હત્યાના ગુનામાં નાસતો ફરતો શખ્સ ઠેબચડામાં ખુલ્લેઆમ ફરતો હોવા છતાં પોલીસને બાતમી કેમ ન મળી ?
ખૂન જેવા ગંભીર ગુનામાં વોન્ટેડ શખ્સોના મોત સાથે પોલીસની નિષ્ક્રીયતા છતી થઇ
શહેરની ભાગોળે આવેલા ઠેબચડાની ખેતીની જમીન પર ધરાર કબ્જો જમાવી જમીનના મુળ માલિક ગરાસીયા પ્રૌઢને પોલીસની નજર સામે જ નિર્દયતાથી રહેસી નાખી છેલ્લા સાડા ચાર માસથી વોન્ટેડ બનેલા માથાભારે શખ્સને પોતાના જ ઘરે વીજ શોક લાગતા તેનું મોત નીપજ્યાની સાથે પોલીસની નિષ્ક્રીયતા છતી થઇ છે. હત્યા જેવા ગંભીર ગુનાનો વોન્ટેડ આરોપી પોતાના ઘરે બિન્દાસ્ત રહેતો હોવા છતાં પોલીસે પકડવામાં બેજવાબદારી સાથે ગુનાહીત બેદરકારી દાખવી હોવાનું સામે આવતા સનસનાટી મચી ગઇ છે.
ઠેબચડાના લખધિરસિંહ નવુભા જાડેજા નામના ૫૭ વર્ષના ગરાસીયા પ્રૌઢની હત્યાના ગુનામાં છેલ્લા સાડા ચાર માસથી વોન્ટેડ શામજી બચુ રાઠોડ નામના શખ્સને ગઇકાલે પોતાના ઘરે પંખો ચાલુ કરવા જતા વીજ શોક લાગતા મોત નીપજયાનું આજી ડેમ પોલીસમાં નોંધાયું છે.
લખધિરસિંહ જાડેજાની વડીલો પાર્જીત જમીન પર ગેર કાયદે પેશકદમી અને સુપ્રિમ કોર્ટ દ્વારા ખેતીની જમીન મુળ માલિક ગરાસિયા પરિવારને સોપી દેવાના કરેલા હુકમ બાદ ઠેબચડાના કોળી જુથે પોલીસની હાજરીમાં ગત તા.૩૦ જાન્યુઆરીએ લખધિરસિંહ જાડેજાની કરપીણ હત્યા કર્યાનો આજી ડેમ પોલીસમાં ગુનો નોંધાયો હતો.
લખધિરસિંહ જાડેજાની હત્યાના ગુનામાં મગન બીજલ રાઠોડ, મહેશ છગન રાઠોડ, ખોડા છગન રાઠોડ, સંજય મગન રાઠોડ,લખમણ લાલજી રાઠોડ, લાલુબેન છગન રાઠોડ, દેવુબેન મગન રાઠોડ, દક્ષાબેન લખમણ રાઠોડ, કાંતાબેન રમેશ રાઠોડ, કેશુબેન વશરામ, કલ્પેશ ભીખુ સોલંકી, સંજય ભીખુ સોલંકી, નાથા જેરામ, ખીમજી નાથા, ભૂપત નાથા, રોનક નાથા, પોપટ વશરામ, ચના વશરામ, શામજી બચુ અને અક્ષિત છાયા સહિત ૧૫ શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે પાંચ શખ્સો પકડવાના બાકી છે
પોલીસે પંદર શખ્સોની ધરપકડ બાદ પાંચ શખ્સોને વોન્ટેડ બતાવતુ ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમા રજુ કરી દીધુ છે અને પાંચેય વોન્ટેડની શોધખોળ જારી રાખી છે તે દરમિયાન વોન્ટેડ શામજી બચુ રાઠોડને પોતાના ઘરે વીજ શોક લાગવાની ઘટના સાથે પોલીસની નિષ્ક્રીયતા છતી કરી છે.
વોન્ટેડની પોલીસ દ્વારા યાદી તૈયાર કરી તેને ઝડપી લેવા અવાર નવાર પોલીસ દ્વારા ડ્રા ગોઠવવામાં આવે છે. અને નાસતા ફરતા આરોપીને પકડી લેવા ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. ત્યારે શામજી રાઠોડ સહિત પાંચ શખ્સો છેલ્લા સાડા ચાર માસથી વોન્ટેડ છે તેમ છતા પોલીસ દ્વારા તેની શોધખોળ કરવામાં આવી ન હોય તેમ સ્પષ્ટ જણાય રહ્યું છે.