વિધાનસભાની આઠેય બેઠકો પર ભાજપના ઉમેદવારોને વિજય અપાવવા બદલ મતદારોનો આભાર માનતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, ગાંધીનગર ખાતે મીડિયાના મિત્રોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં યોજાયેલી આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં કોરોના મહામારીકાળના સમયમાં પણ જનતાએ ઉત્સાહપૂર્વક ભાજપા તરફી મતદાન કરી આઠેય વિધાનસભા બેઠકો પર ભાજપના ઉમેદવારોને ભવ્ય વિજય અપાવ્યો છે, ત્યારે હું ગુજરાતના મતદાર ભાઈઓ અને બહેનોનો સહૃદય આભાર વ્યક્ત કરું છું. કોરોના મહામારી વચ્ચે પણ ભાજપાના કાર્યકર્તાઓએ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી ભાજપાનો વિજય નિશ્ચિત બનાવ્યો, આજના આ ભવ્ય વિજયનો શ્રેય ભાજપાના પ્રત્યેક કાર્યકર્તાના શિરે જાય છે.
રૂપાણીએ જણાવ્યું હતું કે, ભાજપાનો વિજય એ જનતાનો વિજય છે. આજનું પરિણામ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને 2020ની વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર છે, આગામી સમયમાં આવનારા ચૂંટણી પરિણામોનું દિશાદર્શન છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને રાજ્યની ભાજપા સરકાર સંપૂર્ણ સમર્પણ સાથે જનહિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરી રહી છે, જનતાનો ભાજપા ઉપરનો વિશ્વાસ અંકબંધ છે. જનતાએ આ ચૂંટણીમાં અપાવેલા ભવ્ય વિજયથી ભાજપાની વિધાનસભામાં સંખ્યાબળ વધીને 111 થયું છે.
વધુમાં જણાવ્યું હતું કે, કચ્છથી લઈ કપરાડા સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આવેલી આઠ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં તમામ ધર્મ, જ્ઞાતિ, સમાજના નાગરિકોએ ભાજપા પર વિશ્વાસ મૂક્યો છે જેનાથી સ્પષ્ટ છે કે, ભાજપાની વિકાસલક્ષી, રાષ્ટ્રવાદી, પ્રજાભિમુખ વિચારધારાને જનતાનો સંપૂર્ણ ટેકો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ થયો છે, પ્રજાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે, જનતાએ કોંગ્રેસને નકારી કાઢી છે, કોંગ્રેસના તમામ ષડયંત્રો નિષ્ફળ નીવડ્યા છે.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે જણાવ્યું હતું કે, રાજ્યના નાગરીકોના ભાજપા પરના અતૂટ વિશ્વાસ અને ભાજપા સંગઠન અને કાર્યકર્તાઓની બુથ સુધીની અસરકારક ચૂંટણીલક્ષી વ્યવસ્થાના કારણે ભાજપાને આઠેય બેઠકો પર ભવ્ય વિજય હાંસલ કરવામાં સફળતા મળી છે. જનતાનો ભાજપા પર વિશ્વાસ વ્યક્ત કરવા બદલ આભાર વ્યક્ત કરું છું. કાર્યકર્તાઓએ અથાક પરિશ્રમ કરીને આ સફળતામાં મહ્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. જનતાને ગેરમાર્ગે દોરનારા ટ્વિટ કરનારી કોંગ્રેસની નકારાત્મક ટ્વીટી જમાતને જનતાએ ચૂંટણીમાં જવાબ આપી દીધો છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એકબીજાને મોં મીઠું કરાવી ભાજપાના વિજયને આવકાર્યો હતો. આ તકે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, રાજ્ય સરકારના મંત્રીઓ ભુપેન્દ્રસિંહ ચુડાસમાં, પ્રદીપસિંહ જાડેજા, કુંવરજીભાઈ બાવળીયા, પ્રદેશ મહામંત્રીઓ કે.સી.પટેલ, શબ્દશરણભાઈ ભ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષઓ આઈ.કે.જાડેજા, ભાર્ગવભાઈ ભટ્ટ સહિતના આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.