અનલોક-૨ને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મહત્વપૂર્ણ જાહેરાત: ક્ફર્યુનો સમય ઘટાડીને રાત્રે ૧૦થી સવારે ૫ વાગ્યાનો કરાયો
રાજ્યમાં આવતીકાલથી લાગુ થનાર અનલોક-૨ને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જે મુજબ આવતીકાલથી રાજ્યમાં દુકાનો રાત્રે ૮ વાગ્યા સુધી તેમજ રેસ્ટોરન્ટ રાત્રે ૯ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. જ્યારે કરફ્યુનો સમય રાત્રે ૧૦થી સવારે ૫ વાગ્યાનો રહેશે.
રાજ્યમાં ૧ જૂલાઈથી એટલે કે આવતીકાલથી અનલોક- ૨નો પ્રારંભ થઈ રહ્યો છે. જેને લઈને રાજ્ય સરકારે આવતીકાલ એટલે કે ૧ જુલાઈથી ગુજરાતમાં દુકાનોને રાત્રે ૮વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો છે.આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે ૯ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. મુખ્યમંત્રીએ જણાવ્યું
છે કે ભારત સરકારના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર
રાજ્યમાં રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ કરવાનો રહેશે.
અનલોક- ૧માં સાંજના ૭ વાગ્યા સુધી જ વ્યાપાર-ધંધા અને રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી હતી. જ્યારે રાત્રિના ૯ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. આમ હવે દુકાન ધારકોને એક કલાકની અને રેસ્ટોરન્ટ માલિકોને બે કલાકની વધુ રાહત મળી છે. જ્યારે કર્ફ્યુમાં પણ ૧ કલાકની રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે હવે મોટાભાગની દુકાનો મહામારી પૂર્વે જે સમયે ચાલતી હતી તે જ સમયે ચાલવાની છે. ખાણી પીણીના વ્યવસાયિકોની રાવ હતી કે તેમનો ધંધો રાત્રીના સમયનો હોય તેઓ માટે કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. માટે રાજ્ય સરકારે તેઓના પ્રશ્નને ધ્યાનમાં રાખીને રેસ્ટોરન્ટ અને હોટેલોને દુકાનો કરતા એક કલાક વધુ આપી છે.
છેલ્લા ઘણા સમયથી લોકડાઉનના પગલે ધંધા- રોજગાર અસરગ્રસ્ત હાલતમાં હતા. માટે સરકાર અનલોક-૧થી ક્રમશ: છૂટછાટ આપી રહ્યું છે.
અનલોક-૨માં અનલોક-૧ કરતા વધુ છૂટ આપવામાં આવી છે. અને હજુ પણ આગામી દિવસોમાં અનલોક-૩માં તેનાથી વધુ છૂટ આપવામાં આવશે. આમ ધંધા- રોજગારને સંપૂર્ણ રીતે ફરી ધમધમતા કરી દેવામાં આવશે. બીજી તરફ અનલોક-૨માં છૂટછાટની જાહેરાતથી
લોકોમાં આનંદની લાગણી છવાઈ છે. પરંતુ એ પણ જરૂરી છે કે છૂટછાટમાં સરકારના તમામ નિયમોને અનુસરવામાં આવે અને માસ્ક, સેનેટાઇઝર તેમજ સોશિયલ ડિસ્ટન્સની ચુસ્ત અમલવારી કરવામાં આવે.