પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતા શિક્ષકોમાં ઉગ્ર રોષ

કાળી પટ્ટી ધારણ કરી શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવશે

રાજકોટના ૪૫૦ શિક્ષકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા

રાજયની ગ્રાન્ટેબલ શાળાના શિક્ષક સહાયકોને ઓછો પગાર વધારો આપવા સહિતના અનેક પડતર પ્રશ્ર્નોના મુદે સરકારે કોઈ નિર્ણય ન કરતા અને પ્રશ્નોનો નિકાલ ન આવતા ગુજરાતની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના શિક્ષકો આજરોજ સરકાર સામે આંદોલન પર ઉતર્યા છે. જેમાં ૭ હજાર શિક્ષકો ૨૩મી સુધી કાળી પટ્ટી પહેરી સ્કૂલોમાં શિક્ષણકાર્ય કરશે. જેમાં રાજકોટ જીલ્લાના ૪૫૦ શિક્ષકો આજરોજ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે.

ગુજરાત રાજય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળની ફરિયાદ છેકે ગત વર્ષે સરકારે ૨૦૧૭માં જાન્યુઆરીમાં રાજયના તમામ ફિકસ પગાર સહાયકોનો પગાર વધારો આપવાનો ઠરાવ કર્યો હતો. જેમાં સરકારી કર્મચારી સહાયકો, પ્રાથમિક ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો સહિત તમામ ફિકસ પગારના કર્મચારીઓને પગાર વધારાનો લાભ અપાયો છે. માત્ર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષક સહાયકોને પગાર વધારો અપાયો નથી.

જેને લઈ રાજયના ૭૦૦૦ થી વધુ શિક્ષકો આગામી ૨૩મી જુન સુધી સરકાર સામે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરશે. જયારે ૨૪મીએ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે રામધૂન યોજી વિરોધ પ્રદર્શન કરશે. જેમાં તમામ જીલ્લાના શિક્ષકો જોડાશે. આ કાર્યક્રમમાં શિક્ષણ સહાયકોને ન જોડાવવાનો આદેશ કરવા સરકારે તમામ ડીઈઓને પરિપત્ર કર્યો છે જેને લઈને શિક્ષક મંડળે ઉગ્ર વિરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.