પણ પૂરી થઇ જશે. આજે પોતાના પ્રશ્ર્ન સ્વિકારવામાં આવશે કે કેમ? તેની ઉઘરાણી સાથે સાગઠીયા અને ભારાઇ કોર્પોરેશન કચેરીએ આવ્યા હતા. પરંતુ આજે પણ તેઓને સંતોષકારક જવાબ મળ્યો ન હતો. બંને નેતાઓનું રાજકીય ભાવિ હાલ ડામાડોળ થઇ ગયું હોવાની ચર્ચા કોર્પોરેશનની લોબીમાં ચાલી રહી છે.