- જુના ડબ્બામાં તેલ રિફિલ ન કરવાની ચેતવણી સાથે 55 જેટલા તેલ ઉત્પાદકોને નોટિસ ફટકારાય: મિલરોમાં ભારે નારાજગી
- જુના તેલના ડબ્બામાં ફરી તેલ રિફિલ કરવું તે જન આરોગ્ય માટે જોખમી હોવાના અહેવાલો વચ્ચે એફએસએસઆઈએ જુના ડબ્બામાં તેલ રિફિલ ન કરવાની ચેતવણી જાહેર કરી 55 જેટલા તેલ ઉત્પાદકોને આ મામલે નોટિસ પણ ફટકારી છે.
રાજ્યમાં એફએસએસએઆઈ 55 ખાદ્યતેલ ઉત્પાદકોને જૂના તેલના ડબ્બાનો ઉપયોગ કરતા અટકાવીને નોટિસ પાઠવી છે. ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન અને એફએસએસએઆઈએ ઉત્પાદકોને ખાદ્ય તેલ માટે માત્ર નવા ડબ્બાનો ઉપયોગ કરવાનું કહ્યું છે, પરંતુ ઘણા ઉત્પાદકો હજુ પણ જુના તેલના ડબ્બાનો પુન:ઉપયોગ કરી રહ્યા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
એફએસએસએઆઇની નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “ખાદ્ય સુરક્ષાના હિતમાં અને ખોરાક સાથે ધાતુના સંપર્કથી સંભવિત જોખમોને રોકવા માટે, અમારા ધ્યાન પર આવ્યું છે કે ઉત્પાદન, રિ-લેબલિંગ, રિ-પેકેજિંગ, ટ્રેડિંગ અથવા અન્ય કોઈપણ ખાદ્યપદાર્થોનું સંચાલન કરતા ઘણા ફૂડ બિઝનેસ ઓપરેટરો, ફૂડ પ્રોસેસિંગ પ્રવૃતિઓ (ખાસ કરીને ખાદ્ય તેલ) સાથે સંકળાયેલા (એફબીઓ) પેકેજિંગનો રિયુઝ કરે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (પેકેજિંગ) રેગ્યુલેશન 2018 માં નિર્ધારિત કર્યા મુજબ, એક વખત ટીન ક્ધટેનરનો ઉપયોગ પેકેજિંગ માટે ફરીથી કરી શકાતો નથી.
ગુજરાત એફડીસીએ કમિશનર એચ જી કોસિયાએ જણાવ્યું હતું કે, ભારતીય ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી મુજબ, ખાદ્ય ચીજવસ્તુઓના પેકેજિંગ માટે ક્ધટેનર ટીનનો ફરીથી ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ તેલના જુના ડબ્બામાં નવું તેલ રિફિલ કર્યા બાદ તેનો ઉપયોગ આરોગ્ય માટે હાનિકારક હોવાનો મુદ્દો ઉછળ્યો હતો. આ વેળાએ મિલરોએ સંબંધિત વિભાગોમાં રજુઆત કરી હતી કે જુના ડબ્બાનો ઉપયોગ શરીર માટે હાનિકારક નથી. જેથી જુના ડબ્બાનો ઉપયોગ કરવા દેવામાં આવે. જો કે જુના ડબ્બાના વપરાશ ઉપર પ્રતિબંધ હોય પણ આ મુદ્દો ગાજતા એફએસએસએઆઈએ હવે કડક વલણ અપનાવ્યું છે. આ મામલે ધડાધડ નોટિસો ઇસ્યુ થતા મિલરોમાં નારાજગી જોવા મળી રહી છે.