ચાર મોરચાના પ્રમુખ અને મહામંત્રીના નામ જાહેર કરાયા બાદ પ્રદેશથી આદેશ છુટતા તમામ નામો હાલ પુરતા સ્થગીત કરાયા હોવાની શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીની ઘોંષણા
શહેર ભાજપમાં આજે બપોરે ભયકર ભડકો થઇ ગયો છે અલગ અલગ ચાર મોરચાના પ્રમુખ અને મહામંત્રીના નામો જાહેર કરાયા બાદ પ્રદેશમાંથી આદેશ છુટતા તાત્કાલીક અસરથી વરણી સ્થગીત કરી દેવામાં આવી છે. મોરચામાં સનિષ્ઠ કાર્યકરોની નિમણુંક કરવાના બદલે લાગવગ અને ઓળખાણને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાની ફરીયાદો પ્રદેશ કક્ષા સુધી પહોચતા માત્ર એક જ કલાકમાં તમામ નિમણુંકો તાત્કાલીક અસરથી સ્થગીત કરી દેવામાં આવી હતી.
શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી દ્વારા આજે છ મોરચાના પૈકી મહીલા મોરચા, યુવા મોરચા, લધુમતિ મોરચા અને અનુસુચિત મોરચાના પ્રમુખ તથા મહામંત્રીના નામની ધોષણા કરવામાં આવી હતી. મહીલા મોરચાની જુની ટીમને રીપીટ કરવામાં આવી હતી. જયારે યુવા મોરચા પર રીતસર કાતર ફેરવી દેવામાં આવી હતી. યુવા મોરચાના એક પણ હોદેદારને રીપીટ કરવામાં આવ્યો ન હતો. જયારે લધુમતિ મોરચાના પ્રમુખને રીપીટ કરાયા હતા. વોર્ડ અને મોરચામાં હોદેદારોની નિમણુંક માટે અગાઉ સેન્સ લેવામાં આવી હતી. જેમાં જે નામ પર બહુમતિ હતી તેઓને હોદા આપવામાં ન આવ્યા હોવાની પણ ફરીયાદો ઉઠી હતી. અલગ અલગ ચાર મોરચાના પ્રમુખ અને મહામંત્રીની નિમણુંક કરાયાના એક જ કલાકમાં વરણી સ્થગીત કરી દેવામાં આવી હતી.
આ અંગે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ એવો ખુલાસો કર્યો હતો કે, પ્રદેશ માંથી એવી સુચના આવી છે કે, હાલ મોરચાની વરણી સ્થગીત કરી દેવામાં આવે તમામ છ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓના નામ નકકી કર્યા બાદ આ નામોની યાદી પ્રદેશમાં મોકલી અને પ્રદેશ દ્વારા બહાલી આપયા બાદ તમામ મોરચાના હોદેદારોના નામ જાહેર કરવા શહેર ભાજપ પ્રમુખ ભલે આ કારણ આપી રહ્યા હોય પરંતુ વાસ્તવમાં મોરચા જાહેર કરાયા બાદ પ્રદેશ લેવલ સુધી ફરીયાદોનો ધોધ છુટતા પ્રદેશમાંથી આદેશ આવ્યો હતો કે તમામ વોર્ડના પ્રમુખ અને મહામંત્રીની વરણીને યથાવત રાખો પરંતુ મોરચાના હોદેદારોની વરણી હાલ સ્થગીત કરી દો.
સામાન્ય રીતે ભાજપમાં એકવાર હોદેદારોની નિયુકિત કર્યા બાદ તેમાં ફેરફાર કરવામાં આવતો નથી પરંતુ છેલ્લા અમુક દિવસોથી આવી ઘટના બીજી વાર બની છે. તાજેતરમાં તમામ વોર્ડના પ્રભારીઓના નામ જાહેર કરાયા બાદ પ્રફુલ કાથરોટીયાએ તાત્કાલીક અસરથી વોર્ડ નં. 7 ના પ્રભારી પદેથી રાજીનામુ આપી દેતા તાત્કાલીક અસરથી નવી નિમણુંક કરવાની ફરજ પડી હતી. શહેર ભાજપ પ્રમુખ તરીકે મુકેશ દોશીની વરણીને આગેવાનો અને કાર્યકરો જાણે સ્વીકારી રહ્યા ન હોય તેવું લાગી રહ્યું છે.
સામાન્ય રીતે પ્રદેશની સુચના બાદ જ વોર્ડનું સંગઠન માળખાનું અને અલગ અલગ મોરચના હોદેદારોની વરણી કરવામાં આવતી હોય છે આજે ચાર મોરચાના પ્રમુખ અને મહામંત્રીની જાહેરાતમાં એવો સ્પષ્ટ ઉલેખ કરવામાં આવ્યો હતો કે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સાથે વિચાર વિમશ કર્યા બાદ વોર્ડ પ્રમુખ, મહામંત્રી અને અલગ અલગ ચાર મોરચાના પ્રમુખ અને મહામંત્રી નામની ધોષણા કરવામાં આવે છે. ખરેખર જો પ્રદેશ પ્રમુખની સુચના બાદ જ નિયુકિત કરવામાં આવી હોય તો પછી એક જ કલાકમાં વરણી સ્થગીત કેમ કરવામાં આવી તે પણ મોટો સવાલ છે.
મોરચાના હોદેદારોની નિયુકિતમાં પક્ષ માટે કાળી મજુરી કરતા કાર્યકરો અને આગેવાનોની ધોર ઉપેક્ષા કરવામાં આવી હોવાની અને પોતાના માનીતાઓને હોદા ફાળવણી દેવામાં આવ્યા હોવાની ફરીયાદ પ્રદેશ કક્ષા પહોચતા તાત્કાલીક ધોરણે વરણી સ્થગીત કરાય છે. શહેર ભાજપના સંગઠનના તમામ હોદેદારો ઉપરાંત બન્ને સંસદ સભ્યો અને ચારેય ધારાસભ્યોને વિશ્ર્વાસમાં લઇ મોરચાના હોદેદારોની વરણી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
પરંતુ સ્થીતી અલગ જ છે. નવનિયુકત પ્રમુખ કોઇ કાળે સફળ ન થવા દેવા માટે શહેર ભાજપની એક ચોકકસ જુથ પુર જોશમાં સક્રિય બન્યું હોય એવી પણ શંકા સેવાઇ રહી છે. આગામી દિવસોમાં વોર્ડ નંબર 1પમી બે બેઠકો માટે પેટા ચુંટણી યોજવાની છે.
કોંગ્રેસના આ ગઢ સમા વોર્ડમાં પગ પેસારો કરવા માટે ભાજપના કાર્યકરો મથી રહ્યા છે. પરંતુ ટોચના નેતાઓ વચ્ચે ચાલતી ટાંટીયા ખેચના કારણે હવે માહોલ વધુ બગડે તેવી સઁભાવના નકારી શકાતી નથી. શહેર ભાજપમાં થયેલા ભડકાને ઠારવા માટે પ્રદેશના કોઇ આગેવાન આગામી કોઇ દિવસ રાજકોટની મુકાલાતે આવે અને સંગઠનના તમામ હોદેદારો કલાસ લે તેવી શકયતા નકારી શકાતી નથી.