અબતક,રાજકોટ
અરબી સમૂદ્રમાં સર્જાયેલા અપર એર સાયકલોનીક સરકયુલેશન અને મહારાષ્ટ્ર ગોવાના દરિયાકાંઠે સર્જાયેલા લો-પ્રેશરની અસર તળે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરામાં છેલ્લા ત્રણ દિવસથી કમૌસમી વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન આજથી રાજયભરમાં માવઠાનો માર મંદ પડશે જોકે હજી બેથી ત્રણ દિવસ વાદળછાંયુ વાતાવરણ રહેશે આજે અમરેલી અને ભાવનગરમાં હળવા ઝાપટા વરસશે રાજકોટમાં સવારથી વાદળછાંયુ વાતાવરણ છે.ઠંડીનું જોર પણ વધ્યું છે.
આજે અમરેલી અને ભાવનગરમાં હળવા ઝાપટા પડશે:
73 તાલુકાઓમાં ઝાપટાથી લઈ સાડા ત્રણ ઈંચ સુધી વરસાદ
આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજયનાં 73 તાલુકાઓમાં હળવા ઝાપટાથી માંડી સાડા ત્રણ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો.અરબી સમુદ્રમાં સાયકલોનીક સરકયુલેશન સર્જાયાના કારણે રાજયમાં ત્રણ દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. કારતક માસમાં જાણે ચોમાસુ જામ્યું હોય તેવો વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે વલસાડમાં સાડાત્રણ ઈંચ વરસાદ પડયો હતો. સુરતના પલસાણા ત્રણ ઈંચ, પાલનપુરમાં, ત્રણ ઈંચ, ભૂજમાં અઢી ઈંચ, દાતામાં અઢી ઈંચ, વાપીમાં અઢી ઈંચ, સામીમાં અઢી ઈંચ, સામીમાં અઢી ઈંચ, વડગામમાં બે ઈંચ, સરસ્વતી બેઈંચ, પોસીનામાં બે ઈંચ, વાસદામાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો.
રાજકોટમાં ગઈકાલે રાત્રે અચાનક વરસાદનું એક જોરદાર ઝાપટુ વરસી ગયું હતુ. રાજમાર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા.હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આજથી વાતાવરણ કિલયર થવા માંડશે માવઠાનો માર આજથી મંદ પડશે. જોકે સોમવાર સુધી હજી વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે આજે બનાસકાંઠા સાબરકાંઠા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ ઝાપટા પડશે આવતીકાલે ડાંગ, તાપી, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં કમૌસમી વરસાદ પડશે.કમૌસમી વરસાદના કારણે શિયાળુ પાકને પારાવાર નુકશાની થવા પામી છે. છેલ્લા ત્રણ દિવસથી ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ છે.