અલગ-અલગ જિલ્લામાં 565 ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેતરે-ખેતરે ફરી સર્વે કરાયો

રાજયમાં ચાલુ  વર્ષ માર્ચ અને એપ્રિલ માસમાં માવઠા વરસ્યા  હતા જેનાથી પાકને  પારાવાર નુકશાની થવા પામી હતી. રાજય સરકાર દ્વારા નુકશાનીનો સર્વ માટે આદેશ આપવામા આવ્યો હતો. દરમિયાન  565 ટીમો દ્વારા  અસરગ્રસ્ત  વિસ્તારોમાં  ખેડુતોના ખેતરમાં જઈ સર્વની કામગીરી કરાય હતી. જે તાજેતરમાં  પૂર્ણ થવા પામી છે. હવે  ખેડુતોને સહાયચૂકવવામાં આવશે.

રાજયમાં માર્ચ-2023 માસમાં વિવિધ જીલ્લાઓમાં પડેલ કમોસમી વરસાદ અન્વયે રાજય સરકારે ખાસ સહાય પેકેજ જાહેર કર્યું છે. આ સહાય પેકેજનો ખેડૂતોને લાભ મળે તે માટે રાજયમાં વિવિધ જિલ્લાઓમાં કુલ 565 ટીમો દ્વારા અસરગ્રસ્ત ખેડુતોના ખેતરે જઈ સ્થળ મુલાકાત કરીને સર્વે હાથ ધરાયો હતો. સર્વે કામગીરી નિયમોનુસાર, સંતોષકારક રીતે તથા કોઈપણ પ્રકારના પક્ષપાત વગર સંપન્ન કરવામાં આવી છે.   કમોસમી વરસાદ સંદર્ભે ગ્રામીણ કક્ષાએથી ખેડૂત આગેવાનો, સરપંચઓ,પદાધિકારીઓ દ્વારા મળેલી રજૂઆતો/અરજીઓના અહેવાલ ધ્યાને લઈ અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા તંત્ર તથા ખેતીવાડી ખાતાના ફિલ્ડ સ્ટાફ દ્વારા તાત્કાલિક બે દિવસમાં પ્રાથમિક સર્વેની કામગીરી શરુ કરવામાં આવી હતી તથા વિગતવાર સર્વેની જરૂરિયાત જણાતા સ્થાનિક પરિસ્થિતિ મુજબ તા. 7માર્ચથી લઈ તબક્કાવાર વિવિધ જિલ્લાઓમાં સર્વે ટીમની રચના કરી વિગતવાર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જસદણ તાલુકાના આટકોટ ગામમાં પણ ખેડુતવાર વિગતવાર સર્વે કરી સર્વે યાદી બનાવવામાં આવી છે જેમાં જે બે ખેડુતોનો સર્વેમાં સમાવેશ થયેલ છે તથા તેઓનાં ખેતર ઉપર સર્વે ટીમ દ્વારા   સ્થળ મુલાકત લીધેલ જેમાં એક ખેડુતનાં ખેતરમાં ઘંઉ પાકનુ વાવેતર માલુમ પડેલ તથા કુલ ઘંઉ વાવેતર 2 હેકટર પૈકી 0.64 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત/ઢળી પડેલ હોવાનુ જણાયું છે તથા બીજા ખેડુતનાં ખેતરમાં 1.60 હેકટર વિસ્તારમાં ઉનાળુ તલ પાકનુ આગોતરૂ વાવેતર માલુમ પડેલ તથા તલ પાક વાનસ્પતિક વૃધ્ધિ અવસ્થાએ માલુમ પડેલ પરંતુ બન્ને ખેડુતના ખેતર પર નિયત ધોરણ તથા માપદંડ અનુસાર નોંધપાત્ર નુકસાન જણાયું નહોતું એટલે એમનો સહાયમાં સમાવેશ કરાયો નથી.

જિલ્લા કક્ષાએથી અસરગ્રત ખેડુતોને સહાયભૂત થવા રાજય સરકાર દ્વારા તા.5મી મે2023 થી કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું છે જેમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડુતોને નોંધપાત્ર  સહાય મળે તે માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા  SDRF નાં ધોરણો ઉપરાંત રાજ્ય બજેટમાંથી ખાસ કિસ્સામાં ટોપ-અપ સહાયમાં અત્યાર સુધીનો  મહત્તમ વધારો કરી ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે રાજય ભંડોળમાંથી વધારાની સહાય પ્રતિ હેક્ટર રૂ.9,500/- તથા બહુવર્ષાયુ બાગાયતી પાકોના કિસ્સામાં રાજય ભંડોળમાંથી વધારાની સહાય પ્રતિ હેક્ટર રૂ.12,600/- ચૂકવવાની જોગવાઈ અસરગ્રસ્ત ખેડૂતોને મદદરૂપ થવાના આશયથી કરવામાં આવી છે.

કમોસમી વરસાદની કામગીરી અંતર્ગત સમગ્ર રાજયમાં રજુઆતો અન્વયે અસરગ્રસ્ત ખેડુતોનાં ખેતરની મુલાકાત કરવામાં આવી છે. અસરગ્રસ્ત ખેડુતોનાં latitude/longitude નાં ફોટા મહદઅંશે લેવામાં આવ્યા છે. તથા સર્વે થયા અંગેના ખેડુતો/સ્થાનીક પંચો/પદાધિકારીઓ/આગેવાનો ની સહી સાથે પંચ રોજકામ કરવામાં આવ્યું છે. દરેક નુકશાનગ્રસ્ત ખેડુતની વિગત સર્વે યાદીમાં નોધવામાં આવેલ છે. સર્વે યાદી/ પંચ રોજકામ તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (ખેતી) તથા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારી પાસે ઉપલબ્ધ છે. આમ સર્વે કામગીરી નિયમોનુસાર, સંતોષકારક રીતે તથા કોઈપણ પ્રકારના પક્ષપાત વગર કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.