હવેથી ચેકપોસ્ટ ઉપર થતી ગેરરીતી અટકશે: ભારે વાહનો અંગે દંડની ઉઘરાણી ઓનલાઈન કરાશે
રાજય સરકારે કરેલી જાહેરાત પ્રમાણે આજથી રાજયની ૧૬ જેટલી ચેક પોસ્ટોને તાળા લાગી જશે. ચેક પોસ્ટ પરનાં હાર્ડવેર, ફર્નિચર, રેકોર્ડનો કબજો લેવામાં આવશે. તમામ સામાન જિલ્લા ઓફિસમાં તબદીલ કરી દેવામાં આવશે. રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તાજેતરમાં એક મોટી જાહેરાત કરવામાં આવી હતી જેમાં તમામ ૧૬ ચેક પોસ્ટોને નાબુદ કરવા માટેનો મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો જે આજરોજ તમામ ચેકપોસ્ટોને તાળા લાગી જશે અને હાર્ડવેર, ફર્નિચર, રેકોર્ડનો કબજો લેવાશે. તમામ સામાન જિલ્લા ઓફિસમાં તબદીલ કરવામાં આવશે પરંતુ ચેકપોસ્ટ પર કોઈ ગેરરીતી કે ભારે વાહનો અંગે દંડની ઉઘરાણી ઓનલાઈન કરવામાં આવશે એટલે કે આ રકમ સીધી જ માલિકનાં ખાતામાંથી કપાઈ જશે.
રાજયની રૂપાણી સરકારે રાજયની અંદર ૧૬ આરટીઓ ચેકપોસ્ટ પર ગેરરીતી અને મોટા પ્રમાણમાં સ્ટાફની ફાળવણી કરવી પડતી હોવાનાં લીધે વાહન વ્યવહાર વિભાગે ચેકપોસ્ટોને નાબુદ કરીને દંડની ઓનલાઈન વસુલાતની વ્યવસ્થા ગોઠવી છે. ચેક પોસ્ટો પર સ્ટાફ અને તેના મળતીયાઓ મોટાપાયે ગેરરીતી કરતા હોવાની ફરિયાદો ઉઠતી હતી. આ તમામ પ્રશ્ર્નોને નિવારવા માટે ચેક પોસ્ટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ચેક પોસ્ટ ઉપર ચેકિંગનાં કારણે ઘણી વખત વાહનોની લાંબી લાઈનો લાગતી હોય છે. આ દરમિયાન ઈંધણનો વ્યય થતો હતો જેથી રાજયની ૧૬ ચેકપોસ્ટો ૨૪ કલાક ચાલુ રહેતી હોવાથી કચેરીએ મોટી સંખ્યામાં સ્ટાફ તૈનાત કરવો પડતો હતો પરંતુ હવે આજથી ૧૬ ચેકપોસ્ટોનોને તાળા લાગતા આ સમસ્યા દુર થઈ ગઈ છે.