સરદારના હૃદયમાંથી ડેમ સહિતનો નજારો જોવાની ફી રૂ. 350
કેવડિયા કોલોની ખાતે નર્મદા નદીના કિનારે તૈયાર કરાયેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું બુધવારે વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણના બીજા દિવસ 1 નવેમ્બર (આજ)થી સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. જાહેર જનતા સરદારની વિશાળકાય પ્રતિમાને સવારે 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી નિહાળી શકશે. તો રાત્રે 50 પ્રોજેક્ટર્સની મદદથી લેઝર શો યોજાશે. જેને આવનારા પ્રવાસીઓ માણી શકશે.
લોકાર્પણ પ્રસંગે જ રાજ્યના મુખ્યમંત્રીએ તા.1 નવેમ્બર, 2018થી સ્ટેચ્યૂ ઓફ યુનિટી નાગરિકો માટે ખુલ્લું મુકવાની જાહેરાત કરી હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સરદારની પ્રતિમા નિહાળવા માંગતા પ્રવાસીઓ માટે નિયમિત રીતે સવારના 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી સમગ્ર પરિસર ખુલ્લું રહેશે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ પ્રવાસીઓનો ઘસારો રહેવાની તંત્ર દ્વારા માનવામાં આવી રહ્યું છે. ત્યારે સરદારની છાતીમાં આવેલી વ્યૂઇંગ ગેલેરી સુધી પહોંચવા 6 લિફ્ટ રાખવામાં આવી છે. વ્યૂઇંગ ગેલેરી 135 મીટરની ઊંચાઈ પર છે જ્યાંથી ડેમ સાઈટ અને આસપાસનો નજારો નિહાળી શકાશે.