પાટડી નાગરિક સહકારી બેંકમાં 15, 16 અને 17 તારીખની સાંજે ઇન્ટરનેટ બંધ હતું. 18મી જૂને બેંકમાંથી હેકર દ્વારા રૂ. 54 લાખથી વધુની રકમ બારોબાર ઉપાડી લીધાનું ધ્યાને આવ્યું હતું. જેમાં હેકરે પાટડી નાગરિક બેંકમાંથી કુલ 14 એન્ટ્રીથી 54,29,387 બહારના રાજ્યોમાં છઝૠજથી ટ્રાન્સફર કર્યાનું ખૂલ્યું હતું. આથી પાટડી નાગરીક બેંકના ચેરમેન અને મેનેજર સહિતના આગેવાનો ગાંધીનગર સાઇબર ક્રાઇમમાં ફરિયાદ માટે પહોંચ્યા છે.
બેંક મેનેજર મુકેશભાઇ દેસાઇ દ્વારા સઘન તપાસ કરાવાતા પાટડી નાગરીક બેંકમાંથી કુલ 14 એન્ટ્રીથી 54,29,387 બહારના રાજ્યોમાં છઝૠજથી હેકરે ટ્રાન્સફર કર્યાનું ખુલ્યું હતુ. જેમાં હેકર દ્વારા રૂ. 3 લાખથી પણ વધારેની રકમ સાથેની એક એન્ટ્રી મળી કુલ 14 એન્ટ્રી દ્વારા વિવિધ રાજ્યોના દિલ્હી, ગ્વાલિયર અને બેંગ્લોર જેવા શહેરોમાં રૂ. 54,29,387 આરટીજીએસ દ્વારા ટ્રાન્સફર કરી નાણા ચાંઉ કર્યાનું ખૂલ્યું છે.
હાલમાં તો પાટડી નાગરિક બેંકના ચેરમેન રશ્મિભાઇ પરીખ અને મૌલેશભાઇ પરીખ તથા મેનેજર મુકેશભાઇ દેસાઇ સહિતના આગેવાનો ગાંધીનગર સાઇબર ક્રાઇમમાં ફરીયાદ માટે પહોંચ્યા છે. બેંકમાંથી આરટીજીએસનું ફોર્મ ભર્યા કે એન્ટ્રી કર્યા વગર ખાતામાંથી નાણા ઉધારવાની ઇફેક્ટ ક્યાંથી થઇ એને લઇને ગાંધીનગર સાઇબર ક્રાઇમમાં ફરીયાદ નોંધાવી છે. મેનેજર દ્વારા તપાસ કરાતા બેંકમાં 15,16 અને 17 જૂનના રોજ ઇન્ટરનેટ સેવા ઠપ્પ હતી. ત્યારે હેકર દ્વારા 15મી જૂને બેંકનો પાસવર્ડ હેક કરી સવારે 7થી 1 દરમિયાન 14 એન્ટ્રી દ્વારા આ રકમ ટ્રાન્સફર કરાયાનું ખૂલ્યું હતું.
પાટડી નાગરિક સહકારી બેંકમાંથી હેકરે રૂ. 54,29,387 આરટીજીએસ દ્વારા ટ્રાન્સફર કર્યાની ઘટના સામે આવ્યા બાદ એમાંથી જેના ખાતામાં નાણા ટ્રાન્સફર થયા એની તપાસ કરી એ ખાતા ધારકને બેંક દ્વારા ફોન કરાતા એણે ખાતામાં રૂ. 85 જ પડ્યાં હોવાનું જણાવ્યું હતું. આથી ભેજાબાજ હેકરે અજાણ્યા લોકોના ખાતામાં નાણા જમા કરી નાણા ઓળવી ગયાનું સામે આવતા બેંકના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પહેલાં હેકરે બે એન્ટ્રી ટ્રાન્સફર કરી ફરી પાછા જમા કરાવીને ચેક પણ કર્યાનું ખૂલ્યું છે. હાલ તો બેંકે આરટીજીએસ કામગીરી બંધ કરી દીધી છે.