ગુરૂકુલમાં સવારે 7 થી 8 શ્રધ્ધાંજલિ સભા તેમજ 24 કલાકની સ્વામિનારાયણ મહામંત્રની ધૂન તથા ગુરૂકુલ હોસ્પિટલમાં આખો દિવસ ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન
અબતક-રાજકોટ
ભારત દેશમાં નાલંદા જેવી વિદ્યાપીઠો, સાંદીપની ઋષિના આશ્રમો હતાં જ્યાં દેશ-વિદેશના જિજ્ઞાસુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતાં. સમય જતાં આ વિદ્યાપીઠો, આશ્રમોનું અસ્તિવ ભુંસાયું. જેને પુન: જીવિત કરવર પૂ. સદ્ગુરૂ શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામીએ હિમાલયની પગપાળા યાત્રા પછી બીડું ઝડપ્યું. માન્યવર કવિવર ત્રિભુવનભાઇ વ્યાસનો વિચાર મળ્યો અને સન 1948 માં ઉગતી આઝાદી સાથે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં સ્વામિનારાયણ ગુરુકુલની સ્થાપના કરી. આ સંસ્થાપક શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામીની તા. 18-2-2022 ને શુક્રવારને મહાવદ-2 ના રોજ 34 મી પુણ્યતિથિ છે.
આ સ્વામીનું જીવન ચરિત્ર જોઇએ તો ખ્યાલ આવે કે સ્વામીજી અયાચક વ્રતધારી, પંચવર્ત પુરાશુરા, સમગ્ર જીવન પરહિતાર્થે વહેતું રાખનાર, વિપતિ અને વિરોધોના વાવાઝોડા વચ્ચે અણિશુધ્ધ સાધુતા ટકાવી રાખવાનું કામ કરનાર, જીવનમાં નિયમિતતાં, સજાગતા, નીડરતા, કરૂણતા, ક્ષમાલિતા વ્યવહારિકતા, શ્રીજીની આજ્ઞા, ઉપાસના અને ધર્મપાલનની દ્રઢતા જેવા અનેક ગુણોનો ભંડાર હતો.ફક્ત 12 વર્ષની ઉંમરે સંસાર છોડી સાધુતાના માર્ગે પ્રયાણ શરૂ કર્યુ. સાધુ થવા છ-છ વખત ઘર છોડ્યું અંતે ઘરના સભ્યોએ રજા આપી વિદ્વતવર્ય પુરાણી ગોપીનાથદાસજી સ્વામીના અનુગ્રહમાં 14 વર્ષની ઉમરે સારંગપુર મુકામે કષ્ટભંજનદેવના સાંનિધ્યમાં વડતાલવાસી આચાર્ય મહારાજ પતિપ્રસાદજી મહારાજે ભાગવતી દીક્ષા આપી સાધુ ધર્મજીવનદાસ નામ આપ્યું.બીજા વિશ્વયુદ્ધ વખતે વિશ્વશાંતિ માટે કપરા સમયમાં પણ 21 દિવસનો અભૂતપૂર્વ મહોત્સવ જૂનાગઢમાં યોજી નાના-મોટા સંતો, હરિભકતો અને સમાજ શ્રેષ્ઠીઓના દિલ જીતી લીધા.
મહંત પદેથી નિવૃત્ત થઇ હિમાલયમાં બદ્રીનારાયણ, કેદારનાથ વગેરેની પ3 દિવસની પગપાળા પદયાત્રા કરી અને રૂદ્ર પ્રયાગમાં એક ઋષિ બાળકોને સંસ્કૃત શ્લોક શિખવતા હતા તેમાંથી પ્રેરણા મળી અને ગુરુકુલની સ્થાપના કરવાનો સંકલ્પ કર્યો. પૂ. માનત સ્વામીની અનુજ્ઞાથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં રાજકોટ મુકામે 1948 માં પ્રથમ ગુરુકુલનું ખાત મુહૂર્ત કર્યુ.કાલે પૂ. શાસ્ત્રીજી મહારાજની 34 મી પુણ્યતિથિ પ્રસંગે વિવિધ આયોજનો હાથ ધરવામાં આવ્યાં છે. રાજકોટ ગુરુકુલમાં સવારે : 7 થી 8 શ્રદ્ધાંજલિ સભા થશે પછી સ્વામીજીના અગ્નિ સંસ્કાર સ્થળે (ગુરુકુલમાં જ) જઇ પ્રાર્થના કરાશે અને પુષ્પાંજલિ અર્પણ કરાશે. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ દંડવત, કીર્તન, મંત્રજાપના નિયમો લીધાં છે. સ્વામીજીની સ્મૃતિમાં સવારે યજ્ઞનારાયણને આહૂતિ આપવામાં આવશે. અને 24 કલાકની સ્વામિનારાયણ મહામંત્રની ધૂન તથા ગુરુકુલ હોસ્પિટલમાં આખો દિવસ ફ્રિ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.