પાટણમાં રૂ.18 હજારની લાંચ લેતી મહિલા તલાટી મંત્રી પકડાઈ
રાજ્યમાં લાંચ રુશવત વિરોધી શાખાએ સપાટો બોલાવતા 24 કલાકમાં મહિલા સહિત બે અધિકારીઓને ઝડપી લેતા લાંચ્યા અધિકારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે. જેમાં ભાવનગર એસીબીએ એસટી વિભાગના નિયામકને રંગેહાથે રૂ.50 હજારની લાંચ લેતા ઝડપી પાડયો છે. જ્યારે પાટણમાં મહિલા તલાટી મંત્રી રૂ.18 હજારની લેતા એસીબી શાખાએ દબોચી લીધો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદીની રાજ ટ્રાવેલ્સના નામથી ખાનગી બસ ભાવનગરથી મહુવા રૂટ ઉપર પેસેન્જરમાં ચાલતી હોય, તેમજ પાલીતાણા રૂટ ઉપર પણ અન્ય પ્રાઇવેટ મીની ટ્રાવેલ્સ ચાલતી હોય અને જે વાહનોના સંચાલકોને ખાનગી બસો આ રૂટો ઉપર ચલાવવી હોય અને એસ.ટી. વિભાગ તરફથી કોઇ કનડગત ન થાય કે એસ.ટી. વિભાગ દ્વારા વાહન ચેકીંગ ન થાય અને બસો રોકાય નહિ તે માટે પ્રાઇવેટ ટ્રાવેલ્સના સંચાલકો પાસેથી દર મહીને રૂ.50 હજાર લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા નહોતા જેથી ભાવનગર એસીબીમા ફરિયાદ આપી હતી.
જેથી એસીબીએ છટકુ ગોઠવી લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો હતો.તો બીજી તરફ પાટણમાં એસીબીએ વધુ એક લાંચ કેસનો પર્દાફાશ કર્યો છે. ફરીયાદીએ ગામની સ્કૂલમાં વરડાનું કામ કર્યું હતું. જેનું બિલ સાડા ત્રણ લાખ રૂપિયા હતું, આ બિલની વહીવટી પ્રક્રિયાની સરળતા માટે અને તેમને બીજી મદદ કરવા માટે આરોપી પુષ્પાબેન ગોવિંદભાઈ પ્રજાપતિ, હોદ્દો, તલાટી કમ મંત્રી, દુધારામપુરાએ રૂ.18,000ની લાંચ માંગી હતી. લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે પાટણ એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને ફરિયાદ કરી હતી.જેમાં એસીબીની ટીમ દ્વારા લાંચના છટકાનું આયોજન કરતા આરોપી લાંચની રકમ રૂ.18,000 સ્વીકારતા દુધારામપુરા ગ્રામ પંચાયત કચેરીમાં જ તેઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. એસીબીએ આરોપીને ડિટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.