પ્રત્યાર્પણ કરવાના નિર્ણય સામેની અરજી બ્રિટનની સુપ્રીમ કોર્ટે ફગાવી: નીરવ મોદીને એડવોકેટે દલીલ કરી કે નીરવ ડિપ્રેશનમાં હોવાથી ભારતની જેલમાં આત્મહત્યા કરી શકે છે!!
ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીને ભારતને પ્રત્યાર્પણ કરવાના નિર્ણય સામે બ્રિટનની સુપ્રીમ કોર્ટ તરફથી ઝાટકો લાગ્યો છે. નીરવ મોદીની યુકે હાઈકોર્ટે તેની અપીલ ફગાવી દીધી છે. લંડનની હાઈકોર્ટે ભાગેડુ બિઝનેસમેનની અરજીને ફગાવીને નીરવ મોદીને યુકેની સુપ્રીમ કોર્ટમાં તેના પ્રત્યાર્પણના આદેશ સામે અપીલ દાખલ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. એટલે હવે 28 દિવસની અંદર નીરવ મોદીને પ્રત્યાર્પણ કરાવવામાં આવી શકે છે.
લોર્ડ જસ્ટિસ જેરેમી સ્ટુઅર્ટ-સ્મિથ અને જસ્ટિસ રોબર્ટ જેએ ગુરુવારે લંડનની રોયલ કોર્ટ ઑફ જસ્ટિસમાં ચુકાદો આપ્યો હતો. જેમાં તેઓએ નીરવ મોદીની અરજી રદ કરી દીધી છે. ગયા મહિને 9 નવેમ્બરે લંડનની હાઈકોર્ટે નીરવ મોદીને ભારત પ્રત્યાર્પણ કરવાનો નિર્ણય આપ્યો હતો. જો કે, હાઈકોર્ટમાં બીજી અરજી દાખલ કરીને તેણે બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં તેના પ્રત્યાર્પણ સામે અરજી દાખલ કરવાની માંગ કરી હતી.
આ જ અપીલ પર લંડનની હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. તે પહેલા ગયા વર્ષે ફેબ્રુઆરીમાં વેસ્ટમિન્સ્ટરના જજે તેના ભારત પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો. જોકે, બાદમાં તેને આ નિર્ણય સામે અપીલ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. નીરવ મોદીને ભારત લાવવા માટે ભારત ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ યુકેની જેલમાં બંધ નીરવ મોદી પોતાના પ્રત્યાર્પણને રોકવા માટે અલગ-અલગ દલીલો આપી રહ્યો છે.
યુકેમાં તેના વકીલોએ અગાઉ દલીલ કરી હતી કે ભાગેડુ આર્થિક ગુનેગાર ડિપ્રેશનનો શિકાર છે. તે ભારતની જેલમાં આત્મહત્યા કરી શકે છે. આ દલીલ આપતાં તેમણે નીરવ મોદીને ભારત મોકલવાનો વિરોધ કર્યો હતો. જોકે, યુકેની કોર્ટે સંપૂર્ણ સુનાવણી બાદ તેની અરજી ફગાવી દીધી હતી. આ પહેલા આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ રોબર્ટ જે એ ભારપૂર્વક કહ્યું હતું કે બ્રિટન સાથે ભારતના સારા સંબંધો છે. આવી સ્થિતિમાં બ્રિટન માટે 1992ની ભારત-યુકે પ્રત્યાર્પણ સંધિનું સન્માન કરવું જરૂરી છે.
વિશેષ પીએમએલએ કોર્ટે નિરવ મોદીને આર્થિક અપરાધી જાહેર કર્યો હતો
અગાઉ, નીરવ મોદીને ડિસેમ્બર 2019 માં સ્પેશિયલ પીએમએલએ કોર્ટ દ્વારા ભાગેડુ આર્થિક અપરાધી અધિનિયમ, 2018 મુજબ ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવ્યો હતો. જે બાદ તે લંડન ભાગી ગયો હતો. ત્રણ વર્ષ પહેલા, 13 માર્ચ 2019 ના રોજ બ્રિટનની સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ દ્વારા નીરવ મોદીની લંડનથી ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તે દક્ષિણ પશ્ચિમ લંડનની વેન્ડ્સવર્થ જેલમાં કેદ છે.
નીરવ મોદી પર 7000 કરોડના કૌભાંડનો આરોપ છે
નીરવ મોદીએ પીએનબીથી લગભગ 7000 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હતું. જે બાદ તે વિદેશ ભાગી ગયો હતો. હાલમાં તે લંડનની જેલમાં છે. ભારત સરકાર તેને પરત લાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. નીરવ મોદીએ તેની કંપની ફાયરસ્ટાર ડાયમંડ દ્વારા 2017માં આઇકોનિક રિધમ હાઉસ બિલ્ડીંગ ખરીદી હતી. તેની યોજના તેને હેરિટેજ પ્રોપર્ટીમાં ફેરવવાની હતી. તેણે મોટાભાગની પ્રોપર્ટી પીએનબી કૌભાંડમાંથી મેળવેલા પૈસાથી ખરીદી હોવાનું મનાય છે.