મેળાને પગલે સેવા કેમ્પો ધમધમ્યા: પદયાત્રીઓની સુરક્ષા માટે ૩૦૦૦થી વધુ સુરક્ષા જવાનો તૈનાત
આજે ગુરૃવારથી સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના સાત દિવસીય મહામેળાનો પ્રારંભ થશે. આ મેળો તા.૬ સપ્ટેમ્બરે પૂર્ણ થશે. મંદિર ટ્રસ્ટ અને તંત્ર દ્વારા મેળાને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વર્ષે ૩૦ લાખથી પણ વધુ ભાવિક ભક્તો મા અંબાના દર્શનાર્થે અંબાજીમાં ઉમટી પડશે તેવો અંદાજ તંત્ર દ્વારા રખાયો છે. લાખો યાત્રીઓની સુખ-સુવિધા અને સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી હોવાનો દાવો તંત્ર દ્વારા કરાઇ રહ્યો છે. અંબાજી તરફના તમામ માર્ગો અત્યારે પદયાત્રીઓથી ઉભરાઇ રહ્યા છે.
ઠેરઠેર સેવા કેમ્પો પણ ધમધમવા લાગ્યા છે. આજે ૩૧ ઓગષ્ટેથી મેળાનો પ્રારંભ થશે ત્યારે અઠવાડીયા -દશેક દિવસ પહેલા નીકળેલા કેટલાક સંઘો અંબાજી પહોંચીને મા અંબાના દર્શન કરીને ધજા ચઢાવી ધન્યતા અનુભવશે. વરસાદને ધ્યાને લઇને આ વર્ષે મોટાભાગના સેવા કેમ્પોમાં વોટર-પ્રુફ શામિયાણા બનાવવામાં આવ્યા છે. અંબાજીમાં ૧૩૦ થી પણ વધુ સીસીટીવી કેમેરા મારફતે તમામ ગતિવિધીઓ પર પોલીસતંત્ર બાજ નજર રાખશે. મેળાનું લાઇવ પ્રસારણ પણ કરાશે. મેળા દરમિયાન કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે ૩૦૦૦થી પણ વધુ પોલીસ જવાનોને તૈનાત કરાયા છે. જેમાં ૨૨ નાયબ પોલીસ અધિક્ષકો છે. કોઇપણ આકસ્મિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે અંબાજીમાં ચાર બોમ્બ ડિસ્પોઝવ ટીમ તેમજ પાંચ ક્વીક રીસપોન્સ ટીમો તૈનાત રખાઇ છે. વાહનો માટે કુલ ૧૧ સ્થળોએ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે. મેળામાં દરમિયાન એસ.ટી.નિગમ દ્વારા કુલ ચાર વિભાગમાંથી પાલનપુર, હિંમતનગર, મહેસાણા અને અમદાવાદ ડિવિઝનમાંથી વધારાની ૧૨૦૦ બસો દોડાવાશે. જે પણ આજથી શરૃ થઇ જશે. વરસતા વરસાદ વચ્ચે પારાવાર કષ્ટ સહન કરીને પણ બાળકો, મહિલાઓ, યુવાનો, અશક્તો, વિકલાંગો અને વુદ્ધો અંબાજી તરફના માર્ગો પર પગપાળા ચાલી રહ્યા છે. બોલ મારી અંબે…જય…જય..અંબેના નારાઓ સાથે તેમજ મા અંબેનો રથ ખેંચી જતા ભક્તોની અતૂટ શ્રદ્ધા અને ભક્તિને લઇને અનેરો ભક્તિમય માહોલ સર્જાયો છે. સેવા કેમ્પો પણ પદયાત્રીઓની સેવામાં તન,મન અને ઘનથી લાગી ગયા છે.આ વર્ષે સ્વાઇન ફ્લુના રોગને લઇનેેસે સેવા કેમ્પોમાં ઉકાળા અને મોઢે બાંધવાના માસ્કનું પણ મફતમાં વિતરણ કરાઇ રહ્યું છે.