યુનિવર્સિટીનું ડિજિટલાઈઝેશન કરવા, દરેક કોલેજ, ડિપાર્ટમેન્ટ અને વિભાગોને ઇઆરપી સિસ્ટમ દ્વારા જોડવા, વિદ્યાર્થીઓ, કર્મચારીઓની બધી વિગતોને પણ ડિજિટલાઈઝ કરવામાં આવશે
યુનિવર્સીટીના તમામ ભવનોમાં હેડશિપ રોટેશન લાગુ કરવામાં આવશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે કુલપતિ ડો. ભીમાણીની અધ્યક્ષતામાં સિન્ડિકેટની બેઠક મળી હતી. જેમાં અગાઉ એકેડેમિક કાઉન્સિલ, બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચિંગ, ફાઇનાન્સ કમિટી સહિતની કમિટીના રિપોર્ટ પર ચર્ચા-વિચારણા કર્યા બાદ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા. સૌથી મોટી વાત કે આગામી નવા સત્રથી યુનિવર્સીટીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલવારી કરવામાં આવશે. તેમજ યુનિવર્સીટીમાં ઇઆરપી સિસ્ટમ પણ દાખલ કરવામાં આવશે. આ મિટિંગમાં સૌથી મહત્ત્વના મુદ્દાઓ પૈકી નવા સત્રથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવા જેમાં સ્નાતક કોર્સ ચાર વર્ષ અને અનુસ્નાતક એક વર્ષનો કરવા અંગે આજે નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ ઉપરાંત યુનિવર્સિટીમાં ઈઆરપી સિસ્ટમ લાગુ કરવા, પીએચ.ડીના ગાઈડની ગાઈડશિપના વિષયોની ફરી તપાસ કરવા, કાવ્ય મહાકુંભમાં આવેલા દાનની સંપૂર્ણ વિગતો અને હિસાબોની પણ ચકાસણી કરવામાં આવી હતી. નવા સત્રથી અન્ડર ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ એકસાથે બે ડિગ્રી ભણી શક્શે.
આ ઉપરાંત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત સ્નાતક કોર્સ ચાર વર્ષનો અને અનુસ્નાતક કોર્સ એક વર્ષનો કરવા પણ નવા સત્ર વર્ષ 2023-24થી અમલી કરવામાં આવશે. આ ઉપરાંત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમોને આધીન એલએલબીની પ્રવેશ પ્રક્રિયા આગામી વર્ષથી સેન્ટ્રલાઈઝ કરવામાં આવશે.અગાઉ મળેલી એસ્ટેટ, ફાયનાન્સ, એકેડેમીક કાઉન્સીલ અને બીયુટીની કાર્યવાહી મંજૂર કરવામાં આવી હતી.