આજના સોશિયલ મીડિયાના જમાનામાં ભાગ્યે જ એવી કોઇ વ્યક્તિ હશે જેની પાસે સ્માર્ટફોન નહીં હોય. એમાં પણ જ્યારથી ટિકટોક આવ્યું ત્યારબાદથી લોકો પોતાના અતરંગી વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરતા થઇ ગયા છે. જો કે રમત રમતમાં બનાવેલા આવા વીડિયોને કારણે કેટલાક સરકારી કર્મચારીઓને નોકરી ગુમાવવાનો પણ વારો આવી શકે છે. આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. અહીં એક મહિલા હોમગાર્ડે એક ફિલ્મી ડાયલોગ પર વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મૂક્યો હતો જે વાયુવેગે વાયરલ થઇ ગયો અને ફરતો ફરતો પહોંચી ગયો ઉપરી અધિકારીઓ પાસે. પછી શું…અધિકારીઓએ કારણદર્શક નોટિસ પાઠવી સસ્પેન્ડ કરવા સુધીના પગલા લઇ નાખ્યા.
વાત એવી છે કે સુરતના સોશિયલ મીડિયા પર થોડા દિવસ પહેલા મહિલા હોમગાર્ડનો એક વીડિયો વાયરલ થયો હતો. સુરત હોમગાર્ડ શાખામાં ફરજ બજાવતી દીપમાલા નામની મહિલા હોમગાર્ડે ચાલુ ફરજ દરમિયાન વીડિયો બનાવ્યો હતો. પોલીસની વર્દી પહેરેલી મહિલા હોમગાર્ડે ફિલ્મના ડાયલોગ અને કોરોનાની મહામારીની મિમિક્રી કરતા ઓડિયોમાં પોતાનો વીડિયો બનાવ્યો હતો.
રમૂજ કરતો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું દીપમાલાને ખુબ જ મોંઘુ પડ્યું છે. જિલ્લા કમાન્ડના અધિકારીએ તુરંત મહિલા હોમગાર્ડ જવાન દીપમાલાને સસ્પેન્ડ કરી દીધા હતા. સસ્પેન્ડો ઓર્ડર કાઢ્યા પહેલા દીપમાલાને નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો હતો. આ ખુલાસમાં દીપમાલા તરફથી જણાવવામાં આવ્યું કે દીકરાથી ભૂલથી સોશિયલ મીડિયા પર આ વીડિયો પોસ્ટ થઇ ગયો અને તે વાયરલ થઇ ગયો હતો. જો કે દીપમાલાનો આ ખુલાસો સંતોષજનક ન લાગતા અને સી ઝોનના કમાન્ડિંગ ઑફિસર કિરીટ પટેલની તપાસના અંતે દીપમાલાને સસ્પેન્ડ કરાઈ છે.
આ ઘટના બાદ સુરત જિલ્લા કમાન્ડ અધિકારીએ સ્પષ્ટ ચીમકી ઊચ્ચારતા જણાવ્યું છે કે, ચાલુ ફરજ દરમિયાન જો કોઈ કર્મચારી આ પ્રકારનું કૃત્ય કરશે તો બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. જો કોઇ કર્મચારી આવો કોઇ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.