રામપરડાના નામચીન શખ્સ સામે હત્યાની કોશિષનો નોંધાતો ગુનો
મુળી તાલુકાના વાગડીયાના વેપારી પાસે ખંડણી પડાવવાના ઇરાદે રામપરડાના નામચીન શખ્સે રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાગડીયા ગામે કરિયાણાની દુકાન ધરાવતા ચેતનકુમાર ઇશ્ર્વરલાલ રામવાણી નામના યુવાન પર રામપરડાના નામચીન વિજય અનક કાઠી નામના શખ્સે રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરતા તેને છાતીમાં ગોળી લાગતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
ચેતનકુમાર રામવાણીની પૂછપરછ દરમિયાન વિજય કાઠીએ અગાઉ ખંડણી માગી હોવાથી બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. વિજય કાઠીને ખંડણી આપી ન હોવાથી તેને ફાયરિંગ કર્યાનું ફરિયાદમાં જણાવતા પોલીસે વિજય કાઠી સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
રામપરડાના વિજય કાઠી સામે અગાઉ પણ મારામારી સહિતના અનેક ગુના નોંધાયા હોવાનું અને ચેતનકુમાર રામવાણી સાથે ખંડણીના મુદે અગાઉ થયેલા ઝઘડાના કારણે ફાયરિંગ કરી હત્યાની કોશિષ કરતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે.