નવી શિક્ષણ નીતિ 2020માં શિક્ષણને માર્ગદર્શિત કરતા મૂળભૂત સિઘ્ધાંતો આપ્યા છે તે પૈકી સિઘ્ધાંત વિદ્યાર્થીઓમાં ભારતની સમૃઘ્ધ, વૈવિઘ્યસભર, પ્રાચિન અને આધુનિક સંસ્કૃતિ તથા જ્ઞાનની પ્રણાલીઓ અને પરંપરા પ્રત્યે ગર્વ અને જોડાણની લાગણી ઉદભવે તેવા પ્રયાસ કરવા ભાર મુકયો છે.
તમામ શાળાના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાથી પરિચિત થાય અને તેના રોજીંદા જીવન અને શાળાકીય અનુભવોમાં ભારતીય સંસ્કૃતિનું જોડાણ થાય તેવો હેતું છે.
ગુજરાત સરકાર દ્વારા નવા શૈક્ષણિક સત્ર જુન-2023 થી રાજયભરની શાળાઓમાં ધો. 6 થી 12 ના શાળા અભ્યાસ ક્રમમાં ભગવત ગીતાનો સમાવેશ કરવાની જાહેરાત કરી છે. મૂલ્ય શિક્ષણની સાથે છાત્રો નૈતિક મૂલ્યો અને સિઘ્ધાંતો જાણે તેવા ઉમદા હેતુ છે. નવી શિક્ષણ નીતિ 2020ના ભાગરુપે આ નિર્ણય લેવાયો છે. આપણી પ્રાચીન સંસ્કૃતિ, પરંપરાઓ અને જ્ઞાનપ્રણાલી આજના છાત્રો જાણે અને તે પોતે ભારતના સમૃઘ્ધ અને વૈવિઘ્યસભર સંસ્કૃતિ પર ગર્વ લઇ શકે તેવું આયોજન છે.
આજથી પાંચ હજાર વર્ષ પૂર્વે મહાભારત યુઘ્ધના આરંભે કુરૂક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદરુપે પ્રગટેલી શ્રીમદ્દ ભગવત ગીતા માત્ર એક હિન્દુ પરંપરા નથી પણ સમસ્ત માનવ જાતિ માટે અઘ્યાત્મક અને જીવન વ્યવહારની સમજ આપતો એક અદભુત ગ્રંથ છે. ગાંધીજીએ કહ્યું હતું કે “મને જન્મ આપનારી માતા તો ચાલી ગઇ, પણ સંકટ સમયે હું ગીતામાતા પાસે જવાનું શીખી ગયો છું.” જીવનના તમામ પ્રશ્ર્નોના હલ આ મહાન ગ્રંથમાં સમાયેલો છે.
શ્રીમદ્ ભગવદ ગીતા વિશ કાંઇપણ વિચારો તે પહેલા તમારે મહાભારતને સમજવું જ પડે. તે વાસ્તવિક ઘટેલી ઘટનાનું એક દસ્તાવેજી મહાકાવ્ય છે. ભગવદ ગીતા મહાભારતનો જ એક અંશ છે. મહર્ષિ વેદ વ્યાસે 18 પર્વો અને એક લાખ શ્લોકોમાં તેનું વર્ણન કરેલ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષએ ચાર સ્તંભો ઉપર મહાભારતની વાત છે. ભગવત ગીતાજીની અંદર પ્રવેશી તેની ભવ્યતાના અનુભવ કરવો જરુરી છે, તે એક ભવ્ય ગ્રંથ પ્રસાદ છે તે એક છંદોબઘ્ધ ગ્રંથ સ્વરુપે છે.
ગીતા જ્ઞાન સંદેશથી દેશના ભાવી નાગરીકો એવા વિદ્યાર્થીઓમાં નિત્તિમતા, કર્મનિષ્ઠા, સંસ્કાર સિંચન, ભાતૃભાવ, અન્યાય સામે અવાજ ઉઠાવવો, સહિષ્ણુતા, કરૂણા, માનવતા જેવા વિવિધ જીવન મુલ્યોથી પરિપૂર્ણ બનશે. ગીતાના તમામ 18 અઘ્યાયોમાં કર્મયોગ, જ્ઞાનયોગ, ભકિતયોગ અને સાંખ્ય યોગ સાથે કર્તવ્ય પાલનની સમજ અને મનુષ્યનો સાચો સ્વધર્મ જાણશે. છાત્રો પોતે માનવજીવનની સાર્થકતા સમજશે.
