ભજન, ભોજન અને ભકિતનો સમન્વય એટલે મહાશિવરાત્રીનો મેળો

પ્રથમ દિવસે ભાવિકો ઉમટી પડયા: અન્નક્ષેત્રો ધમધમ્યા

સાધુ-સંતો, અઘોરીએ ઘુણી ધખાવી; ભજન-સંતવાણીમાં રસિકો ઉમટયા

જૂનાગઢની ગિરી તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતા મહાશિવરાત્રીના મેળાનો ગઈકાલે પ્રારંભ થયો હતો. આ સાથે જ અન્નક્ષેત્રો ઉતારા મંડળો ધમધમતા થઈ ગયા છે. ગઈકાલે સવારે ભવનાથ મંદિરે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો.

સાધુ-સંતો અને અધોરીઓએ હરિહરનાં નાદ સાથે ઘુણી ધખાવી હતી અને રાત્રે ભજન-સંતવાણીના રસિકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. મહાવદ નોમથી લઈને મહાવદ તેરસ સુધી ચાલનાર મેળાના પ્રારંભ પૂર્વે સંતો, મહંતોએ ભવનાથ મહાદેવની વિશેષ પૂજા કરી હતી.

IMG 20200218 WA0023

કાલે સવારે ૯ કલાકે ભવનાથ મંદિર ખાતે પરંપરાગત રીતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ. આ સાથે જ પાંચ દિવસીય મેળાનો પ્રારંભ થયો હતો. અન્નક્ષેત્રોનાં સ્વયંસેવકો આગ્રહ કરીને ભાવિકોને પ્રસાદ લેવા માટે આગ્રહ કરતા જોવા મળ્યા હતા. મેળાનો આરંભ થતા જ દેશભરનાં સાધુ સંતો ગિરનારમાં પધારી ચૂકયા હતા.

ધ્વજારોહણ કાર્યક્રમમાં ભવનાથ મંદિરનાં મહંત હરિગીરી મહારાજ, મુકતાનંદ બાપુ, મહંત ભારતી બાપુ, મહંત ઈન્દ્રભારતીબાપુ, મોટાપીર બાવા, મેયર ધીરૂભાઈ ગોહેલ, કલેકટર ડો. સૌરભ પારધી અને મ્યુનિ. કમિશ્નર તુષાર સુમેરા ઉપસ્થિત રહ્યા હતા ગિરનાર દરવાજેથી ભારે ભીડ જોવા મળી હતી.

દત્ત ચોકથી લઈને ભવનાથ મંદિરના રસ્તામાં બંને તરફ ભીડ વાહનોના થપ્પા જોવા મળ્યા હતા. જેને લઈને રોડ બ્લોક થઈ ગયો હતો. ચાલીને જતા લોકોને પણ ભારે મુશ્કેલી પડી હતી.

મહાશિવરાત્રીના મેળામાં ચકડોળ અને રાઈડસની પણ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી. ચકડોળના પાર્ટસ, સહિતનું સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતુ અને રેલવે સ્ટેશન પર મહાશિવરાત્રીના મેળાને લઈને ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

IMG 20200218 WA0024

ભવનાથનાં સાંસ્કૃતિક સ્ટેજ પર રાત્રીનાં સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેને લોકોએ મન ભરીને માણ્યો હતો. કાલથી શરૂ થયેલો મેળો શુક્રવાર સુધી ચાલશે અને રાત્રે ૧૨ કલાકેવેડી નીકળશે. જેમાં નાગા સાધુઓ

મૃગીકુંડમાં સ્નાન કરશે ત્યારબાદ ભવનાથ મંદિરે મહાઆરતી થશે. મેળામાં આવનાર પ્રવાસીઓ માટે મહાનગરપાલીકા દ્વારા માહિતી કેન્દ્ર પણ શરૂ કરાયું છે. હેલ્પલાઈન નં. ૦૨૮૫-૨૬૨૧૪૩૫ અને ૨૬૨૨૦૧૧ પર સંપર્ક કરવો.

દિગમ્બર સાધુઓએ ધુણા પ્રજવલીત કરી આસન જમાવ્યું

મહાશિવરાત્રીના મેળાના પ્રારંભે જ ભારતભરમાંથી સાધુ-સંતો અને દિગંબરો ભવનાથ આવી પહોચ્યા છે. તેઓએ પોત પોતાની ધુણા પ્રજવલીત કરી આસન જમાવી લીધું છે.

દિગંબર સાધુઓની ચલમના ધુમાડા અને બમબમ ભોલેના નાદથી ભવનાથમાં એક અનોખો માહોલ સર્જાયો છે.

૨૫૦થી વધુ અન્નક્ષેત્રો શરૂ

મહાશિવરાત્રીનાં મેળામાં પૂણ્યનું ભાથું બાંધવા માટે દેશભરમાંથી લાખો ભાવિકો આવે છે. જેની જઠરાગ્નિ ઠારવા માટે વિવિધ મંડળો અને સેવાકીય સંસ્થાઓ દ્વારા દર વર્ષે મેળામાં અન્નક્ષેત્રો શરૂ કરાય છે. ત્યારે આ વર્ષેણ ૨૫૦થી વધુ અન્નક્ષેત્રો શરૂ થઈ ચૂકયા છે. અન્નક્ષેત્રોનાં સ્વયંસેવકો પણ ભાવિકોને પ્રસાદ લેવા માટે આગ્રહ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.