હલવાઇઓની મીઠાઇ ‘કડવી’ બની!

ભારતીય સમાજ વ્યવસ્થામાં અને ખાસ કરીને ગુજરાતીઓનો મીઠાઈ સાથે અતુટ સંબંધ રહ્યો છે, ચુરમાના લાડુથી શરૂ થયેલી મીઠાઈની આ સફર અત્યારે મોહનથાળ થઈને ફેન્સી સ્વીટ સુધી પહોંચી છે પરંતુ મીઠાઈનું હાર્દ ગળપણનો હેતુ યથાવત રહ્યો છે ત્યારે વેપારીઓ માટે મીઠાઈની આવરદાની સ્પષ્ટતા મુશ્કેલીરૂપ બને તો નવાઈ નહી

ભારતીય સમાજ જીવન અને ખાસ કરીને ગુજરાતીઓમાં મનના ભાવ અને ખુશી વ્યક્તિ કરવાની સાથે સાથે સ્વાદ રસનો આનંદ લેવા માટે મીઠાઈનું ખુબજ મહત્વ છે. મન રાજી થાય એટલે મીઠુ મોઢુ કર્યા પછી જ હર્ષની અભિવ્યક્તિ પુરી થાય છે. ભારત અને ખાસ કરીને ગુજરાતના સમાજ જીવન સાથે મીઠાઈનો અતુટ નાતો છે. વર્તમાન મેડિકલ સાયન્સમાં વધુ પડતી ખાંડ અને મીઠાઈ ખાવાની મનાઈ ફરમાવવામાં આવી છે પરંતુ સામાજીક જીવનમાં મીઠાઈએ પોતાનું વજન હજુ એવું ને એવું યથાવત રાખ્યું છે. એ વાત અલગ છે કે, અગાઉ ઘરમાં બનેલા ચુરમાના લાડુથી લઈ વાયા મોહનથાળ થઈને અત્યારે ફેન્સી મીઠાઈઓનો એક આધુનિક યુગ ચાલી રહ્યો છે. પરંતુ આ બદલતી જતી મીઠાઈની તકદીર અને તાસીરના હાર્દમાં તો હજુ પણ ગળ્યુપણું રહેલું છે. હવે આરોગ્યને લઈને સરકાર દ્વારા મીઠાઈની આવરદા નિશ્ર્ચિત કરવા માટે ૧લી ઓકટોબરથી હલવાઈઓ માટે બેસ્ટ બી ફોર ડેટ એટલે કે, વપરાશની મુદતની તારીખ લખવાનું ફરજિયાત બનાવાયું છે. જે કેટલાક અંશે મીઠાઈ બનાવનાર અને વેંચનાર હલવાઈઓ માટે મુંઝવણનો વિષય બને તો નવાઈ નહીં.

અત્યારે મીઠાઈ બજારમાં હલવાઈઓ જથ્થાબંધ રીતે ચોકીઓમાં મીઠાઈ બનાવીને વેંચાય ત્યાં સુધી દુકાનમાં રાખીને તેનો વેપાર કરે છે. હવે આ મુદત અને આવરદાની નિશ્ર્ચિત મર્યાદા વગરનો મીઠાઈનો કારોબાર ભુતકાળ બની જશે. ૧લી ઓકટોબરથી શરૂ થનારા આ નવા નિતી નિયમોમાં દુકાનદારે ગ્રાહકોને દુકાનમાં વેંચાતી મીઠાઈ ક્યાં સુધી ખાવા લાયક રહી શકે તેને નિશ્ર્ચિત તારીખ આપવાની રહેશે.

સરકાર દ્વારા ખોરાક સુરક્ષા, માપદંડ અને ગુણવત્તા અંગે એફએસએસએઆઈ દ્વારા બનાવવામાં આવેલા નિયમોની જોગવાઈમાં અત્યાર સુધી બેસ્ટ બીફોરની કોઈ જોગવાઈ ન હતી. હવે મીઠાઈના ઉત્પાદકો માટે મીઠાઈની આવરદાની તારીખ દર્શાવવી ફરજિયાત બની છે. મીઠાઈ અને ફરસાણ ઉત્પાદન ઉદ્યોગ મંડળના નિર્દેશક ફિરોઝ નકવીએ જણાવ્યું હતું કે, આ કાયદાથી વેપારીઓ માટે ખુબજ સરળતા રહેશે પરંતુ ઉત્પાદન ઉપર આવરદા લખવી તે વ્યવહારૂ ન ગણાય. ૨૫મી સપ્ટેમ્બરે એફએસએસએઆઈ દ્વારા જારી કરેલા નિર્દેશન મુજબ ૧લી ઓકટોબરથી દરેક મીઠાઈની ચોકીઓ કે દુકાનમાં વેંચાતા પેકિંગ ઉપર બેસ્ટ બીફોર ડેટ લખવાની પ્રથાનો અમલ શરૂ થશે અને તેમાં ઉત્પાદનની તારીખ અથવા તેની આવરદાની તારીખ દર્શાવવાનો વિકલ્પ રાખવામાં આવ્યો છે. ફિરોઝ નકવીએ જણાવ્યું હતું કે, ૧લી ઓકટોબરથી આ નિયમનો અમલ શરૂ થશે. દરેક મીઠાઈ પર તેની આવરદા નક્કી કરતી તારીખ મુકવામાં આવશે. જો કે, મીઠાઈ ઉપર બેસ્ટ બી ફોરની તારીખ દર્શાવવી સંપૂર્ણપર્ણે વ્યવહારુ ન ગણી શકાય. તેમણે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી મહિનામાં કોરોના વાયરસના કારણે આ નિયમની અમલવારી બે વખત મુલત્વી રાખવામાં આવી હતી. હવે ઓકટોબર ૧લીથી તેનો અમલ શરૂ થશે. આ હુકમ અને નિયમ માત્ર ખુલ્લામાં વેંચાતી મીઠાઈઓ માટે જ લાગુ પડશે. જ્યારે પેકિંગ મીઠાઈ, ફરસાણ પર તો ઉત્પાદનની તારીખ અને એકસ્પાયરી ડેટ લખવાની પ્રથા ક્યારથીયે અમલમાં છે. મીઠાઈ ઉપર તેની આવરદા દર્શાવતી તારીખ લખવાની આ પ્રથા હલવાઈઓને મુંઝવણમાં મુકી દેનારી બને તો નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.