જૂનાગઢના ચાંપરડા ખાતે ‘પૂર્ણશક્તિ હોલિસ્ટિક વેલનેસ’ સેન્ટરનું ઈ -લોકાર્પણ કરતા મુખ્યમંત્રી
ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથબાપુ, સતાધાર ધામના મહંત વિજયબાપુ, મહંત
સદાનંદ બાપુ, રાજભારતી બાપુ, જિ.પં.ના દિનેશભાઇ ખાટરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા
પૂજ્ય સંત મુક્તાનંદબાપુના આર્શિવાદ અને પ્રેરણાથી ચાપરડા ખાતે આકાર પામેલ પૂર્ણશક્તિ હોલિસ્ટિક વેલનેસ સંકૂલ નો શુભારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે તાજેતરમાં વિડીયો કોન્ફરન્સ ના મધ્યમથી કરવામાં આવ્યો હતો.આ લોકાર્પણ પ્રસંગે ચાપરડા ખાતે ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુ, સત્તાધાર ધામના મહંત વિજય બાપુ, મહંત સદાનંદ બાપુ, મહંત રાજભારતી બાપુ, જૂનાગઢ જિલ્લા પંચાયતના દિનેશભાઈ ખટારીયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાહેબ સાથે સંસ્થાના પ્રતિનિધિ તરીકે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે મુખ્યમંત્રી એ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ જ્યારે કોરોના જેવી મહામારી સામે સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે જૂનાગઢના ચાંપરડા ખાતે શરૂ થયેલા કુદરતી ઉપચાર કેન્દ્ર- પૂર્ણશક્તિ હોલિસ્ટિક વેલનેસ સેન્ટર એ રાઇટ ટાઇમ ફોર રાઇટ જોબ’ સાબિત થશે.સંતોઓના આશીર્વાદ મેળવતાં કહ્યું હતું કે, નૈસર્ગિક સૌદર્ય અને ઔષધિયોથી ભરપુર એવા જૂનાગઢ- સૌરાષ્ટ્રના લોકોની આરોગ્ય સુખાકારીમાં આ વેલનેસ સેન્ટરના પ્રારંભથી નવી સુવિધા ઉમેરાઇ છે.તેમણે કહ્યું હતું કે, પૂ. સંત મુક્તાનંદ બાપુની પ્રેરણા- આશીર્વાદથી શરૂ થયેલા આ પૂર્ણશક્તિ હોલિસ્ટિક વેલનેસ સેન્ટરમાં આયુર્વેદ, યોગ, ધ્યાન, નેચરોપથી અને ફિજિયોથેરાપી જેવી કુદરતી સારવાર પદ્ધતિ ધરાવતું વન સ્ટોપ સોલ્યુએશન બની રહેશે તેવી પૂર્ણ શ્રદ્ધા છે. નૈસર્ગિક ઉપચાર સાથે આધ્યાત્મિક માર્ગદર્શનનો સુભમ સમન્વય પણ આ વિસ્તારના લોકોને પ્રાપ્ત થશે તેમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં સંતાનો આશીર્વાદ એટલે દવા અને દુઆ બંને જરૂરી છે. ભારતીય સંસ્કૃતિની એ વિશેષતા રહી છે કે શરીરની સાથે મન અને આત્માની શુદ્ધિ પણ આવશ્યક છે જ્યારે પશ્ચિમી સંસ્કૃતિમાં આ શક્ય નથી. આપણા ઋષિ મુનીઓએ અનેક સંશોધનો પછી આ નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ વિકસાવી છે એટલે આપણે ત્યાં હેલ્થ ઇન્શ્યોરન્સ કરતાં હેલ્થ એસ્યોરન્સને વધુ મહત્વ આપીએ છીએ. સંપત્તિ કરતાં આપણે સ્વાચ્ય- આરોગ્યને વધુ મહત્વ આપવું જોઇએ.તેમણે કહ્યું હતું કે ચાંપરડામાં પૂજ્ય મુક્તાનંદજીના આશીર્વાદથી શૈક્ષણિક, આરોગ્ય જેવા અનેક સેવાકીય કાર્યો ચાલી રહ્યા છે જેમાં આ એક વધુ સુવિધા ઉમેરાઇ છે. મુખ્યમંત્રી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વેલનેસ સેન્ટરની તક્તીનું ઇ-અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે પ્રસંગોચિત ઉદબોધન કરતાં મહંત, શેરનાથ બાપુ એ જણાવ્યુ હતું કે આટલા સુંદર સંકૂલ નું નિર્માણ ખુબજ ધીરજ અને આગવી સૂજ નું કામ છે પરંતુ મુક્તાનંદ બાપુ પાસે એવી સમર્પિત ટિમ છે જે બાપુ દ્વારા સોપાયેલા દરેક કામ ને ખૂબ સુપેરે પૂરું કરે છે. આ કેન્દ્રનો લાભ બહોળા લોકો સુધી પહોચી શકે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. સતાધાર જગ્યાના મહંત વિજયબાપુ એ જણાવ્યુ હતું કે આ કેન્દ્ર પોતાની આગવી સારવાર પધ્ધતિઑ અને સહજ સુલભ સુવિધાઓથી સૌરાષ્ટ્ર અને ખાસ તો જુનાગઢ જિલ્લાનું ગૌરવ બની રહેશે એવી શ્રધ્ધા વ્યક્ત કરી હતી. જિલ્લા પંચાયતના દિનેશભાઇ ખટારીયાએ જણાવ્યુ હતું કે સંતો હમેશા સમાજ ને એટલું આપે છે. એ પણ નિસ્વાર્થ ભાવે, આપણે માત્ર પાત્રતા કેળવવાની છે. કે આ બધું આપણે યોગ્ય ઉપયોગ કરી અને જન-જન સુધી પહોચાડી શકીએ કાર્યક્રમની પૂર્ણાહુતિ સંતો દ્વારા વૃક્ષારોપણ કરી અને કરવામાં આવી હતી.