કોવિડ-19 મહામારીને કારણે વખતો-વખતની સરકારની ગાઇડલાઈન મુજબ સોમનાથ મંદિરમાં દર્શનની વ્યવસ્થા અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
હાલની ઘટતી જતી કોરોના વૈશ્ર્વિક મહામારીને ધ્યાનમાં રાખી સરકારની ગાઇડલાઈનની ચુસ્ત અમલવારી સાથે આજથી સોમનાથ મંદિરમાં આરતી-દર્શન માટે શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવાનો નિર્ણય સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે તેમજ સોમનાથ મુખ્ય મંદિર તથા અહલ્યાબાઈ મંદિર, ભાલક્ મંદિર, શ્રીરામ મંદિર, ગીતા મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, ભીડીયા મંદિરમાં પણ આરતીમાં પ્રવેશ આપવામાં આવશે. આજથી સોમનાથ મુખ્ય મંદિરમાં દર્શનનો સમય સવારે 06:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધીનો રહેશે.
મંદિરની ત્રણેય આરતીમાં ચાલુ આરતીએ ઉભા રહેવા દેવામાં આવશે નહીં. ફરજ પરના ટ્રસ્ટના કર્મચારી, પોલીસ, એસ.આર.પી.ની સુચના અને વ્યવસ્થા પ્રમાણે લાઈનમાં ચાલતા રહીને જ આરતીમાં દર્શન કરવાના રહેશે. ચાલુ આરતીએ કોઇપણ યાત્રિક આરતીમાં તેમજ સભામંડપ કે નૃત્યમંડપમાં પણ ઉભા રહી શકશે નહીં.
દર્શન માટેના પાસ ઓનલાઇન તેમજ ઓફલાઇન મેળવીને જ દર્શન માટે જવાનું રહેશે. તેમજ કોવિડની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી કાળજી કરવાની રહેશે. તેમજ ફરજ પરના પોલીસ, એસ.આર.પી. સિક્યોરીટી સ્ટાફ તેમજ મંદિરના સ્ટાફને વ્યવસ્થામાં સહકાર આપી દર્શન માટે જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે પ્રમાણે જ દર્શન કરવાના રહેશે.