- આઇસ્ક્રીમ પ્લાન્ટ ખાતે નવીન ટેક્નોલૉજી ધરાવતા કોન ફિલિંગ મશીનનું ઉદ્ઘાટન
- આઈસક્રીમ પ્લાન્ટની ક્ષમતા 50 હજાર લિટર પ્રતિ દિન
- આ મશીન પ્રતિ કલાક માં 24,000 આઇસ્ક્રીમ કોન બનાવશે
અંજાર ન્યુઝ :
ફેબ્રુઆરી-2024માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સરહદ ડેરીના આઇસ્ક્રીમ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ આઈસક્રીમ પ્લાન્ટની ક્ષમતા 50 હજાર લિટર પ્રતિ દિનની છે. આજ રોજ અંજારના ચાંદરાણી સ્થિત આઇસ્ક્રીમ પ્લાન્ટ ખાતે નવીન ટેક્નોલૉજી ધરાવતા કોન ફિલિંગ મશીનનું અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ કોન મશીનનું વલમજીએ પૂજાવિધિ કરીતુ લોકાર્પણ કર્યું હતું. વલમજીભાઈએ આપેલ માહિતી અનુસાર આ મશીન પ્રતિ કલાક માં 24,000 આઇસ્ક્રીમ કોન બનાવશે. જેમાં 3 રોબોટિક પિક એન્ડ પ્લેસ મશીન પણ સામેલ છે. આઇસ્ક્રીમ કોન અમૂલ બ્રાન્ડ હેઠળ 40 ml, 100 ml, 120 ml સાઇઝમાં તથા વેનીલા, ચોકો અને બટર સ્કોચ જેવી 40 જેટલી વેરાયટી માર્કેટમાં ઉપલબ્ધ થશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજ થી કચ્છ ના તમામ લોકો “મેઈડ ઇન સરહદ ડેરી-અંજાર કચ્છ” વાળો આઇસ્ક્રીમ કોનનો સ્વાદ માણશે. આ આઇસ્ક્રીમ કોન નજીકના રિટેલ શોપ અને અમૂલ પાર્લરમાં ઉપલબ્ધ હશે.
અત્રે નોંધનીય છે કે આ આઇસ્ક્રીમ પ્લાન્ટમાં કેન્ડી, કુલ્ફી, અને આઇસ્ક્રીમ કપ, ટબ અને પાર્ટી પેક વગેરે વિવિધ આઇસ્ક્રીમની વેરાયટીઑ પણ અમૂલ બ્રાન્ડ હેઠળ અગાઉથી બની રહ્યા છે. આ આઇસ્ક્રીમ ગુજરાતના ભાવનગર, રાજકોટ, અમદાવાદ ડેપો સુધી મોકલવામાં આવી રહ્યા છે.સાથે સાથે રાજસ્થાનમાં જોધપુર સુધીના વિવિધ ડેપોમાં પણ સરહદ ડેરી અંજાર દ્વારા બનાવવામાં આવતો આઇસ્ક્રીમ મોકલવામાં આવી રહ્યો છે.
આ ઉદ્ઘાટન પ્રસંગે આઇસ્ક્રીમ કોન મશીનના ઈન્સ્ટોલેશન માટે ગ્રામ કંપની-જર્મનીના એંજિનિયર ડેન, દૂધ સંઘના આસી. જનરલ મેનેજર નીરવ ગુસાઈ, દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ તેમજ આઇસ્ક્રીમ પ્લાન્ટના અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા તથા સૌએ એકબીજાના મો મીઠા કરાવ્યા હતા.