હવે, રાષ્ટ્રીય એજ્યુકેશન પોલિસી-2020 હેઠળ તમામ યુનિવર્સિટીઓમાં એક સરખા માળખા અને કાર્યપદ્ધતિના અમલ માટે ગુજરાતમાં એક સમાન કાયદો અનિવાર્ય હતો. જે લઈને ગુજરાતમાં પણ હવે પબ્લિક યુનિવર્સીટી એક્ટ અમલી થયો છે. રાજ્યની તમામ 11 યુનિવર્સીટીમાં સરકારનો પાવર રહેશે જેથી કુલપતિ જ હવે સર્વેસર્વા રહેશે. જેથી સરકાર તમામ યુનિવર્સીટીમાં બોર્ડ ઓફ ગવર્નસની નિમણુંક કરશે એટલે સેનેટ-સિન્ડિકેટની ચૂંટણી થશે જ નહિ અને કુલપતિ જ સર્વેસર્વા હશે.
અગાઉ પબ્લિક યુનિવર્સિટી એક્ટ 2006માં લવાયો હતો. વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ વિરોધ નોંધાવતા મોકૂફ રખાયો હતો. સરકારે અધ્યાપકો, આચાર્યો સહિતના શિક્ષણ નિષ્ણાતો પાસેથી અભિપ્રાયો મંગાવ્યા હતા. 2009માં આ એક્ટને ફરી એકવાર લાવ્યા જોકે ફરી પડતો મુકવો પડ્યો. ગુજરાતમાં 59 યુનિવર્સિટી છે જેમાં 18 સરકારી યુનિવર્સિટી છે. 4 કૃષિ, 3 કેન્દ્રીય, 2 ગ્રાન્ટેડ અને 32 પ્રાઈવેટ યુનિવર્સિટી છે.હાલ પબ્લિક યુનિવર્સિટી એક્ટ સરકારી 11 યુનિવર્સિટીમાં અમલમાં આવ્યો છે.
તમામ યુનિવર્સીટીઓમાં એક સરખા અભ્યાસક્રમ અને એક જ સમયે પરીક્ષા લેવાશે: સેનેટ-સિન્ડિકેટને બદલે બોર્ડ ઓફ ગવર્ન્સ નીમવામાં આવશે
અભ્યાસક્રમ એક થયા બાદ વિદ્યાર્થીઓ અડધા અભ્યાસક્રમમાં અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ લઈ શકશે
એક્ટનાં અમલ થયા બાદ હવે વિદ્યાર્થી, અધ્યાપક સહિતની સેનેટની ચૂંટણી નહિ થાય. સિન્ડિકેટની ચૂંટણી પણ નહિ યોજાય. સેનેટ અને સિન્ડિકેટના બદલે બોર્ડ ઓફ ગવર્નન્સ કે બોર્ડ ઓફ મેનેજમેન્ટની નિમણૂક કરવામાં આવશે.
વિદ્યાર્થીઓને અધવચ્ચે પ્રવેશની માથાકૂટમાંથી મુક્તિ મળશે. અત્યારે અભ્યાસક્રમ અલગ હોવાથી અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ છે. અભ્યાસક્રમ એક થયા બાદ વિદ્યાર્થીઓ અડધા અભ્યાસક્રમમાં અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ લઈ શકશે.પબ્લિક યુનિવર્સીટી એક્ટમાં દરેક યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ એક સરખો રહેશે.
ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટનો કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના મતે એક્ટ લાગુ થવાથી સત્તાનું કેન્દ્રિકરણ થશે. યુનિવર્સિટીની આંતરિક લોકશાહી સમાપ્ત થઈ જશે તેવો કોંગ્રેસનો મત છે. ચૂંટાયેલા પ્રતિનિધિ નહીં પણ સરકારના મળતિયા અને માનીતા લોકોની નિમણૂક થશે. સેન્ટ્રલાઈઝ ભરતી થવાથી યુનિવર્સિટીની સ્વાયતતા ખતમ થઈ જશે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થશે. એક્ટ લાગુ થવાથી ફીમાં પણ નોંધપાત્ર વધારો થશે. ફી વધવાથી વિદ્યાર્થીઓ પર બોજો પડશે.
પબ્લિક યુનિવર્સીટી એક્ટના મહત્વના મુદ્દા
- પીવીસીની પોસ્ટ નાબૂદ કરવામાં આવી.
- સેનેટ-સિન્ડિકેટનું સ્થાન બોર્ડ ઓફ ગવર્નન્સ અને એજયુકેટીવ કાઉન્સીલ લેશે.
- બોર્ડ ઓફ ગર્વનન્સની ટર્મ અઢી વર્ષની રહેશે.
- કુલપતિની ટર્મ પાંચ વર્ષની રહેશે.
- એક યુનિવર્સીટીમાં એક જ વાર કુલપતિ પદ ભોગવી શકાશે.
