ગિરના સિંહ અભયારણ્યમાં આજથી સિંહ દર્શન માટે પ્રવાસીઓને અપાશે પ્રવેશ: સોશિયલ ડિસ્ટન્સની ગાઈડલાઈન જાળવવા આદેશ
ડાલામથા સાવજની ભૂમિ ગિરના વિરાટ વગડામાં સિંહનું આધિપત્ય વિશ્ર્વમાં સૌથી શક્તિશાળી રાજવીની ગરિમાનું અર્વાચીન સ્વરૂપ
વનરાવનનો રાજા ગરજે, ગિર કાંઠાનો કેસરી ગરજે, એરાવતકુળનો અરી ગરજે… ઝવેરચંદ મેઘાણીની ચારણ ક્ધયા કાવ્યમાં ગિરના ડાલામથા સિંહનો વૈભવ દર્શાવવામાં આવ્યો છે. ગિરનો સિંહ જોવો, જાણવો, માણવો અને તેને નજીકથી ઓળખવો તે દરેક પરાક્રમી, સાહસીક, રસીક અને સાહિત્ય પ્રચુર વ્યક્તિ માટે રસનો વિષય હોય છે. ભારતના ઈતિહાસમાં જેવી રીતે પરાક્રમી રાજાના ઈતિહાસ આલેખાયા છે તે જ રીતે ગિરના સિંહોના ઈતિહાસમાં અનેક સિંહોની વૈભવ, વિરાસત અને ગિરના રાજની લોકકથાઓ દાયકાઓ સંભળાતી આવે છે.
ગિરના જંગલમાં વિશ્ર્વમાં એકમાત્ર એશિયાટીક સિંહોનો વસવાટ છે અને વિશ્ર્વભરના સિંહ પ્રેમીઓ માટે ગિરનું જંગલ અલૌકીક અનુભૂતિ અને રોમાંચરૂપ પ્રવાસ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આજથી વનરાજાનું વેકેશન ખુલી ગયું છે ત્યારે પ્રવાસીઓના હવે ગિરના જંગલમાં સિંહ દર્શન માટેની છુટ આપી દીધી છે ત્યારે ગિર અને ગિરના જંગલની ગરીમા અને સિંહનું ભવ્ય રાજપાઠ વિષે જાણવા જેવું છે.
કોરોના તથા સિંહના સવનન ના કારણે ગીર અભ્યારણ લગભગ ૭ માસ બંધ રહ્યા બાદ આજ તા. ૧૬ ઓક્ટોમ્બરથી શરૂ કરી દેવામાં આવ્યું છે. સરકાર તથા આરોગ્ય અને વન તંત્રના નિયમો અને નવી ગાઇડલાઇન મુજબ પ્રવાસીઓને અભયારણ્યમાં પ્રવેશ અપાઈ રહ્યો છે.
વન વિભાગના જૂનાગઢના સીસી.એફ. વસાવડાના જણાવ્યા અનુસાર આજથી પ્રવાસીઓ માટે અભ્યારણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, ત્યારે અભ્યારણમાં પ્રવાસે આવનાર દરેક પ્રવાસીની થર્મલ ગનથી તપાસ કરવામાં આવી રહી છે. દરેક પ્રવાસીને માસ્ક પહેરવાનું ફરજીયાત બનાવાયું છે. આ ઉપરાંત અભ્યારણની એન્ટ્રી ગેટ પાસે ટાયર બાથ બનાવવામાં આવ્યું છે, જેમાંથી પસાર થઈને દરેક જીપ્સી સેનીતાઈઝ થઈ જંગલમાં પ્રવેશી રહી છે. જેથી પ્રવાસીઓની સાથે જંગલમાં વસતા પ્રાણી, પક્ષી, જાનવરોમાં કોરોના ફેલાવાની શક્યતા નહીંવત રહેશે.
