ગુજરાતના અન્ય જિલ્લાઓની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ રોજગારી માટે અન્ય રાજયોમાંથી મોટી સંખ્યામાં પરપ્રાંતિય શ્રમિક પરિવારો આવીને વસ્યા હતા. લોકડાઉનની પરિસ્થિતિમાં આવા ૧૦ હજારથી વધુ પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન મોકલવા માટે સરકારની માર્ગદર્શિકાને ધ્યાને લઈ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે. રાજેશના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસનના કર્મયોગીઓએ કટીબધ્ધતા સાથે કાર્ય કર્યુ. જેના પરિણામે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં રહેલા પરપ્રાંતિય શ્રમિક પરિવારો પોતાના વતન પહોંચી શક્યા છે.
વહિવટી તંત્ર દ્વારા આરંભાયેલા આ યજ્ઞકાર્ય અન્વયે ગત તારીખ ૯ મી મે ના રોજ પરપ્રાંતિયોને તેમના વતન મોકલવા માટે પ્રથમ સ્પેશ્યલ ટ્રેન ઉત્તરપ્રદેશના લખનૌ ખાતે મોકલવામાં આવી હતી. ત્યારથી આજ દિન સુધીમાં ૬,૭૪૪ શ્રમિકોને સ્પેશ્યલ ટ્રેન દ્વારા અને ૪,૦૬૨ શ્રમિકોને બસ ખાનગી વાહન દ્વારા તેમના વતન મોકલવામાં આવ્યા છે. જિલ્લામાંથી મોકલવામાં આવેલા આ પરપ્રાંતિયો પૈકી ઉત્તરપ્રદેશના ૨૯૬૫, ઓરીસ્સાના ૧૦૯૧, મધ્યપ્રદેશના ૨,૭૭૧, આસામના ૧૪, મણીપુરના ૪, કેરાલાના ૧૩, પશ્ચિમ બંગાળના ૩૯૯, બિહારના ૭૧૫, ઝારખંડના ૮૭૩, ઉત્તરાખંડના ૧૦૨, દાદરા અને નગર હવેલીના ૬, તેલંગાણાના ૯, પોંડીચેરીના ૨, પંજાબના ૧૫, રાજસ્થાનના ૮૬૯, આંધ્રપ્રદેશના ૧૦, હરિયાણાના ૨૨, જમ્મુ કાશ્મીરના ૨, છત્તીસગઢના ૨, ગોવાના ૧૩, હિમાચલ પ્રદેશના ૧૨, કર્ણાટકના ૨૦, મહારાષ્ટ્રના ૮૪૬, દિલ્હીના ૧૧ તથા દમણ અને દિવના ૨૦ મળીને ૧૦,૮૦૬ જેટલા શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે.