આજે દેશભરમાં શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ સૌરાષ્ટ્રભરના શિવાલયોમાં ભક્તોની ભીડ જામી હતી, મોરબી, ટંકારા, ગોંડલ સહિતના ગામોમાં શિવ મંદિરે ખાસ પૂજા અર્ચના કરવામાં આવી હતી. તો ઘેલા સોમનાથ દાદાના મંદિર ખાસ પૂજા રાખવામાં આવી હતી, ત્યારબાદ ભોળાનાથને પ્રિય એવા ભાંગનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
મહાશિવરાત્રીએ સવારે 4-00 કલાકે મંદિરના દ્વારો ભક્તો માટે ખોલવામાં આવતા મહાદેવના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા. મહાદેવને ગુલાબ તથા વિવિધ પુષ્પો અને પાઘડીનો શૃંગાર કરવામાં આવેલ હતો. આરતી બાદ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધ્વજાપુજન કરવામાં આવેલ. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના પરિવારજનોએ મહાદેવની તત્કાલ મહાપુજા તથા ધ્વજાપૂજા કરી હતી. આ પ્રસંગે નિતિનભાઇ ભારદ્વાજ, ઉદયભાઇ શાહ સહિત મહાનુભાવો ઉપસ્થીત રહ્યા હતા. ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી દ્વારા ઉપસ્થિત સૌનું સન્માન કરવામાં આવેલ હતું. મહાશિવરાત્રીના દિને પ્રાતઃ પાલખીયાત્રાનુ પુજન અંજલીબેન રૂપાણી દ્વારા કરી યાત્રાપ્રારંભ કરવામાં આવેલ મહાદેવ નગર ચર્યાએ પસાર થતા હોય ત્યારે ઉત્સાહભેર ભક્તો પાલખી યાત્રામાં જોડાયા હતા.