મુખ દિઠે દુ:ખ મટે, હેતે પ્રસારે હાથ, અમી ઝરતી એ આંખડી, ઈ મંગલ મૂર્તિ માત
ઠેબચડા આશાપુરાધામના ગાદીપતિ પદુબાપુના આશિર્વચન સાથે બાવન ગજની ધ્વજા લઈ સંઘે પદયાત્રાનો કર્યો પ્રારંભ: ઠાકોર સાહેબ માંધાતાસિંહે આપી હાજરી
ર્માં આશાપુરા પદયાત્રી સંઘનું આજે સવારે ર્માં આશાપુરા મંદિર પેલેસ રોડ ખાતેથી પ્રસ્થાન થયું છે. આ પદયાત્રા સંઘ આગામી તા.૨૯ને રવિવારના રોજ પ્રથમ નોરતે માતાના મઢ (કચ્છ) ગામમાં પહોચશે. ર્માં આશાપુરા ધામ (ઠેબચડા ગામે) મંગળા આરતી બાદ ધજા ચડાવવામાં આવી હતી. ૨૫૦થી વધુ પદયાત્રીઓનો સંઘ આજે સવારે પદુબાપુ (ગાદીપતિ- ર્માં આશાપુરા ધામ ઠેબચડા)ના આર્શીવચન સાથે બાવન ગજની ધજા લઈ પદયાત્રાનો પ્રારંભ કર્યો છે. આ શુભ ઘડીએ ઠાકોર સાહેબ માંધાતાસિંહ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટથી ઉપડેલો પદયાત્રી સંઘ ૩૭૫ કિમીનું અંતર કાપી આગામી તા.૨૯ના રોજ માતાના મઢ (કચ્છ) ગામમાં પહોચશે. પદયાત્રા દરમિયાન અનેક સેવા ભાવીઓ દ્વારા ભોજન-પ્રસાદ, રાત્રી રોકાણ માટે કેમ્પો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં સ્વ. પ્રતાપભાઈ મથુરાદાસ રાજદેવ એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ, લાઈફ મીશન કેમ્પ (શેમરાજસિંહ જાડેજા) બાપાસીતારામ મઢુલી રવેચી મિત્ર મંડળ કેમ્પ, જાડેજા ભીખુભા ચંદુભાનો કેમ્પ, હનુમાન ટેકરી આશાપુરા ગ્રુપ ઓફ ગાંધીધામ,થરપારકર લોહાણા યુવક મંડળ, હરિહર આશ્રમ, ઉગેડી કેમ્પ વગેરેનો સહયોગ મળ્યો છે.
ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાએ આ તકે કહ્યું હતું કે આજના પાવન અવસર નિમિતે રાજકોટના રાજવી પરીવાર વતી પદયાત્રીઓ ને શુભકામનાઓ આપું છું. દર વર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પદયાત્રીઓ રાજકોટના પેલેસ રોડ ખાતે આવેક મા આશાપુરાના મંદિરે આવી માની પૂજા – અર્ચના કરી, મા ના ગુણગાન ગાઈ તેમજ ધ્વજારોહણ કરીને પદયાત્રાની શરૂઆત કરતા હોય છે. પદયાત્રીઓ સંઘ ભાવના સાથે માં આશાપુરાના નામના રટણ સાથે નૈસરગી દ્રશ્યો અને જળ સંચયો જે સંપૂર્ણ રુપે ભરાઈ ગયા છે તે માણતા માણતા પદયાત્રીઓ પદયાત્રા કરવા જઈ રહ્યા છે જેનો આ વિદાય સમારંભ છે.
તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે કે કહેવાય છે જીવનનું મર્મ અને મહત્વ ધર્મમાં રહેલુ છે, ધર્મનું મહત્વ ભક્તિમાં રહેલો છે અને ભક્તિનું શક્તિ માં છે. ત્યારે નવલા નોરતાના પ્રસંગે પદયાત્રીઓ માં આશાપુરાની ઉપાસના અર્થે આજે પદયાત્રાની શરૂઆત કરી રહ્યા છે ત્યારે હું તમામ પદયાત્રીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું.
આ તકે પદુબાપુ (ગાદીપતિ માં આશાપુરા ધામ – ઠેબચડા)એ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ નવલા નોરતા પ્રસંગે માં આશાપુરાના નામનું રટણ કરતા પદયાત્રીઓ માં આશાપુરાના મઢ સુધી પહોંચે છે. માં આશાપુરાની દયા છે કે તેઓ તમામ યાત્રિકોને હેમ ખેમ રીતે મઢ સુધી પહોંચાડે છે. માં આશાપુરા ના મઢ ખાતે માતાની પૂજા અર્ચના કરાશે, ધ્વજારોહણ કરાશે. અમે માં આશાપુરાને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ અમારા પદયાત્રી સંઘને હેમખેમ તેમના ધામ સુધી પહોંચાડે.