- ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેશપલટો કરી ડબલ મર્ડરના ગુનામાં 12 વર્ષથી ફરાર પવન શર્માને ગાઝીયાબાદથી ઝડપી લીધો
પોલીસ ગુન્હા નિવારવા તેમજ ગુનો બન્યા બાદ તેનો ભેદ ઉકેલવા જે પ્રયત્નો કરે છે તે પ્રયત્નો પ્રજાના ધ્યાને ભાગ્યે જ આવતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં ત્રણ દિવસ સુધી ફ્રૂટવાળા, લારીવાળા, પેડલ રીક્ષાચાલક અને ઈ-રીક્ષા ચાલકનો વેશપલટો કરી ત્રણ દિવસ સુધી મજૂરી કરી હતી. વેશપલટો કરી ત્રણ દિવસ સુધી રાહ જોયા બાદ 12 વર્ષ પૂર્વે રાજકોટમાં ડબલ મર્ડરની ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયેલા શખ્સની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર શહેરના કોઠારિયા રોડ પરના નાડોદાનગરમાં વર્ષ 2012માં મહિલા અને તેની કાકીની ઘાતકી હત્યા થઇ હતી. આ હત્યા મહિલાના પતિ પવન ઉર્ફે પ્રવીણ રામશંકર શર્મા અને તેના ભાઇએ કરી હતી, પોલીસે પવનના ભાઇને તત્કાલીન સમયે ઝડપી લીધો હતો પરંતુ પવન હાથ આવ્યો નહોતો, પવનનો ભાઇ જેલમાંથી છૂટી પણ ગયો પરંતુ પવન આ હત્યા કેસમાં 12 વર્ષથી ફરાર હતો.
નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા તાજેતરમાં જ ડીજીપી વિકાસ સહાય દ્વારા તાકીદ કરવામાં આવી હતી જે બાદ 12 વર્ષથી ફરાર શખ્સને પકડી પાડવાનું બીડું ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ મેહુલ ગોંડલીયા અને પીએસઆઈ એ.એન.પરમારે ઝડપ્યું હતું. જે બાદ ક્રાઇમ બ્રાન્ચે એફઆઇઆરનો ઉંડાણથી અભ્યાસ કરતા આરોપી પવનને સંતાનમાં બે પુત્ર હતા તેવું સ્પષ્ટ થયું હતુ. તપાસમાં પવનના ભાઇનો મોબાઇલ નંબર મળ્યો તે નંબરનું સીડીઆર કાઢતાં પવનના બે પુત્રના ફોન આવતા હોવાનું અને તે બંનેના ફોન ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદથી આવતા હોવાની માહિતી મળી હતી. જે બાદ પવનનો નંબર મળ્યો હતો અને તે નંબરની ખરાઈ કરતા પવને કોઈ લોન લીધાનું જાણવા મળ્યું હતું. જેથી ફાયનાન્સ કંપનીનો સંપર્ક કરી પવનનો તાજેતરનો ફોટો મેળવવામાં આવ્યો હતો.
આ તમામ હકીકત મળી ગયાં બાદ ક્રાઇમબ્રાંચના ચાર પોલીસમેન ગાઝિયાબાદ પહોંચ્યા હતા અને પવન શર્મા જે સ્થળે ચાની કેબિન ચલાવતો હતો તેની માહિતી મેળવી હતી. પોલીસ ત્યાં પહોંચી તો પવનના પિતા રામશંકર અને પવનનો પુત્ર જોવા મળ્યા હતા પરંતુ પવન ત્રણ દિવસથી ત્યાં આવ્યો ન હતો. જે બાદ એએસઆઇ જલદીપસિંહ ગોહિલે ઇ-રિક્ષા ભાડેથી લીધી હતી, હેડ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ઝાલાએ પેડલ રિક્ષા લીધી હતી અને એ વિસ્તારમાં આંટાફેરા શરૂ કર્યા હતા, કોન્સ્ટેબલ મોહિલરાજસિંહ ગોહિલે ફ્રૂટની લારી કાઢી હતી તો કોન્સ્ટેબલ હરસુખભાઇ સબાડ ગરમ કપડાની લારી લઇનેે તે વિસ્તારમાં આંટાફેરા કરતા હતા.
આ ચારેય પોલીસમેને કરેલી ત્રણ દિવસની મહેનત બાદ અંતે પવન શર્મા લારીએ આવ્યો હતો તે તેના પિતા સાથે વાત કરતો હતો તે વખતે જ વેશપલ્ટાથી નજીકમાં જ રહેલા ચારેય પોલીસ કર્મચારીઓ પહોંચી ગયા હતા અને પવન શર્માને ઉઠાવી લીધો હતો.