સાંપ્રત સમાજની પથ દર્શક ગીતાજી છે, તે સંર્વાગી વિકાસનો રસ્તો બતાવે, ભેદભાવ મિટાવીને માનવ માત્રમાં એકતાનું નિર્માણ કરે છે. સમગ્ર માનવ જાત માટે હુંફ અને માર્ગદર્શન આપીને દૈવી ભાતૃભાવ નિર્માણ કરે છે.
માનવ જાતીના તમામ પ્રશ્ર્નો જેમાં સામાજીક, આર્થિક, રાજકિય, ભૌગોલિક વિગેરેના જવાબો આ એક માત્ર ભગવત ગીતાજીમાંથી મળતા હોવાથી છાત્રોને નાનપણથી ઉચ્ચકક્ષાની સમજ અને જ્ઞાન પ્રાપ્ત થશે. દરેક માનવીને સારી રીતે જીવવા કે માણસમાંથી શ્રેષ્ઠ માનવ બનવા માટે ભગવદ ગીતાને સમજવી જરુરી છે.
શ્રીમદ્દ ભગવત ગીતાએ હિન્દુ ધર્મનો સૌથી પ્રાચીન અને પવિત્ર ગ્રંથ છે, તે હિન્દુ ધર્મનો ગણાતો હોવા છતાં ફકત હિન્દુ પૂરતો સિમિત ન રહેતા પૂરા માનવ સમાજ માટેનો ગ્રંથ છે. વિશ્વભરના ચિંતકોએ તેમાંથી માર્ગદર્શન મેળવેલ છે. આપણા ઘણાં ગ્રંથો છે. પણ ગીતાજીનું મહત્વ અલૌકિક છે. તેને સ્મૃતિ ગ્રંથ પણ કહેવાય છે. મૂળભૂત તે સંસ્કૃતમાં રચાયેલી હોવાથી શાળાના અભ્યાસક્રમમાં તેના મૂળ હાર્દ સાથે સરળ શૈલીની સમજ સાથે આપણી ગુજરાતી ભાષામાં લાવવી પડશે. તેનો સમયગાળો ઇ.સ. પૂર્વે 3066નો મનાય છે. 18 અઘ્યાય સાથે 700 શ્લોક છે. ગીતાજીનો અંગ્રેજીમાં અનુવાદ 1785 માં પ્રકાશીત થયો હતો. મહાત્મા ગાંધીએ અનાસકિત યોગ – ગીતાનો ગુજરાતી અનુવાદ લખ્યો હતો.
“ભાગવત ગીતા અને સમુદ્ર બંને ઊંડા છે, પણ બંનેની ઊંડાઇમાં એક ફરજ છે.
સમુદ્રની ઊંડાઇમાં માણસ ડુબલ જાય છે અને ગીતાજીની ઊંડાઇમાં માણઇ તરી જાય છે”
વિદેશીઓ ભારતના હિન્દુ ધર્મને ખુબ જ પસંદ કરે છે. વિશ્વના તમામ દેશોમાં ભાગવત ગીતાનું મહત્વ છે. જાપાનમાં પણ ગીતાજીનો પ્રચાર પ્રસાર થઇ રહ્યો છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધો. 6 થી 8 અને ધો. 9 થી 1ર માં હવે ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પ્રણાલીનો શાળા શિક્ષણમાં સમાવેશ કરાયો છે. શિક્ષકે પ્રાર્થનામાં અને વર્ગમાં તેના અભ્યાસક્રમ સાથે વિદ્યાર્થીઓને ગીતાના સિઘ્ધાંતો અને મૂલ્યો સમજાવવા પડશે. આગામી નવા શૈક્ષણિક સત્રથી નાનપણથી જ બાળકોને સંસ્કારોના પાઠ ભણાવાશે. છાત્રોને ગીતાજી ના અલગ અલગ ભાગો સાથે શ્લોકો ભણાવાશે.