સરકારની સોશીયલ ડિસ્ટન્સની ગાઇડલાઈન મુજબ અભ્યારણ્યમાં જતી જીપ્સીમાં અગાઉ છ વ્યક્તિઓની પરમિટ અપાતી હતી. તેને બદલે હવે નવી ગાઇડલાઇન મુજબ ત્રણ વ્યક્તિને અને દસ વર્ષથી વધુ વય ધરાવતા એક બાળકને લઈ જઈ શકાશે. જો કે, પ્રતિદિન ૧૫૦ પ્રવાસીઓને રાબેતા મુજબ વન વિભાગ દ્વારા પ્રવાસ આપવામાં આવશે.
ગત તા. ૧ ઓકટોબરના રોજ વન વિભાગ દ્વારા સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને બાદમાં આજથી ગીર અભિયારણ્ય ખુલ્લું મૂકવામાં આવતા ગીરની લીલોતરી, અલભ્ય વાતાવરણ માણવા ઇચ્છતા પર્યાવરણના પ્રેમીઓ અને ગીરના સાવજ તથા અનેક પ્રાણી, પક્ષીઓના દર્શન કરવા ઇચ્છતા લોકોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે.
બીજી બાજુ સાસણ તથા આસપાસના ગ્રામ્ય જનોમાં પણ આનંદની લાગણી વ્યાપી ગઈ છે. કારણ કે, ખાસ કરીને સાસણના મોટાભાગના લોકો પ્રવાસીઓની સેવા, સગવડ અને વ્યવસાય પર આર્થિક રીતે નિર્ભર છે ત્યારે પહેલા સફારી પાર્ક અને આવતીકાલથી અભ્યારણ પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવતા આ બાબત સાસણ વાસીઓ માટે લાપસીના આંધણ મૂકવા બરાબર છે.
સિંહ વિશ્વનું સૌથી શક્તિશાળી, સમજદાર અને ભવ્ય રાજગુણ ધરાવતું પ્રાણી
ગિર, ગિરનાર, સૌરાષ્ટ્ર, ગુજરાત, ભારત અને એશિયાની એક આગવી ઓળખ બની રહેલા ગિરના સાવજની ભવ્ય વિરાસતનો ઈતિહાસ આમ તો ભારત વર્ષના રાજાશાહી યુગના સમકાલીન ચાલતો આવે છે. ભારત વર્ષમાં સિંહોનો વસવાટ સમગ્ર ભૂખંડ ઉપર હતો પરંતુ કાળક્રમે સિંહોએ પોતાની વસ્તીનો વ્યાપ ઘટાડતા-ઘટાડતા ગુજરાત અને હવે માત્ર એશિયાટીક પ્રાણી અભ્યારણ્ય ગિર સુધી મર્યાદીત રહી છે ત્યારે ગિરના સિંહોની ભવ્યતા રાજા-મહારાજાથી ઓછી હોતી નથી. સિંહ પોતે રાજવી ગુણ અને પ્રાણી જગતમાં સૌથી સમર્થ અને શક્તિશાળી પ્રાણી છે. સિંહના પંજાથી ૧૦ મણની કાયા ધરાવતી ભેંસ પત્તાના મહેલની જેમ ભાંગી પડે છે. સિંહની તાકાત અંગે એવું કહેવાય છે કે, તેના આગલા પગના પંજાના થાપામાં અનેક ટન વજનની તાકાત હોય છે. તે પોતે પોતાની ટેરેટરી ઉભી કરે છે. અનેક કિલોમીટર લાંબી ટેરેટરીમાં પોતાની મરજી ચલાવે છે અને જેને તે ઈચ્છે તે જ તેમાં રહી શકે છે. રાજાની જેમ સિંહ એકથી વધુ પટરાણી રાખે છે અને પોતાના વારસદારોને પોતાની રીતે જ ટ્રેઈન કરે છે. સિંહની આયુષ્ય વધુમાં વધુ ૧૫ વર્ષ હોય છે. ૭ વર્ષથી યુવા અવસ્થામાં પહોંચતો સિંહ જીવન રાજા તરીકે વિતાવે છે.