- દિલ્હી અને પંજાબ બાદ હવે “આપ” નજર ગુજરાત પર
- “આપ” સુપ્રીમો-દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું બપોરે રાજકોટમાં આગમન: વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પાર્ટીના પદાધિકારીઓ સાથે બેઠક : સાંજે શાસ્ત્રી મેદાનમાં જંગી જાહેર સભા: રાત્રિ રોકાણ પણ રાજકોટમાં જ કરશે
દિલ્હી અને પંજાબમાં પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની નજર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હોમ સ્ટેટ ગુજરાત પર છે. આપના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મિશન ગુજરાતના બૂલંદ ઇરાદા સાથે રાજકોટથી ચૂંટણીનું વ્યૂગલ ફૂંકશે સાંજે તેઓ શાસ્ત્રી મેદાન ખાતે જંગી જાહેર સભાને સંબોધશે. જેના સૌરાષ્ટ્રભરમાંથી આપના કાર્યકરો અને સમર્થકો બહોળી સંખ્યામાં ઉમટી પડશે. કેજરીવાલને આવકારવા રાજકોટવાસીઓમાં પણ સ્વયંભૂ થનગનાટ જોવા મળી રહ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા હવે ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતની રાજકીય પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓના આંટાફેરા ગુજરાતમાં વધી રહ્યા છે. ગઇકાલે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ દાહોદમાં જંગી સભા સંબોધી હતી. દરમિયાન આજે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના કન્વિનર અરવિંદ કેજરીવાલ રાજકોટની મૂલાકાતે આવી રહ્યા છે.
તેઓનું બપોરે 2:45 કલાકે રાજકોટ એરપોર્ટ પર આગમન થશે. ઇમ્પિરિયલ હોટલ ખાતે તેઓ આપના પદાધિકારીઓ તથા સામાજીક-રાજકીય અને સેવાકીય ક્ષેત્રના આગેવાનો સાથે મૂલાકાત કરશે અને ચૂંટણી સંદર્ભે ચર્ચા કરશે.
સાંજે 7 કલાકે શાસ્ત્રી મેદાન ખાતે એક જંગી જાહેર સભાને સંબોધશે. જેમાં માત્ર રાજકોટ જ નહી સૌરાષ્ટ્રભરના આપના કાર્યકરો અને સમર્થકો ઉમટી પડશે.
અરવિંદ કેજરીવાલને આવકારવા રાજકોટવાસીઓમાં જબ્બર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠેર-ઠેર કેજરીવાલની ઝંડીઓ લગાવી દેવામાં આવી છે. કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત વિધાનસભાની આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ ઉપરાંત કોંગ્રેસ અંતે રાજ્યમાં પગપેસારો કરવાનો બુલંદ ઇરાદો ધરાવતી આમ આદમી પાર્ટી પણ ઇલેક્શન મોડમાં આવી ગઇ છે.
આજે મિશન ગુજરાત-2022 અંતર્ગત અરવિંદ કેજરીવાલ રાજકોટની ચૂંટણીનું રણશીગું ફૂંકશે. ગાંધીનગરની ગાદીનો રસ્તો સૌરાષ્ટ્રમાંથી નિકળી છે કારણ કે સૌરાષ્ટ્રમાં વિધાનસભાની સૌથી વધુ 52 બેઠકો છે. જે સત્તાના સમીકરણો ઉથલ પાથલ કરવામાં મોટો રોલ ભજવે છે.