૭૦ હજાર ટિકીટ સાથે ૧.૭ લાખ મુસાફરો મુસાફરી કરશે
દેશભરમાં કોરોના બાદ લોકડાઉન દરમિયાન ઘરથી દુર અને બીજા વતનમાં ફસાઈ ગયેલા ખાસ કરીને શ્રમજીવી મજુરો અને કામદારોને ઘેર સુધી પહોંચાડવા માટે રેલવે મંત્રાલય દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવી છે. શ્રમજીવી એકસપ્રેસનાં માધ્યમથી લાખો મજુરોને ઘર સુધી પહોંચાડવામાં આવ્યા બાદ સ્પેશિયલ ટ્રેન રેલવે દ્વારા દોડાવવામાં આવી રહી છે. મંગળવારનાં રોજ તમામ ૩૦ સ્પેશિયલ ટ્રેનો ૭ દિવસ માટે ફુલ બુક થઈ ગઈ છે ત્યારે ૭૦ હજાર ટીકીટો પણ વેચાઈ છે ત્યારે આ તમામ ટીકીટો મારફતે ૧.૭ લાખ મુસાફરો ટ્રેનની મુસાફરી કરશે. પ્રથમ તબકકામાં પ્રથમ ૮ ટ્રેનો મંગળવારનાં રોજ ૬ અલગ-અલગ સ્ટેશનો પરથી ૮ હજાર મુસાફરો સાથે રવાના થઈ હતી. જયારે અન્ય ૯ સ્પેશિયલ ટ્રેન બુધવારે રવાના થશે. સરેરાશ ૮૦૦ થી ૧૧૦૦ મુસાફરોની પરીવહન ક્ષમતા ધરાવતી મોટાભાગની ટ્રેન અઠવાડિયા માટે બુક થઈ ગઈ છે જેમાં ૧.૭ લાખ મુસાફરોની તેમની નિયત જગ્યાએ પહોંચાડાશે. આશરે ૬.૮ લાખ વિસ્થાપિત મજુરો, પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓને મંગળવાર સુધીમાં શ્રમિક સ્પેશિયલ ટ્રેન મારફતે તેમના ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. મંગળવાર બપોર સુધીમાં ભારતીય રેલવેએ સૌથી મોટી વિસ્થાપિતોને ઘરે પહોંચાડવાની કવાયત હાથધરી હતી.
રેલવે સુત્રોમાંથી મળતી વિગતો મુજબ સૌથી વધુ હાવડા-નવીદિલ્હી સ્પેશિયલ ટ્રેનમાં વિસ્થાપિતોને મોકલવામાં આવ્યા હતા. દિબરુગઢથી નવીદિલ્હી વચ્ચે ૧૧,૧૭૨, મુંબઈથી નવીદિલ્હી વચ્ચે ૧૦,૯૯૧, નવીદિલ્હી-હાવડા વચ્ચે ૧૦,૧૭૪ જેટલુ બુકિંગ થવા પામ્યું છે. આ રૂટ ઉપર રોજ ચાલતી ટ્રેનો એક સ્ટેશનથી બીજા સ્ટેશન સુધી જવા માટે બે દિવસનો સમય લે છે. આ ટ્રેનો મારફતે યાત્રા કરનાર મુસાફરો માટે મોબાઈલ ફોનમાં આરોગ્ય સેતુ એપ્લીકેશન ડાઉનલોડ કરવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. ગૃહવિભાગની માર્ગદર્શીકા મુજબ પોતાની જગ્યાએ પહોંચતા સુધીમાં મુસાફરોએ આરોગ્ય સંબંધિત તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવું પણ ફરજીયાત કરાવવામાં આવશે અને તેને ફરજીયાત પણ બનાવવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળે છે ત્યારે આગામી એક સપ્તાહમાં તમામ સ્પેશિયલ ટ્રેનોનું બુકિંગ ફુલ થઈ ગયું છે જેમાં ૧.૭ લાખ મુસાફરો મુસાફરી કરશે.