રૂટીંગ વિષયો સાથે નવા સત્રથી આ એક વધુ પાઠય પુસ્તકના સ્વરુપમાં ગીતાજીનું જ્ઞાન બાળકોને અપાશે અને તેનું મુલ્યાંકન પણ કરાશે. આ નવા અભ્યાસ ક્રમ સંદર્ભે શિક્ષકોને તાલિમ પણ અપાશે જેમાં તજજ્ઞો દ્વારા બાળકોની વય કક્ષા મુજબ રસ- રૂચિ વલણોને ઘ્યાને લઇને સરળ શૈલીમાં કેમ સારી રીતે શીખવી શકાય તેવી તાલિમ પણ અપાશે જેથી શિક્ષક વર્ગ ખંડમાં આ પ્રકારે શિક્ષણ કાર્ય કરી શકાશે. ગીતાજી સમજવી સાવ સરળ નથી. એના અર્થ ઘણા ગહન હોય છે. કોઇ અભ્યાસુ કે જાણકાર માણસ જ સમજી કે સમજાવી શકે છે. હવે પી.ટી.સી., બી.એડ. કોલેજમાં પણ ભાવી શિક્ષકો માટે તેના અભ્યાસક્રમમાં આ ભગવત ગીતાજીનો વિષય દાખલ કરવો પડશે જેથી તે જયારે શિક્ષક બને તો બાળકોને સારી રીતે શીખવી શકે. આ બાબતે શિક્ષણનું અધકચરુ જ્ઞાન ન ચાલે તેની તેને સૌથી પહેલા સજજતાથી જ્ઞાન બઘ્ધ તાલીમ બઘ્ધ કરવા જ પડશે.
છાત્રોને પાઠય પુસ્તકમાં વાર્તા અને પઠન-પાઠન સ્વરૂપે શિક્ષણ અપાશે
નવી શિક્ષણ નીતિ-2020 ના ભાગરુપે નવા સત્ર જુન-2023 થી ઘણા ફેરફારો જોવા મળશે. હવે 6 વર્ષ પૂર્ણ થયા બાદ બાળકોને ધો. 1 માં પ્રવેશ અપાશે. ધો. 1-2 માં અંગ્રેજી જેવા વિષયોનું શ્રવણ-કથન કરાવાશે. અને ધો. 3 થી લેખનનો મહાવરો અપાશે. શ્રીમદ્ ભગવત ગીતાનો પરિચય ધો. 6 થી 8 માં પુસ્તકમાં વાર્તા પઠન-પાઠન સ્વરુપે ગીતાનો પરિચય કરાવાશે. ધો. 9 થી 1ર માં પ્રથમ ભાષાના પુસ્તકમાં તેના સ્વરુપને આવરી લેવાશે. શાળાઓમાં ભગવદ ગીતા આધારીત શ્ર્લોકગાન, શ્ર્લોકપૂતિ, વકૃત્વ, નિબંધ, નાટય, ચિત્ર, કિવઝ વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓ અને સર્જનાત્મક પ્રવૃતિઓ યોજવામાં આવશે.
ભારતીય સંસ્કૃતિના જોડાણથી છાત્રોનો સંર્વાગી વિકાસ થશે
ધો. 6 થી 12 માટે સુંદર કલર ફૂલ સાહિત્ય અને અઘ્યયન સામગ્રીમાં પ્રિન્ટેડ, ઓડિયો, વિઝયુઅલ સાહિત્ય આપવામાં આવશે. વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિનું જોડાણ થાય અને તેના માઘ્યમથી તેનો સંર્વાગી વિકાસ થાય તેવું આયોજન વિચારાયું છે. ભગવદ ગીતાના પઠન-પાઠનનો કાર્યક્રમ પ્રાર્થના કાર્યક્રમમાં સમાવેશ થશે ગીતાજીના સમાવિષ્ટ મૂલ્યો અને સિઘ્ધાંતો બાળકોને સમજ અને રસ પડે તેવી રીતે પરિચય કરાવાશે.