રાજયમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રોજ કેસ નવા-નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. હોળી ધુળેટીના તહેવારોની ઉજવણી પર પણ રાજય સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે.
મર્યાદિત લોકોની હાજરીમાં હોળી પ્રગટાવવાની છૂટ આપવામાંઆવી છે. પરંતુ ધુળેટીની ઉજવણી પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ વધતા રાજયનાં વિખ્યાત મંદિરોમા પણ પ્રતિબંધ મૂકાય રહ્યા છે. અને ધાર્મીક કાર્યક્રમો મોકુફ રાખવામાં આવી રહ્યા છે. દરમિયાન પવિત્ર યાત્રાધામ શકિતપીઠ અંબાજી મંદિરમાં હોળી-ધૂળેટીના પર્વેએ યોજાતો પરંપરાગત ફૂલડોલ ઉત્સવ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે તહેવારોમા મંદિર શ્રધ્ધાળુઓ માટે ખૂલ્લુ રહેશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.
દ્વારકા જગતમંદિર હોળી-ધૂળેટીના તહેવારોમાં આગામી 27થી 29 માર્ચ દરમિયાન ભાવિકો માટે બંધ રહેશે તેવી જાહેરાત આજરોજ કરી દેવામાં આવી છે. દરમિયાન વિરપૂરનું જલારામ મંદિર પણ ચાર દિવસ બંધ રહેશે તેવું મંગળવારે જાહેર કરવામાં આવ્યું છે. સ્વામીનારાયણ મંદિરો, ઈસ્કોન મંદિર સહિતના મંદિરોમાં પણ હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે. નહી તેવું સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.દરમિયાન અંબાજી મંદિર દ્વારા પણ એવી જાહેરાત કરવામાં આવી છે કે શકિતપીઠ અંબાજી માતાજીના મંદિરે દર વર્ષે હોળી-ધુળેટીના તહેવારોમાં યોજાતો પરંપરાગત ફૂળડોલ ઉત્સવ આ વર્ષે કોરોના મહામારીના સતત વધતા સંક્રમણના કારણે મૂલત્વી રાખવામાં આવ્યો છે. જોકે હોળી અને ધુળેટીના તહેવારોમા શ્રધ્ધાળુઓ માટે ર્માં અંબાનું મંદિર ખૂલ્લુ રાખવામાં આવશે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અંબાજી ખાતે દર વર્ષે યોજાતા ફૂલડોલ ઉત્સવમાં હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. આ વર્ષે રાજયમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે ફૂલડોલ ઉત્સવના કારણે કોરોના વધુ ન ફેલાય તે માટે ઉત્સવ મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો છે.