- બોર્ડ ઓફ ગવર્નન્સ અને એજયુકેટીવ કાઉન્સીલમાં રોટેશન પ્રમાણે સભ્યોની નિમણુંક કરાશે.
- દરેક કમિટીમાં 33 ટકા મહિલા અનામતની જોગવાઈ
- બે મહિને એજયુકેટીવ કાઉન્સીલની અને દર છ મહિને બોર્ડ ઓફ ગવર્નન્સની બેઠક ફરજીયાત
- એજયુકેટીવ કાઉન્સીલના નિર્ણયોને બદલવાની સતા બોર્ડ ઓફ ગવર્નન્સ પાસે હશે.
રાજ્યની 11 યુનિ.ઓમાં પબ્લિક યુનિવર્સીટી એક્ટ લાગુ
- બરોડાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી
- ગુજરાત યુનિવર્સિટી
- સરદાર પટેલ યુનિવર્સિટી
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
- મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
- ડો.બાબા આંબેડકર ઓપન યુનિવર્સિટી
- ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી
- ડો. મહેતા યુનિવર્સિટી અને ગુરુ ગોવિંદ યુનિવર્સિટીને આ ફેરફારો લાગુ પડશે
- વડોદરા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં રાજમાતા સુભાંગીની ગાયકવાડ ચાન્સેલર રહેશે
- વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી બાકીની 10 યુનિવર્સિટીના ચાન્સેલર રાજ્યપાલ રહેશે
રાષ્ટ્રીય શિક્ષા નીતિની અમલવારી સરળ બનશે: મહેન્દ્ર પાડલીયા
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પૂર્વ કુલપતિ ડો. મહેન્દ્ર પાડલીયાએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પબ્લિક યુનિવર્સીટી એક્ટથી વિધાર્થીઓ-શિક્ષકોને ખુબ જ ફાયદો થવાનો છે. હવેથી રાજ્યની 11 યુનિવર્સીટીઓ એક છત નીચે આવશે જેથી વહીવટી કામ પણ સરળ થશે. એક યુનિવર્સીટીમાંથી બીજી યુનિવર્સીટીમાં જવુ સરળ બનશે. અભ્યાસક્રમ પણ એક થવાથી પ્રવેશ રાષ્ટ્રીય શિક્ષા નીતિની અમલવારી પણ ખુબ જ સરળ બનશે.
વિધાર્થીઓની કેન્દ્રીય વ્યવસ્થામાં વધારો થશે: ડો.કમલેશ જોશીપુરા
પૂર્વ કુલપતિ ડો.કમલેશ જોશીપુરાએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષા નીતિના વ્યાપક સંદર્ભમાં પબ્લિક યુનિવર્સીટી બિલ ખુબ જ જરૂરી હતું. ખાસ તો આ બિલથી વિધાર્થીઓની કેન્દ્રીય વ્યવસ્થા છે તેમાં વધારો થશે. યુનિવર્સીટી પોતે પોતાની રીતે વોકેશનલ પોગ્રામ પણ શરૂ કરી શકશે. આ બિલ ખુબ જ આવકારવા લાયક છે.
રાજ્યની સરકારી યુનિવર્સીટીઓની સ્વાયત્તતા દૂર થશે: ડો.નિદત બારોટ
શિક્ષણવિદ્દ ડો.નિદત બારોટે ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પબ્લિક યુનિવર્સીટી બિલથી યુનિવર્સીટીની સ્વાયત્તતા દૂર થશે તેમજ એક હથ્થું સાશન ચાલશે. ભરતી પ્રકિયા સરકારના હસ્તક થશે જેથી ભરતી પ્રકિયા ધીમી થશે. યુનિવર્સીટીમાં ચૂંટાયેલા પ્રતિનિધિને બદલે સરકાર નિયુક્ત પ્રતિનિધિને કોઈ સતા રહેશે નહિ જેથી નવ યુવાનોને નેતૃત્વની તક રહેશે નહિ.
એક્ટથી રાજકીય પ્રવૃત્તિ યુનિવર્સિટીમાંથી સંપૂર્ણ નાબૂદ થશે: ડો.પરેશ રબારી
યુવા શિક્ષણવિદ્દ ડો.પરેશ રબારીએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એક્ટથી રાજકીય પ્રવૃત્તિ યુનિવર્સિટીમાંથી સંપૂર્ણ નાબૂદ થશે. વિદ્યાર્થીઓ, અધ્યાપકો ,સંશોધનો અને કોલેજોને વૈશ્વિક લેવલે અપડેટ કરવા માટેની તમામ જોગવાઈઓ કરવામાં આવેલી છે.હવે સત્તા મંડળમાં માત્ર શિક્ષણની ચિંતા કરવા વાળા લોકો જ સ્થાન પામશે જે અભિનંદન ને પાત્ર છે.